ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચોની વન ડે શ્રેણી પણ રમવાની છે. આ વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આજે તા. 18 જાન્યુઆરીએ રોહિત શર્મા અને અજિત અગરકરે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી હતી. આ વન ડે શ્રેણી માટેની ભારતીય ટીમમાં લગભગ એ જ ખેલાડીઓ સામેલ છે જેમણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનો છે.
બુમરાહ પણ વન ડે શ્રેણી માટે ટીમનો ભાગ છે પરંતુ તેના રમવા અંગેનો નિર્ણય હવે પછી લેવામાં આવશે. આવી સ્થિતિમાં હર્ષિત રાણાને પણ ટીમમાં તક મળી છે.
અગરકરે બુમરાહ પર અપડેટ આપી
ચીફ સિલેક્ટર અજિત અગરકરે બુમરાહ વિશે કહ્યું, બુમરાહને પાંચ અઠવાડિયા માટે આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. બીસીસીઆઈ (BCCI)ની મેડિકલ ટીમ તેના વિશે અપડેટ આપશે. આશા છે કે તે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ બાદ સ્વસ્થ થઈ જશે. હાલમાં કરુણ નાયર માટે આ ટીમમાં સ્થાન મેળવવું ઘણું મુશ્કેલ છે. પરંતુ તે પ્રદર્શનો ચોક્કસપણે ધ્યાનમાં લેવામાં આવશે.
ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે 16 સભ્યોની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા.
ભારત-ઈંગ્લેન્ડ ટુરનું શિડ્યુલ
ભારતના પ્રવાસ પર ઈંગ્લેન્ડની ટીમ પહેલા 5 મેચની T20 સીરીઝ રમશે. પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે. ટી-20 બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી પણ ODI ફોર્મેટમાં થશે. આવી સ્થિતિમાં, આ શ્રેણી બંને ટીમો માટે પ્રેક્ટિસ બની રહી છે. શ્રેણીની પ્રથમ વનડે 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે.
ભારત સામેની ODI સિરિઝ માટે ઇંગ્લિશ ટીમઃ જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.
