World

તુર્કીની હોટલમાં આગ લાગવાથી 66 લોકોના મોત, 51 ઘાયલ

તુર્કીમાં મંગળવારે ઉત્તરપશ્ચિમ તુર્કીના એક લોકપ્રિય સ્કી રિસોર્ટમાં એક હોટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 66 લોકો માર્યા ગયા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 51 અન્ય લોકો ઘાયલ થયા છે. ગૃહમંત્રી યેરલિકાયાએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા પછી પત્રકારોને જણાવ્યું, “આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે,”

દરમિયાન આરોગ્ય પ્રધાન કેમલ મેમિસોગ્લુએ જણાવ્યું હતું કે ઘાયલોમાંથી ઓછામાં ઓછા એકની હાલત ગંભીર છે. અધિકારીઓ અને અહેવાલો અનુસાર બોલુ પ્રાંતના કાર્ટલકાયા રિસોર્ટમાં 12 માળની ગ્રાન્ડ કાર્ટલ હોટેલના રેસ્ટોરન્ટમાં સવારે લગભગ 3:30 વાગ્યે આગ લાગી હતી. હાલમાં આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ઘટના સમયે હોટલમાં કુલ 234 લોકો રોકાયા હતા.

ગવર્નર અબ્દુલઅઝીઝ આયદિને રાજ્ય એજન્સીને જણાવ્યું હતું કે ગભરાટમાં ઇમારત પરથી કૂદી પડવાથી બે પીડિતોના મોત થયા હતા. એક સ્થાનિક ટેલિવિઝનના જણાવ્યા મુજબ કેટલાક લોકોએ ચાદર અને ધાબળાનો ઉપયોગ કરીને તેમના રૂમમાંથી નીચે આવવાનો પ્રયાસ કર્યો. ઘટના દરમિયાન હોટેલમાં રોકાયેલા સ્કી પ્રશિક્ષક નેકમી કેપ્સેટ્ટુટનએ જણાવ્યું હતું કે જ્યારે આગ લાગી ત્યારે તેઓ ઊંઘી રહ્યા હતા અને ઇમારતની બહાર દોડી ગયા હતા. ત્યારબાદ તેમણે હોટલમાંથી લગભગ 20 લોકોને બહાર કાઢવામાં મદદ કરી. તેમણે કહ્યું કે હોટેલ ધુમાડાથી ઘેરાયેલી હતી જેના કારણે લોકોને આગમાંથી બચવાના રસ્તા શોધવા મુશ્કેલ હતા.

પ્રત્યક્ષદર્શીઓ અને અહેવાલોએ જણાવ્યું હતું કે હોટલમાં ફાયર સિસ્ટમ કામ કરી રહી ન હતી. હોટલના ત્રીજા માળે રહેતા અતાકન યેલકોવને એક સમાચાર એજન્સીને જણાવ્યું કે મારી પત્નીને કંઈક સળગવાની ગંધ આવી, ત્યારબાદ અમે ઉભા થઈને દોડી ગયા પરંતુ આ સમય દરમિયાન હોટલમાં કોઈ એલાર્મ વાગ્યું નહીં. કાર્તલકાયા એ ઇસ્તંબુલથી લગભગ 300 કિલોમીટર (186 માઇલ) પૂર્વમાં કોરોગ્લુ પર્વતોમાં એક લોકપ્રિય સ્કી રિસોર્ટ છે. શાળાના સેમેસ્ટર બ્રેક દરમિયાન જ્યારે વિસ્તારની હોટલો ખચાખચ ભરેલી હતી ત્યારે આગ લાગી હતી. સાવચેતીના પગલા તરીકે અન્ય હોટલોને ખાલી કરાવવામાં આવી હતી.

Most Popular

To Top