SURAT

બિલ્ડરના પુત્રએ સ્ટંટ કરવા જતા કાર એક્સિડેન્ટ કર્યો, છતાં સુરત પોલીસે કાર્યવાહી કેમ ન કરી?, પૂછાતો સવાલ

સુરત : જો કોઇ સામાન્ય પરિવારના લોકો પોતાની જ સોસાયટીમાં જાહેરમાં કેક કાપી બર્થડે ઉજવે અને તેનો વીડિયો વાયરલ થઇ જાય તો તરત જ અધિકારીઓ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરે છે. આ બાબત ખૂબ જ સારી કહેવાય પરંતુ જ્યારે કોઇ નબીરા સ્ટંટ કરે અને તેનો વીડિયો વાયરલ થાય તો અચાનક જ કાયદાનું ભાન કરાવતી પોલીસનો દંડો ગાયબ થઇ જાય છે.

  • વેસુના બિલ્ડર પુત્રએ સ્ટંટ કરતાં અકસ્માતની ઘટના દબાવી દેવાઇ
  • બુડકો કાર ડિવાઇડરમાં ઘૂસી ગઇ હતી નબીરાને ભારે જહેમતથી બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
  • હેલમેટ વગરના સામાન્ય લોકોને મેમો ફટકારતી પોલીસના કેમેરા આવી સ્પીડ ડ્રાઇવ વખતે ક્યાં જાય છે?

શહેરના વેસુ વિસ્તારમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 20 જાન્યુઆરીએ મોડી રાત્રે એક બિલ્ડર પુત્રએ વેસુ વિસ્તારને માથે લીધો હતો. તે સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે તેની કાર ડિવાઇડર પર ચડી ગઇ હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે ત્યારે આ આખી ઘટના દબાઇ ગઇ છે.

સુરતના વેસુમાં 20 જાન્યુઆરીની રાત્રે સ્ટંટ કરતી વેળાએ કાર ડિવાઈડરમાં ઘૂસી જતા બે યુવક ઈજાગ્રસ્ત થયા હતા. કારમાં ફસાયેલા નબીરા એવા બિલ્ડરના પુત્રને લોકોએ ભારે જહેમતે કારની બહાર કાઢી હોસ્પિટલ ખસેડયો હતો. ત્રણ મહિના અગાઉ પણ આ યુવકે આવું જ કારનામુ કર્યું હતું.

આ ઘટનાના 3 મહિનામાં જ ફરી સ્ટંટબાજી કરી બિલ્ડરના પુત્રએ લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા. મળતી માહિતી મુજબ, ગત રાત્રિના સમયે વેસુ પાસે અકસ્માતમાં એક કાર ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. તપાસ કરતા કારમાં સવાર બંને યુવકો ઓવર સ્પીડમાં કાર ચલાવી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળી છે.

ગમખ્વાર અકસ્માતમાં કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા બિલ્ડર પુત્રને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યારે ડ્રાઈવરની બાજુમાં બેસેલા યુવકને નાની-મોટી ઈજા પહોંચી હતી. કારમાં સવાર યુવકને સામાન્ય ઇજા થતા સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.

જોકે અકસ્માતની ઘટના હોવા છતાં ખાનગી હોસ્પિટલ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી. લોકોના જીવનમાં જોખમમાં મૂકીને સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Most Popular

To Top