અકસ્માત, દારૂ અને આરોપોના દાવા-પ્રતિદાવા વચ્ચે કોણ સાચું ?

વડોદરાના પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકર દારૂના નશામાં ગાડી ચલાવી અકસ્માત સર્જ્યા બાદ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. જેતલપુર બ્રિજ નજીક અકસ્માત સર્જ્યા બાદ તેઓ ગાડીમાં જ સૂઈ ગયા હતા. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી, જે બાદ નરેશ વણકરને સ્થળ પરથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. કાયદેસર કાર્યવાહી બાદ વડોદરાના કલેક્ટરે તેમને ફરજ મોકૂફ કર્યા.
ફરજ મોકૂફ થયા બાદ નરેશ વણકરે ચોંકાવનારા આક્ષેપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે, પાદરમાં મારી ફરજ દરમિયાન બે જૈન બહેનોને મે જેલ ભેગા કર્યા હતા. જે બાદ કેટલાક લોકોએ મારા પર હિંદુવાદી હોવાનું અને કેસરી ચશ્મા પહેર્યા હોવાનું આક્ષેપ લગાવતા હતા. જૈન બહેનોને જેલ ભેગા કરવા બાબતનું વેર રાખી કેટલાક લોકો મને માનસિક હેરાન પરેશાન કરતા હતા. ગોપાલ ચાવડા અને નીરજ જૈન સહિત અન્ય લોકો મને માનસિક ત્રાસ આપતા હતા. કેટલાક રાજકારણીઓ પણ મને હેરાન કરતા હતા. જેમના ત્રાસથી હું કંટાળી ગયો અને મેં દારૂ પીવાનું શરૂ કર્યું. મે દારૂ પીધો અને જે કૃત્ય કર્યું એની સજા મને કલેકટરે આપી દીધી છે.
નરેશ વણકરના આક્ષેપો સામે વકીલ નીરજ જૈને તીખો પ્રત્યાઘાત આપતા જણાવ્યું કે, “નાયબ મામલતદાર દારૂ પીને સસ્પેન્ડ થયા છે, એટલે હવે તેઓ બિનઆધારિત આરોપો મૂકી રહ્યા છે. એમનો જે પણ કંઈ કેસ છે એમની સાથે મારે કોઈ લેવાદેવા નથી. જે તે સમયે પાદરામાં 50 જેટલા મુસ્લિમ લોકોએ બે જૈન દીકરીઓ વિરૂદ્ધ ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ કાર્યવાહીના ભાગરૂપે પાદરાના મામલતદારે બંને દીકરીઓને 14 દિવસ જેલમાં રાખ્યા હતા. બે દીકરીઓ પૈકી એક દીકરી દિવ્યાંગ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ સમગ્ર મામલે કોર્ટ કેસ નોંધાયો હતો અને આ કેસમાં નાયબ મામલતદારનું નામ પણ ક્યાંય નથી. એટલે નરેશ વણકર દ્વારા લગાવેલા આરોપ તદ્દન ખોટા છે.”
આ અંગે પત્રકાર ગોપાલ ચાવડાએ પણ નરેશ વણકરના આક્ષેપોને નકારતા કહ્યું, “નશો કરીને ગાડી ચલાવી અને હવે બીજાઓને દોષી ઠેરવી રહ્યા છે. હું તેમને ફક્ત એક અધિકારી તરીકે ઓળખું છું. ક્યારેય કોઈ મતભેદ થયો નથી. તેથી આ આરોપો પૂર્વગ્રાહ કે દબાણના કારણે લગાવવામાં આવ્યા છે.”
આ સમગ્ર વિવાદમાં સવાલ એ ઊભા થાય છે કે, શું નરેશ વણકર વાસ્તવમાં રાજકીય કે અન્ય તત્વો દ્વારા હેરાન થયા હતા, કે પછી નશાની લત અને ફરજમાં બેદરકારી તેમની જ ભૂલ હતી ? નરેશ વણકર સામેના આરોપો વચ્ચે હવે કેસની દિશા શું જશે, એ જોવું રસપ્રદ રહેશે.