સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘THE UAE-INDIA CEPA : Advancing the Bilateral Partnership’ વિષય પર યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ભારત અને UAE (સંયુક્ત આરબ અમીરાત) વચ્ચે વર્ષ 2022 માં હસ્તાક્ષરિત આર્થિક ભાગીદારી કરાર (CEPA) થયો હતો. UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, જેનો દ્વિપક્ષીય વેપાર વર્ષ 2023 માં 84 બિલીયન ડોલરને પાર કરી ચૂક્યો છે, જેમાં CEPA પછી 16% ની વૃદ્ધિ થઈ છે.
UAE ભારતનું બીજું સૌથી મોટું નિકાસ સ્થળ પણ છે, જેમાં કાપડ, જેમ્સ અને ખાદ્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જેના મેન્યુફેક્ચરીંગમાં સુરત મુખ્ય ભૂમિકા ભજવે છે, ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો માટે આ ક્ષેત્રે વિપુલ તકો રહેલી છે. કાપડ અને જેમ્સમાં ઘટાડેલા ટેરિફથી સુરતની નિકાસમાં વધારો થયો છે, ખાસ કરીને સુરતથી UAE માં એક્ષ્પોર્ટ થતાં વાર્ષિક 4 બિલીયન ડોલર મૂલ્યના હીરા, નવીનીકરણ ઊર્જા ક્ષેત્રે ભારતનો મહત્વાકાંક્ષી નેટ ઝીરો 2070 ધ્યેય ટકાઉપણું માટેના UAEના વિઝન સાથે સુસંગત છે. ભારતમાં 20 બિલિયન ડોલરથી વધુના રોકાણ સાથે UAE ભારતના ગ્રીન એનર્જી લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મુખ્ય ભાગીદાર છે.
UAE (યુનાઈટેડ આરબ એમિરેટ્સ) ના ભારત સ્થિત રાજદૂત ડો.અબ્દુલનાસીર જમર અલ્શાલીએ કહ્યું હતું કે, ગુજરાત અમારું નંબર વન ટ્રેડિંગ પાર્ટનર છે. એક અંદાજ અનુસાર, UAE માં ભારતના કુલ એક્ષ્પોર્ટમાં ગુજરાતનો ફાળો મહત્વપૂર્ણ છે. UAEના ગુજરાત સાથેના વેપારિક સંબંધો ખાસ વિશેષતા ધરાવે છે. ગુજરાત સાથેના વેપારિક સંબંધો વધુ મજબૂત થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે. કાર્યક્રમમાં ઈકોનોમિક એફેર્સના હેડ ફહાદ અલ્બશર, ચેમ્બરના તત્કાલિન પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી નિરવ માંડલેવાલા, ખજાનચી મૃણાલ શુક્લ, પૂર્વ પ્રમુખો નિલેશ માંડલેવાલા, રોહિત મહેતા, રજનીકાંત મારફતિયા SGCCI ગ્લોબલ કનેક્ટના પરેશ ભટ્ટ, દેવકિશન મંધાણી ઉપસ્થિત રહ્યા હતા.
UAE દ્વારા 7581 ભારતીય પ્રોડક્ટસ પરની ટેરિફ દૂર કરવામાં આવી : અહેમદ અલ્જેનેઈબીએ
UAE-INDIA CEPA કાઉન્સિલના ડાયરેક્ટર અહેમદ અલ્જેનેઈબીએ UAE માં બિઝનેસની રહેલી તકો અને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘CEPA કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવો, ટ્રેડમાં આવતા નોન-ટેરિફ બેરિયર્સને દૂર કરવામાં અને ઈફેક્ટિવ ડિસપ્યુટ સેટલમેન્ટ સિસ્ટમને લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. CEPA નો લક્ષ્યાંક વર્ષ 2030 સુધી નોન-ઓઈલ દ્વિપક્ષીય વેપારને 100 બિલિયન યુ.એસ. ડોલર સુધી પહોંચાડવાનો અને ભારતમાં એક મિલિયન નોકરીઓ નિર્માણ કરવાનો છે. UAE દ્વારા 7581 ભારતીય પ્રોડક્ટસ પરની ટેરિફ દૂર કરવામાં આવી છે. ભારતીય લેબર ઈન્ટેન્સિવ માટેના તાત્કાલિક ટેરિફ ફ્રી માર્કેટ એક્સેસ સેક્ટરમાં ટેક્ષ્ટાઈલ, લેધર, પ્લાસ્ટિક, એગ્રીકલ્ચરનો સમાવેશ થાય છે. વર્ષ 2021-22 થી વર્ષ 2023-24 નાણાકીય વર્ષ અનુસાર, CEPA હેઠળ UAE માં ભારતની નિકાસ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે 64%, ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે 39% અને ફ્રુટ અને વેજીટેબલ્સ ક્ષેત્રે 35% વધી છે.