Comments

મધુર બોલો

એક શેઠ પાસે બધું હતું પણ સ્વભાવ બહુ ખરાબ હતો. હંમેશા ગુસ્સો કરે ,કડવું બોલે ,નકારાત્મક જ વિચારે અને નકારાત્મક જ બોલે.શેઠાણીને તેમના આ સ્વભાવને લીધે બહુ ચિંતા થતી કારણ કે કુટુંબ પરિવારમાં બધા શેઠથી દૂર ભાગતા, મિત્રો તો હતા જ નહિ અને નોકરો સતત ડરતાં રહેતાં. શેઠાણીએ પોતાના મનની ચિંતા તેમના કુલગુરુને કહી અને વિનંતી કરી કે, ‘ગુરુજી, તેઓ તમારું માનશે. તમે જ સમજાવો.’ ગુરુજીએ કહ્યું, ‘આવતી કાલે હું ઘરે આવીશ પછી આગળ વાત.’ શેઠાણી ગુરુજી ચોક્કસ માર્ગ કાઢશે તેવા વિશ્વાસ સાથે ઘરે ગયાં.બીજે દિવસે વહેલી સવારે ગુરુજી શેઠના ઘરે પહોંચી ગયા.પોતાના ગુરુને આંગણે પધારેલા જોઇને શેઠ ખુશ થઈ ગયા, પ્રેમથી સ્વાગત કર્યું અને પછી તરત શેઠાણીને પકવાન્ન બનાવવાનો આદેશ આપ્યો.

ગુરુજી બોલ્યા, ‘અત્યારે વાતાવરણ ઠંડું છે અને રોગ પ્રસરવાની શક્યતાઓ ઘણી છે એટલે આ ઓસડિયાં સાથે લાવ્યો છું. તેને પાણીમાં નાખી કાઢો બનાવો અને બધાને પીવડાવો.’ શેઠે બધા માટે કાઢો બનાવવાનો હુકમ કર્યો.કાઢો બનીને આવ્યો.ગુરુજીના કહ્યા પ્રમાણે હાજર રહેલા બધાને એક ગ્લાસ આપવામાં આવ્યો. બધાએ એક ઘૂંટમાં કાઢો પી લીધો, બહુ જ કડવો હતો. આ પછી ગુરુજીએ માત્ર શેઠને બીજો ગ્લાસ કાઢો પીવા કહ્યું.શેઠ પી ગયા. હવે ગુરુજીએ ઊભા થઈને પોતે શેઠને ગ્લાસમાં કાઢો આપ્યો.ગુરુજીને શેઠ ના પાડી શક્યા નહિ પણ તેમનું મોઢું એકદમ કડવું થઈ ગયું હતું. અંદરથી બહુ ગુસ્સો આવી રહ્યો હતો.ગુરુજીએ હજી એક વાર કાઢો પીવા કહ્યું અને શેઠ ગુસ્સે થઇ ગયા અને બોલ્યા, ‘માફ કરજો ગુરુજી, આટલો કડવો કાઢો હું હવે નહિ પી શકું. તમે શું કામ મને જ પીવડાવો છો?’

ગુરુજી બોલ્યા, ‘ભલે કાઢો ન પીવો હોય તો મીઠાઈ ખા પણ મને એ કહે કે તું સતત કડવું બોલતો રહે છે એટલે કડવો કાઢો પણ પી જ શકે અને જો ન પી શકે તો એ પણ સમજ કે તું સતત કડવું બોલે તો સાંભળનાર પણ તારા કડવા શબ્દો સતત સાંભળીને સહન ન કરી શકે.’ શેઠને ગુરુજીની વાત અને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે ગુરુજીને વચન આપ્યું કે હવે તેઓ કયારેય કડવું નહિ બોલે. ગુરુજીએ તેમને મીઠાઈ ખવડાવી મોઢાની કડવાટ દૂર થતાં શેઠને સારું લાગ્યું.ગુરુજી બોલ્યા, ‘જેમ મીઠાઈ ખાવાથી તને સારું લાગ્યું તેમ મધુર વાણી બોલ જેથી તને મળનાર અને સાંભળનારને ગમે અને સારું લાગે.’ શેઠે હંમેશા મધુર વાણી બોલવાનું વચન આપ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top