Sports

ક્રિકેટની બાઈબલ ગણાતી વિઝડન મેગેઝિન બુમરાહ પર ફિદા, ટેસ્ટ ઈલેવનનું સુકાન સોંપ્યું

ક્રિકેટની બાઈબલ ગણાતી મેગેઝિન વિઝડને મેન્સ ટેસ્ટ ઈલેવન ઓફ ધી ઈયર 2024ની જાહેરાત કરી છે. આ ઈલેવનમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ બુમરાહને વિઝડન મેગેઝિનને પોતાની ટીમનું સુકાન પણ સોંપ્યું છે.

11 સભ્યોની ટીમની પસંદગી ક્રિકેટ લેખકોની પેનલ દ્વારા કરવામાં આવી હતી જેમાં 41 સભ્યોનો સમાવેશ થતો હતો. પેનલ દ્વારા પસંદ કરાયેલા ત્રણ ખેલાડીઓ ભારતના હતા, જેમાં જસપ્રિત બુમરાહ ઉપરાંત યશસ્વી જયસ્વાલ અને રવિન્દ્ર જાડેજાના નામનો પણ સમાવેશ થાય છે.

ગયા વર્ષે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે યશસ્વીની 209 રનની ઇનિંગ્સને વર્ષ 2024માં તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ તરીકે પસંદ કરવામાં આવી હતી.

જસપ્રીત બુમરાહે વર્ષ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. બુમરાહે વર્ષ 2024માં 13 ટેસ્ટ મેચમાં 14.92ની એવરેજથી 71 વિકેટ લીધી હતી. બુમરાહ પછી ઈંગ્લેન્ડનો ગુસ એટકિન્સન બીજા સ્થાને હતો. એટકિન્સને વર્ષ 2024માં 11 ટેસ્ટ રમી હતી અને 52 વિકેટ લીધી હતી. બુમરાહ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં 32 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

ઓપનર યશસ્વી જયસ્વાલ માટે પણ વર્ષ 2024 ઘણું સારું રહ્યું. યશસ્વીએ 15 ટેસ્ટ મેચમાં 54.74ની એવરેજથી 1478 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 9 અડધી સદી ફટકારી હતી. ગયા વર્ષે માત્ર જો રૂટ જ યશસ્વી કરતા વધુ ટેસ્ટ રન બનાવી શક્યો હતો. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન રૂટે 17 ટેસ્ટ મેચમાં 55.57ની એવરેજથી 1556 રન બનાવ્યા છે.

સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ 12 ટેસ્ટ મેચોમાં 42.78ની એવરેજથી 984 રન બનાવ્યા, જેમાં બે સદી અને ચાર અડધી સદી સામેલ છે. બોલિંગની વાત કરીએ તો જાડેજાએ ગયા વર્ષે ટેસ્ટમાં 24.29ની એવરેજથી 48 વિકેટ ઝડપી હતી.

ઈલેવનમાં એક પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી નથી
વિઝડન મેગેઝિન દ્વારા પસંદ કરાયેલ 2024ની ટેસ્ટ ઈલેવનમાં ઈંગ્લેન્ડના મહત્તમ પાંચ ખેલાડીઓ સામેલ છે. જ્યારે ભારતના ત્રણ ખેલાડીઓ તેમાં સામેલ હતા. ન્યૂઝીલેન્ડના બે ખેલાડીઓ અને શ્રીલંકાના બેટ્સમેન કામિન્દુ મેન્ડિસને પણ આ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. નવાઈની વાત એ છે કે ઈલેવનમાં ઓસ્ટ્રેલિયાનો એક પણ ખેલાડી સામેલ નથી.

મેન્સ ટેસ્ટ ઈલેવન ઓફ ધ યર 2024 (વિઝડન): 1. યશસ્વી જયસ્વાલ (ભારત), 2. બેન ડકેટ (ઈંગ્લેન્ડ), 3. કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ), 4. જો રૂટ (ઈંગ્લેન્ડ), 5. હેરી બ્રુક (ઈંગ્લેન્ડ), 6. કામિન્દુ મેન્ડિસ (શ્રીલંકા), 7. જેમી સ્મિથ (વિકેટકીપર/ઈંગ્લેન્ડ), 8. રવિન્દ્ર જાડેજા (ભારત), 9. ગુસ એટકિન્સન (ઈંગ્લેન્ડ), 10. મેટ હેનરી (ન્યુઝીલેન્ડ), 11. જસપ્રિત બુમરાહ (કેપ્ટન/ભારત).

Most Popular

To Top