ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબી લડાઈ પછી યુદ્ધવિરામ થયો તે સારા સમાચાર છે, પણ આ યુદ્ધવિરામને પ્રતાપે મૂળ સમસ્યા કેવી રીતે હલ થશે, તે સમજાતું નથી. આ યુદ્ધવિરામ ઘણા સમય પહેલાં થવો જોઈતો હતો. ગયા વર્ષના મે મહિનાથી આ બાબતની ચર્ચા અલગ-અલગ સ્વરૂપે થઈ રહી છે. હમાસ અને ઈઝરાયેલે કરારમાં વિલંબ માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે.
હમાસના હુમલામાં લગભગ ૧,૨૦૦ લોકો માર્યા ગયાં હતાં, જેમાંથી મોટા ભાગના ઇઝરાયેલના નાગરિકો હતાં. ગાઝામાં અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયાં છે. સમજૂતી પછી પહેલો મોટો પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે યુદ્ધવિરામ ટકી રહે. પશ્ચિમી દેશોના ઘણા વરિષ્ઠ રાજદ્વારીઓને ડર છે કે ૪૨ દિવસનો પહેલો તબક્કો પૂરો થતાં જ યુદ્ધ ફરી શરૂ થઈ શકે છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ પ્રધાન પર આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત દ્વારા યુદ્ધ અપરાધોનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ પણ ઈઝરાયેલ પર નરસંહારનો આરોપ લગાવતાં દક્ષિણ આફ્રિકા સંબંધિત કેસની તપાસ કરી રહી છે. લેબનોનમાં હિઝબુલ્લાહે આ યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો કે તરત જ તેને ઇઝરાયેલના હુમલાથી કચડી નાખવામાં આવ્યું. આ જ કારણ હતું જેના કારણે સીરિયામાં બશર અલ-અસદના શાસનનું પતન થયું. ઈરાન અને ઈઝરાયેલે એકબીજા પર સીધા હુમલા શરૂ કર્યા, જેનાથી ઈરાન નબળું પડ્યું. તેના સાથી અને પ્રોક્સીઓનું નેટવર્ક પણ લકવાગ્રસ્ત થઈ ગયું છે.
યમનમાં હુથીઓએ યુરોપ અને એશિયા વચ્ચેના લાલ સમુદ્રમાંથી પસાર થતા મોટા ભાગના માલવાહક જહાજોને અવરોધિત કર્યા છે. ગાઝામાં યુદ્ધવિરામ બાદ હુથી બળવાખોરો હુમલા રોકવાનું તેમનું વચન પાળશે કે કેમ તે જોવાનું રહે છે. જ્યાં સુધી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો સવાલ છે, પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ કડવી છે. જો નસીબ આ યુદ્ધવિરામની તરફેણ કરે છે, તો હત્યાઓ અટકી શકે છે અને ઇઝરાયેલના બંધકો, પેલેસ્ટિનિયન કેદીઓ અને અટકાયતીઓને તેમનાં પરિવારોને પાછાં મોકલી શકાય છે.
આ યુદ્ધવિરામથી એક સદી કરતાં વધુ જૂના સંઘર્ષનો અંત આવશે નહીં. ઘણાં લોકોને ડર હતો કે આ યુદ્ધ સમગ્ર પ્રદેશમાં ફેલાઈ જશે, પરંતુ આવું ન થયું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્રે આનો શ્રેય લીધો, પરંતુ ગાઝાના યુદ્ધે સમગ્ર પ્રદેશમાં અશાંતિનું વાતાવરણ સર્જ્યું હતું. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે કહ્યું છે કે આ કરાર અંગેની ઔપચારિક જાહેરાત વડા પ્રધાન દ્વારા કરવામાં આવશે.
આ જાહેરાત કરારને આખરી ઓપ આપ્યા બાદ કરવામાં આવશે, જેના પર હાલમાં કામ ચાલી રહ્યું છે. જો કે, ઇઝરાયેલના વડા પ્રધાનના આ નિવેદન પહેલાં જ નેતન્યાહુએ કરાર કરવા માટે નવા ચૂંટાયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ જો બિડેન બંનેનો ફોન પર આભાર માન્યો હતો. રસપ્રદ વાત એ છે કે, નેતન્યાહુએ વર્તમાન અમેરિકન પ્રમુખ જો બિડેન પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો, જેઓ ૨૦ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિપદ સંભાળશે. નેતન્યાહુના કાર્યાલયના એક નિવેદન અનુસાર વડા પ્રધાને બંધકોની મુક્તિ માટે દબાણ કરવામાં તેમની મદદ માટે ટ્રમ્પનો આભાર માન્યો હતો.
નેતન્યાહુએ ટ્રમ્પનો તેમના નિવેદન માટે પણ આભાર માન્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ગાઝા ક્યારેય આતંકવાદ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ન બને તે સુનિશ્ચિત કરવા માટે અમેરિકા ઇઝરાયેલ સાથે કામ કરશે. નિવેદન અનુસાર ટ્રમ્પ અને નેતન્યાહુ ટૂંક સમયમાં અમેરિકામાં મળવા માટે સંમત થયા હતા. નિવેદનની છેલ્લી પંક્તિમાં લખ્યું છે કે ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુએ ત્યાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વાત કરી હતી અને બંધકોની મુક્તિ માટેના કરાર બદલ તેમનો આભાર માન્યો હતો. આ યુદ્ધવિરામ કરાર આવતા રવિવારથી અમલમાં આવશે, જે રાષ્ટ્રપતિ જો બિડેનનો ઓફિસમાં છેલ્લો દિવસ હશે. તેના બીજા દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
તે જ સમયે વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે કે હમાસ પર સૈન્ય દબાણ હતું, જેના કારણે તે વાતચીત કરવા માટે રાજી થયું હતું. અમેરિકન સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પના મિડલ ઈસ્ટ એમ્બેસેડર સ્ટીવ વિટકોફે પણ આ કરારમાં ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે વિટકોફ વાટાઘાટો દરમિયાન સક્રિય હતા અને મધ્ય પૂર્વ પર જો બિડેનના ટોચના સલાહકાર બ્રેટ મેકગર્ક સાથે નજીકથી કામ કરી રહ્યા હતા. બંને પક્ષો વચ્ચેના કરારની સંમત વિગતો આ સમયે શેર કરવામાં આવી નથી. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હજુ પણ ઘણા વણઉકેલાયેલાં પાસાંઓ છે, જેની તેઓ તપાસ કરી રહ્યા છે. આ કરાર હેઠળ ઇઝરાયેલ બંધકોના બદલામાં લગભગ ૧,૦૦૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. તેમાંથી કેટલાક બંધકો ઘણાં વર્ષોથી ઇઝરાયેલની જેલમાં સબડે છે.
હવે જે હાંસલ કરવામાં આવ્યું છે તેમાં ઘણા મહિનાઓની મુશ્કેલ વાટાઘાટો લાગી છે. તેનું મુખ્ય કારણ એ હતું કે ઈઝરાયેલ અને હમાસ એકબીજા પર બિલકુલ વિશ્વાસ નથી કરતા. હમાસ બંધકોને મુક્ત કરતાં પહેલાં યુદ્ધનો સંપૂર્ણ અંત ઇચ્છતું હતું, પરંતુ ઇઝરાયેલને આ સ્વીકાર્ય ન હતું. જ્યાં સુધી બંને પક્ષો યુદ્ધવિરામની શરતો પર વાટાઘાટો કરે છે ત્યાં સુધી યુદ્ધ સંપૂર્ણપણે બંધ રહેશે. ઇઝરાયેલના યુદ્ધનો એક મુખ્ય ઉદ્દેશ હમાસની સૈન્ય અને શાસન ક્ષમતાઓને નષ્ટ કરવાનો છે. ઇઝરાયલે હમાસને ઘણું નુકસાન પહોંચાડ્યું છે, તેમ છતાં હમાસ ફરી પોતાના પગ પર ઊભા થવાની ક્ષમતા ધરાવે છે.
તે પણ સ્પષ્ટ નથી કે કયા બંધકો જીવિત છે અને કયા મૃત છે. તે પણ સ્પષ્ટ નથી કે હમાસ ગુમ થયેલા તમામ બંધકો વિશે જાણે છે કે શું ઇઝરાયેલ તેમની શોધ કરી રહ્યું છે. હમાસે તેના તરફથી કેટલાક કેદીઓને મુક્ત કરવાની માંગણી કરી છે, પરંતુ ઇઝરાયેલ કહે છે કે તે તેમને મુક્ત કરશે નહીં. એવું માનવામાં આવે છે કે તેમાં તે ઉગ્રવાદીઓનો પણ સમાવેશ થાય છે જેઓ ૭ ઓક્ટોબરના હુમલામાં સામેલ હતા. તે પણ અસ્પષ્ટ છે કે શું ઇઝરાયેલ ચોક્કસ તારીખ સુધીમાં બફર ઝોનમાંથી બહાર નીકળવા માટે સંમત થશે કે શું બફર ઝોનમાં તેની હાજરી અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે. ભૂતકાળમાં છૂટીછવાઈ અથડામણો પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર તૂટી ગયો હતો. યુદ્ધવિરામનું ટાઈમટેબલ અને તેની જટિલતાનો અર્થ એ છે કે એક નાની ઘટના પણ ફરીથી યુદ્ધને વેગ આપી શકે છે. અમેરિકા અને કતારે આ કરારની જાહેરાત કરી દીધી છે પરંતુ ઇઝરાયેલની કેબિનેટ દ્વારા તેને મંજૂરી મળવાની બાકી છે.
ઇઝરાયેલમાં દક્ષિણપંથી પક્ષ સત્તામાં હોવા છતાં, માનવામાં આવે છે કે આમાં કોઈ મુશ્કેલી નહીં આવે. કરારના બીજા તબક્કામાં જવા વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર કતારના વડા પ્રધાન અલ-થાનીએ કહ્યું કે તેમને તેના પર પૂરો વિશ્વાસ છે પરંતુ બધું બંને પક્ષો પર નિર્ભર રહેશે. આ કરારને સફળ બનાવવા શું કરવામાં આવશે તે અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે અમેરિકા, ઈજિપ્ત અને કતાર કરારના અમલીકરણ પર નજર રાખશે. સૌથી મોટો અનુત્તરિત પ્રશ્ન એ છે કે યુદ્ધવિરામ પછી ગાઝા પર કોણ શાસન કરશે. સમજૂતીની જાહેરાત પહેલાં પેલેસ્ટાઈનના વડા પ્રધાન મોહમ્મદ મુસ્તફાએ કહ્યું હતું કે પેલેસ્ટિનિયન ઓથોરિટીને કાયદા મુજબ ગાઝા પર શાસન કરવાનો અધિકાર છે.
ઇઝરાયેલ નથી ઇચ્છતું કે હમાસ ગાઝા પર શાસન કરે. ઈઝરાયેલ પણ નથી ઈચ્છતું કે પેલેસ્ટિનિયન ઓથોરિટી ગાઝા પર શાસન કરે. ઈઝરાયેલ પણ ઈચ્છે છે કે સંઘર્ષ સમાપ્ત થયા પછી પણ ગાઝા પર તેનું નિયંત્રણ હોવું જોઈએ. ગાઝાનો વહીવટ ચલાવવા માટે માળખું ઊભું કરવા માટે ઇઝરાયેલ અમેરિકા અને કતાર સાથે ચર્ચા કરી રહ્યું છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.