વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ઉત્તરાયણના આગલા દિવસે ખાદ્ય પદાર્થોના નમૂના લેવા નીકળ્યું છે. જેનો રિપોર્ટ 14 દિવસ બાદ આવશે અને રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે.
ઉત્તરાયણના તહેવારે ધાબા પર પતંગ ચગાવવાની સાથે ખાવા-પીવાની પણ મોજ પડી જતી હોય છે. પરિવારજનો અને સગાસંબંધી મળીને અવનવી વાનગીઓ આરોગતા હોય છે. ખાસ કરીને ઊંધિંયુ, જલેબી, ફાફડાની લિજ્જત માણવાની મજા કંઈક અલગ જ હોય છે. આવામાં વડોદરામાં ઉત્તરાયણના એક દિવસ અગાઉ આરોગ્ય તંત્ર જાગ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ઉત્તરાયણના આગલા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ 14 દિવસ બાદ આવશે.
આ અંગે અધિકારીએ કહ્યું કે, સરકારની સૂચના મુજબ ચીક્કી, ઊંધિયું, જલેબી, સેવના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જે રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.