સુરત : ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સના ખુલ્લા રસ્તે એક રોમાંચક ડ્રાઈવ ટ્રેજેડીમાં ફેરવાઈ ગયો હતો. જ્યારે ડ્રીમ સિટીના ખજોદ રોડ પર ઓવરસ્પીડમાં ચાલતી કાર પલટી મારી જતા 18 વર્ષની વિદ્યાર્થિની દિશા જૈનનું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય ત્રણ મિત્રો ઈજાગ્રસ્ત થયા છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાહુલ વેસુ વિસ્તારમાં આવેલા પોદ્દાર રેસીડેન્સીમાં રહે છે. તેના પિતા સુભાષભાઈ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજે બપોરે રાહુલ ક્રેટા કાર (નં-જીજે-૦૫-આર જી-૫૧૧૨) લઈ તેની બિલ્ડિંગમાં રહેતા મિત્રો સાહીલ બાવા, શોર્ય શર્મા તેમજ વેસુ વિસ્તારમાં આવેલી શિવસાગર રેસીડેન્સીમાં રહેતી દિશા મયુરભાઈ બોખડિયા (જૈન) (ઉ.વ.૧૭) સાથે ફરવા ગયા હતા.
સમિતિની શાળામાં ભણતી દિશા જૈન પોતાના મિત્રો સાથે સફેદ ક્રેટા કારમાં આજે સાંજે ફરવા નીકળી હતી. ટ્રાફિક અને ખુલ્લા ડ્રીમ સિટી રોડ પર કાર ઓવરસ્પીડમાં દોડતી હતી. કાર પલટી જતાં દિશાનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્ર રાહુલ ચૌધરી, શૌર્ય અને સાહેબને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ઘટનાની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે કાર 18 વર્ષના રાહુલ ચૌધરી ચલાવી રહ્યો હતો. જે મહાવીર કોલેજમાં અભ્યાસ કરે છે. રાહુલના પિતાની કાર તેણે ડ્રાઈવ માટે લીધી હતી અને તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા છતાં ઓવરસ્પીડ અને અવગણનાથી આ દુર્ઘટના સર્જાઈ હતી.
આવતીકાલે એફએસએલની ટીમ કાર સ્પીડની તપાસ કરશે
અલથાણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણે જણાવ્યું કે ઘટના સ્થળે એફએસએલ ટીમ દ્વારા સ્પીડ અને અન્ય સાક્ષીઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અન્ય ત્રણ મિત્રોને સામાન્ય ઈજા થઈ છે અને તેઓ સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
બે દિવસ પહેલા ઉજવાયેલો બર્થડે હવે યાદગીરી બની રહ્યો
ઘટનાની શરુઆત બે દિવસ પહેલા દિશાના જન્મદિવસની ઉજવણી સાથે થઈ હતી. દિશા, સાહેબના માધ્યમથી રાહુલ અને શૌર્યના સંપર્કમાં આવી હતી. આજે તેઓ ફરી સાથે મળીને ડ્રાઈવ પર નીકળ્યા હતા, પણ આ મુલાકાતે ટ્રેજેડીનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
ડાયમંડ બુર્સના ખુલ્લા રસ્તા રેસિંગ ઝોન બની રહ્યા છે
ડ્રીમ સિટી વિસ્તાર ઓછી ટ્રાફિક સાથે ખુલ્લો હોય છે, જે નવીય વયના ચાલકો માટે રેસિંગ ઝોન સમાન બની રહ્યો છે. આ દુર્ઘટનાએ પોલ છોડી છે કે ઓવરસ્પીડ અને બેદરકારી કેવી રીતે જીવલેણ સાબિત થાય છે. ઇન્ટરનેશનલ ડાયમંડ બુર્સ છતા ત્યાં સિક્યોરિટીની મોટી બેદરકારી સામે આવી છે.