સુરત : થાઇલેન્ડના બેંગકોક સુવર્ણ ભૂમિ એરપોર્ટ પર મૂળ સુરતી પેસેન્જર સાથે એક વિચિત્ર બનાવ બન્યો છે. ઇ – વિઝા મંજૂર છતાં થાઇ યુવતીને પરણેલા સુરતી યુવાનનાં પરિવારને બેંગકોક એરપોર્ટ પર એરલાઇન્સે બોર્ડિંગ થવા દીધુ ન હતુ.
- સુરતી પ્રશાંત ભટ્ટ સહિત પરિવારના 3 સભ્યોની બેંગકોક – સુરત – બેંગકોકની એક લાખ બે હજારની રિટર્ન લેવા છતાં એરલાઇન્સે રિફંડ પણ ન આપ્યું હોવાનો આક્ષેપ
- સુરત એરપોર્ટ પર અંધેર નગરી ને ગંડુ રાજા જેવો વહીવટ
મૂળ સુરતી પ્રશાંત ભટ્ટ સહિત પરિવારના 3 સભ્યોની બેંગકોક – સુરત – બેંગકોકની એક લાખ બે હજારની રિટર્ન લેવા છતાં એર ઇન્ડીયા એક્સપ્રેસનાં સ્ટાફે બેંગકોક એરપોર્ટ પર પતિ, પત્ની અને તેઓ સાથેના બાળકને મંજૂર બોર્ડિંગ પાસ આપવા ઇનકાર કરી જણાવ્યું હતું કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇ – વિઝા કાઉન્ટર સુવિધા ન હોવાથી તમે પ્રવાસ કરી શકશો નહીં. સુરતી પ્રશાંત ભટ્ટ સહિત પરિવારના 3 સભ્યોની બેંગકોક – સુરત – બેંગકોકની એક લાખ બે હજારની રિટર્ન લેવા છતાં એરલાઇન્સે રિફંડ પણ ન આપ્યું હોવાનો આક્ષેપ પણ ભટ્ટે કર્યો હતો.
ઈ-વિઝા હોવા છતાં મુસાફરી અટકી હોય એવો આ બનાવ છે. પ્રશાંતભાઈ પોતાની થાઈ પત્ની સાથે સુરત આવવા બેંગકોક એરપોર્ટ પહોંચ્યો તો બોર્ડિંગ કરવા દેવાયું ન હતું, સુરતમાં ઈ-વિઝા કાઉન્ટર ન હોવાથી સમસ્યા સર્જાઈ છે. સુરતના મુસાફર પ્રશાંત ભટ્ટના લગ્ન થાઈ છોકરી સાથે થયા છે. તેમના પરિવારે બંગકોકથી સુરત અને સુરતથી બેંગકોક એમ એર ઈન્ડિયા એક્સપ્રેસની 3 રિટર્ન ટિકિટ બુક કરાવી હતી. તેમણે ઈ-વિઝા પણ લીધા હતા. જ્યારે તેઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને બોર્ડિંગની મંજૂરી આપવામાં આવી ન હતી.
બેંગકોક ફ્લાઇટમાં ચઢવા માટે મને ના પાડવામાં આવી હતી, અમે તમામ મંજૂર ડોક્યુમેન્ટ લઈ બેંગકોક એરપોર્ટ પહોંચ્યા હતા.બેંગકોક સ્થિત ઇન્ડિયન એમ્બેસીએ અમારી સુરતનાં વિઝાની અરજી પણ મંજૂર કરી હતી. અમે રિફંડ માટે અરજી કરી હતી, પરંતુ અમને અમારી ટિકિટની 1.02 લાખની રકમ પણ પરત મળી નથી. એમ ભટ્ટે પ્રશાંત જણાવ્યું હતું. તેમને કહેવામાં આવ્યું કે સુરતમાં કોઈ ઈ-વિઝા કાઉન્ટર ન હોવાથી, અમે તમને મુસાફરી કરવાની મંજૂરી આપીશું નહીં અને મુસાફરને બોર્ડિંગ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરાયું પણ ઇમિગ્રેશન સર્વરમાં ઇ વિઝા અપડેટ કરવાનું ભૂલી જવાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની મિટિંગમાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો પણ આ જાહેરાત પછી દેશના અન્ય ઇન્ટરનેશનલ એરપોર્ટની જેમ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇમિગ્રેશન સર્વરમાં ઇ વિઝા અપડેટ કરવાનું ભૂલી જવાયું છે.
વિદેશ મંત્રાલય અને ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓ એટલી જાડી ચામડીના છે કે, સુરત એરપોર્ટને ઇ – વિઝા સર્વિસ સાથે જોડી રહ્યું નથી. થાઇલેન્ડ સ્થિત ભારતીય એમ્બેસી ત્યાંથી સુરત જવા અને ત્યાંથી પરત આવવા માટેના ઇ વિઝા ઇસ્યુ કરે છે. પણ સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગનાં સર્વર ચલિત કમ્પ્યુટરમાં ઇ વિઝાની મંજૂરીનું ઓપ્શન દર્શાવતું નથી.
સુરત ઇ વિઝા માટે કોઈ અલગથી કાઉન્ટર રાખવાની કોઈ જરૂર નથી, મુંબઈ, અમદાવાદ એરપોર્ટના દરેક કાઉન્ટર પર ઇ વિઝા મંજૂરી સ્ટેમ્પ લાગે છે. સુરત સ્થિત એરપોર્ટ ઓથોરિટીના અધિકારી કહે છે કે, ઇ વિઝાની સુવિધા ન હોવી એ અમારો પ્રશ્ન નથી.એ કસ્ટમ ઇમિગ્રેશન વિભાગે જોવાનું છે.
બીજી તરફ પેસેન્જર કહે છે કે, કહેવાતા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇ વિઝા સુવિધા નથી. એને લીધે થાઇલેન્ડના જે વેપારીઓ, પ્રવાસીઓ સુરત આવવા માંગે છે તેઓને સુરતના વિકલ્પે બેંગકોક મુંબઈ અને અમદાવાદના વિઝા લેવા પડે છે. અને અહીંથી ટ્રેન કે બાયરોડ સુરત આવવું પડે છે.