અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરનાં જંગલોમાં ફેલાયેલી આગ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. આગનો વ્યાપ સતત વધી રહ્યો છે અને તેમાં ઓછામાં ઓછાં છ જંગલો બળી રહ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આગ ઓલવવાના કામની પ્રગતિ પર નજર રાખવા માટે તેમની ઈટાલીની મુલાકાત રદ કરી છે. રાષ્ટ્રપતિપદ સંભાળતી વખતે આ તેમનો છેલ્લો વિદેશ પ્રવાસ હતો. અમેરિકાનાં બીજા સૌથી મોટા શહેર લોસ એન્જલસના લગભગ તમામ વિસ્તારોને હવે આગની જ્વાળાઓએ લપેટમાં લીધા છે.
આગના કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોનાં મોત થયાં છે અને એક લાખથી વધુ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. લોસ એન્જલસ શહેરમાં હોલિવૂડનું હેડ ક્વાર્ટર આવેલું હોવાથી આ વર્ષના ઓસ્કાર નોમિનેશન પણ બે દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યા છે. પહેલાં તે ૧૭ જાન્યુઆરીએ યોજાવાના હતા, પરંતુ હવે એકેડેમી એવોર્ડ્સના નોમિનેશનની વિગતો ૧૯ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.
આગ હવે કેલિફોર્નિયાના હોલીવુડ હિલ્સમાં ફેલાઈ ગઈ છે. આ આગમાં હોલિવૂડના અનેક ફિલ્મ સ્ટાર્સનાં ઘર પણ બળીને ખાખ થઈ ગયાં છે. બિલી ક્રિસ્ટલ અને પેરિસ હિલ્ટન એ સેલિબ્રિટીઓમાં સામેલ છે, જેમનાં ઘર આગમાં નાશ પામ્યાં હતાં. અભિનેતા બિલી ક્રિસ્ટલે એક નિવેદન જારી કર્યું હતું કે તેઓ તેમના પેસિફિક પેલિસેડ્સના ઘરમાંથી તેમની પત્ની જેનિસને ગુમાવવાથી બરબાદ થઈ ગયા હતા. તેઓ ૧૯૭૯થી અહીં રહેતા હતા.
અભિનેતા બિલી ક્રિસ્ટલ ઓસ્કારના ભૂતપૂર્વ હોસ્ટમાંના એક છે. આ આગને કારણે અત્યાર સુધીમાં એક હજારથી વધુ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યાં છે. અભિનેતા જેમ્સ વૂડ તેની અગ્નિપરીક્ષાનું વર્ણન કરતી વખતે રડી પડ્યો હતો. તેણે કહ્યું હતું કે પેસિફિક પેલિસેડ્સમાં તેનું ઘર હવે નાશ પામ્યું છે. અમેરિકન બિઝનેસવુમન પેરિસ હિલ્ટને જણાવ્યું કે તેણે માલિબુમાં પોતાનું ઘર ગુમાવ્યું છે. તેણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે અમે અમારા પરિવાર સાથે બેસીને સમાચાર જોઈ રહ્યા છીએ અને લાઈવ ટી.વી. પર માલિબુમાં અમારા ઘરને જમીન પર ભસ્મીભૂત થતાં જોઈ રહ્યાં છીએ.
આ જંગલમાં આગ સૌ પ્રથમ મંગળવારે સવારે પેસિફિક પેલિસેડ્સથી શરૂ થઈ હતી. માત્ર ૧૦ એકર વિસ્તારમાં લાગેલી આગ થોડા જ કલાકોમાં ૨,૯૦૦ એકર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. શહેરમાં ધુમાડાનાં વાદળો એકઠાં થવા લાગ્યાં છે. હવે આ આગ ૧૭,૨૦૦ એકરમાં ફેલાઈ ગઈ છે અને તેને કેલિફોર્નિયાના ઈતિહાસમાં સૌથી વિનાશકારી ગણાવવામાં આવી રહી છે. લોસ એન્જલસ ફાયર વિભાગના વડાએ કહ્યું છે કે આ વિનાશક આગને કારણે અહીં રહેતાં લગભગ દરેક નિવાસી જોખમમાં છે.
રાષ્ટ્રપતિ બિડેને કહ્યું છે કે તેમણે યુએસ આર્મીને આગ ઓલવવામાં રોકાયેલાં અગ્નિશામકોને વધારાનાં સાધનો આપવા સૂચના આપી છે. આગ ઓલવવામાં રોકાયેલા ફાયર ફાયટરો પણ હવે પાણીની તંગીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકોને પાણી બચાવવા માટે કહેવામાં આવ્યું છે. આગ ઓલવવા માટે પાણીનો વધુ પડતો ઉપયોગ લોકોને તેમની દૈનિક જરૂરિયાતો માટે મળતાં પાણીની ગુણવત્તાને અસર કરી શકે છે. લોસ એન્જલસના ફાયર ચીફ એન્થોની મેરોને સ્વીકાર્યું કે કાઉન્ટી અને તેના ૨૪ વિભાગો આ સ્કેલની આપત્તિ માટે તૈયાર ન હતા. તેમની ક્ષમતા માત્ર એક કે બે મોટી આગની ઘટનાઓને કાબૂમાં લેવાની હતી.
એક અહેવાલમાં જણાવાયું છે કે તેજ પવન અને વરસાદનો અભાવ એ બે મુખ્ય કારણે દક્ષિણ કેલિફોર્નિયા આગની લપેટમાં છે. જો કે, આબોહવા પરિવર્તન પણ પરિસ્થિતિઓને બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને આવી ભીષણ આગની શક્યતાઓ વધારી રહ્યું છે. કેલિફોર્નિયામાં હાલની સ્થિતિ એટલી નાજુક છે, કારણ કે તાજેતરના મહિનાઓમાં અહીં વરસાદ પડ્યો નથી. આ સિઝનમાં સામાન્ય રીતે દક્ષિણ કેલિફોર્નિયામાં જોરદાર પવન ફૂંકાય છે, જેને સાંતા એના વિન્ડ્સ કહેવામાં આવે છે. આ ખતરનાક આગનું જોખમ સૂકી આબોહવા વધારે છે.
આ સૂકો પવન દક્ષિણ કેલિફોર્નિયાના આંતરિક ભાગથી દરિયાકિનારા તરફ કલાકના ૬૦ થી ૭૦ માઇલની ઝડપે ફૂંકાય છે. એક દાયકા પછી પણ આ મહિને ખતરનાક સ્તરે પવન ફૂંકાઈ રહ્યો છે. આ પવનને કારણે જમીન સૂકી થઈ ગઈ. સંશોધકોનું કહેવું છે કે આ આગની શરૂઆતમાં જોરદાર પવન અને અંતમાં સૂકો પવન હશે, જેનો અર્થ છે કે આ આગ હજુ થોડો સમય ચાલુ રહી શકે છે. જોરદાર પવનને કારણે આગનો વ્યાપ પણ ફેલાઈ રહ્યો છે. અગાઉ, જ્યારે આગના કિસ્સાઓ બન્યા હતા, ત્યારે તેમાંથી મોટા ભાગના પર્વતીય વિસ્તારોમાં હતા. પરંતુ આ વખતે આગ ખીણ તરફ અને રહેણાંક વિસ્તારો તરફ ઝડપથી ફેલાઈ રહી છે. કેલિફોર્નિયામાં માત્ર બે વર્ષ પહેલાં એક દાયકા લાંબા દુષ્કાળનો અંત આવ્યો હતો. આ પછી વરસાદને કારણે ઝાડ અને છોડ ઝડપથી વધ્યાં હતાં. આ જંગલો પણ આગ ઝડપથી ફેલાવાનું મુખ્ય કારણ બની ગયાં છે.
કેલિફોર્નિયાની આગમાં હજારો લોકોએ સલામત સ્થળે ભાગવું પડ્યું હતું. તણખાઓ પડતાં લોકો ઉતાવળમાં પોતાનાં વાહનો છોડીને નીકળી ગયાં હતાં. કેટલાંક લોકો પગપાળા દોડતાં જોવા મળ્યાં હતાં અને રસ્તાઓ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. લોસ એન્જલસ કાઉન્ટીમાં લગભગ ૧,૮૮,૦૦૦ ઘરો પાવર વગરનાં હતાં. પવનની ઝડપ પણ વધીને ૧૨૯ કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી. થોડા કલાકો પહેલાં શરૂ થયેલી બીજી આગે શહેરના પેસિફિક પેલિસેડ્સ નજીકના વિસ્તારને ૫,૦૦૦ એકરથી વધુને ઘેરી લીધો છે, જે દરિયાકિનારે આવેલા પર્વતીય વિસ્તાર છે.
તે વિસ્તાર સાન્ટા મોનિકા અને માલિબુ વચ્ચે સ્થિત છે. ઘણા ફિલ્મ, ટેલિવિઝન અને સંગીત સ્ટાર્સ અને સમૃદ્ધ અને પ્રખ્યાત લોકો અહીં રહે છે. આ વિસ્તારને ૧૯૬૦ના દાયકાના હિટ સર્ફિન યુએસએમાં બીચ પાર્ટીઓ માટે યાદ કરવામાં આવે છે. જેમી લી કર્ટિસ, માર્ક હેમિલ, મેન્ડી મૂર અને જેમ્સ બડ્સ જેવા સ્ટાર્સને આગમાંથી બચવા ભાગી જવું પડ્યું હતું. લોકો દ્વારા સલામત સ્થળે પહોંચવા માટે ધસારામાં ત્યજી દેવાયેલાં તેમનાં વાહનોને કારણે પાલિસેડસ ડ્રાઇવ જામ થઈ ગયો હતો. ઈમરજન્સી વાહનો માટે રસ્તો બનાવવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
લોસ એન્જલસમાં રહેતાં હોલીવૂડ કલાકારોનાં ઘરોને અસર થઈ છે તેમાં જેમી લી કર્ટિસ, મેન્ડી મૂર, પેરિસ હિલ્ટન, એડમ બ્રોડી, યુજીન લેવી, એન્થોની હોપકિન્સ, બિલી ક્રિસ્ટલ વગેરેનો સમાવેશ થાય છે. અભિનેતા જેમ્સ વુડ્સે તેના ઘરની નજીકની ટેકરી પર ઝાડીઓ અને તાડના ઝાડ વચ્ચે સળગતી જ્વાળાઓના ફૂટેજ પોસ્ટ કર્યા હતા. ગેટ્ટી વિલાના મેદાન પરનાં કેટલાંક વૃક્ષો અને વનસ્પતિ બળી ગયાં હતાં, પરંતુ સ્ટાફ અને સંગ્રહાલયનો વિસ્તાર સુરક્ષિત હતો, કારણ કે આસપાસની ઝાડીઓ કાપી નાખવામાં આવી હતી. વિશ્વવિખ્યાત ગેટ્ટી મ્યુઝિયમ પ્રાચીન ગ્રીસ અને રોમની કલા અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ ૭૦,૦૦૦ રહેવાસીઓને ઘરો ખાલી કરાવવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા અને ૧૩,૦૦૦થી વધુ ઇમારતો જોખમમાં છે.
લોસ એન્જલસમાં રહેતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ત્યાંના રહેવાસીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે મારા વિચારો અસરગ્રસ્ત લોકો સાથે છે. આશા છે કે આજે રાત્રે આપણે બધાં સુરક્ષિત રહીશું. બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીએ પોતે એક વિડિયો શેર કરીને માહિતી આપી છે કે તે પણ આ આગમાં ફસાઈ ગઈ છે, જ્યાંથી તેણે ઝડપથી ભાગી જવું પડ્યું છે. તેણે કહ્યું કે તે ખૂબ જ ડરી ગઈ હતી. અમને પાંચ મિનિટ પહેલાં હોટેલ ખાલી કરવાનો આદેશ મળ્યો હતો. તેણે લોસ એન્જલસની આ સ્થિતિને ભયંકર ગણાવી હતી અને આગની ઝલક પણ બતાવી હતી.