સુરતઃ શહેરમાં રખડતાં શ્વાનનો ત્રાસ ઓછો થયો નથી. આજે ફરી એક રખડું શ્વાને માસૂમ બાળકને પોતાનો શિકાર બનાવ્યો છે. બાળકને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના હજીરા ખાતે આવેલા કવાસ ગામમાં એક 9 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો છે. બાળક રમી રહ્યો હતો ત્યારે તેના પર શ્વાન તૂટી પડ્યો હતો. બાળકના હાથ અને ખભાના ભાગે શ્વાને બચકાં ભર્યા હતા. આસપાસના લોકોએ દોડી જઈ બાળકને શ્વાનના જડબામાંથી મુક્ત કરાવ્યો હતો. 108માં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં મળતી માહિતી અનુસાર કવાસમાં એસપીસીએલ કંપની પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ મેડાનો પુત્ર મયુર ધો. 4માં ભણે છે. આજે સવારે ઝૂંપડપટ્ટીની નજક રમતા રમતા મયુર વોશરૂમ માટે ગયો હતો. અહીં રખડતાં શ્વાને તેને બચકાં ભર્યા હતા. આ હુમલામાં તેના ગળાના ભાગે, પીઠ અને હાથ પર ઘા થયા હતા. સિવિલના તબીબોએ મયુરના ઘા પર ટાંકા લગાવ્યા છે. તેની સારવાર ચાલી રહી છે.
મયુરના પિતાએ કહ્યું કે, મયુર પર રખડતાં શ્વાને હુમલો કર્યો હતો. લોકોનું ધ્યાન ગયું ત્યારે લોકોએ દોડી જઈ તેને શ્વાનના જડબામાંથી છોડાવ્યો હતો. ગંભીર ઈજાઓને લીધે 108માં મયુરને સિવિલ લઈ ગયા હતા. શ્વાને અનેક જગ્યાએ મયૂરને બચકાં ભર્યા હતા. ઊંડા ઘા પડ્યા હતા. ડોક્ટરોએ તેની સારવાર કરી છે. ઈન્જેક્શન આપ્યા છે.