સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પો– 2025 આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેનું ઉદઘાટન કરતા કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત સીટેક્ષ એક્ઝિબીશનમાં પ્રદર્શિત થઇ રહેલી અદ્યતન મશીનરી પર હાઇ ક્વોલિટી પ્રોડક્ટનું ઉત્પાદન કરીને ઉદ્યોગકારો વિદેશોમાં ટેક્સટાઇલનું એક્ષ્પોર્ટ વધારી શકશે.
- વિવિંગ ઉદ્યોગમાં નવી ટેક્નોલોજીથી કાપડ ઉદ્યોગને લાભ થશે : સીઆર.પાટીલ
- ચેમ્બર દ્વારા આયોજિત ટેક્ષ્ટાઇલ મશીનરી એક્ષ્પો ‘સીટેક્ષ– 2025 ’નો શુભારંભ,પ્રથમ દિવસે જ પાર્કિંગ હાઉસફૂલ
ટેક્સટાઇલ ઉદ્યોગકારો આ ટેક્નોલોજીના ઉપયોગથી ક્વોલિટી પ્રોડક્શન લઇ શકશે. ઉદ્યોગકારો પ્રોડક્શનની કોસ્ટ ઘટાડી શકશે, જેથી કરીને લોકોને સસ્તી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ મળી રહેશે.
SGCCIના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ટેક્નોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે. આ એક્ઝિબિશનમાં સોના-ચાંદીના તારના ઉપયોગથી સેમી સિલ્કનું કપડું બનાવી આપતું લૂમ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સીટેક્ષ એક્ઝિબીશનમાં મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત ભારતમાં જ બનાવવામાં આવેલી વોટરજેટ મશીન, હાઇ સ્પીડ રેપિયર મશીન અને શટલ લુમ વીથ સેવન શટલ 4 બાય 4 મશીનરી પ્રદર્શન માટે મૂકવામાં આવી છે.
સુરતના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સીટેક્ષ એક્ઝિબીશનની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી, માનદ્ મંત્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી મૃણાલ શુકલ, ચેમ્બરના ઓલ એક્ઝિબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા, સીટેક્ષ એક્ઝિબીશનના ચેરમેન સુરેશ પટેલ તથા કો–ચેરમેનો મયુર ગોળવાલા અને રીતેશ બોડાવાલા, ચેમ્બરના પૂર્વ પ્રમુખો, સભ્યો અને એક્ઝિબિટર્સ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
આયાતી કોરિયન વેલ્વેટ 11,000 ફેબ્રિક હવે સુરતમાં બની શકશે
‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પો– 2025 ના કો. ચેરમેન મયુર ગોળવાલા અને કોરિયન વેલ્વેટ11,000 ફેબ્રિકની ક્વોલિટી માટે ઓટોમેટિક હાઇસ્પીડ લૂમ્સ બનાવનાર સુનિલ અડવાણીએ જણાવ્યું હતું કે, સચિન જીઆઇડીસીની ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરીગ કંપની દ્વારા બનાવવામાં આવેલું હાઇસ્પિડ લુમ પ્રદર્શન દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
8 ફૂટ પહોળાઈ અને 15 ફૂટ લંબાઈના આ મશીન પર હવે આયાતી કોરિયન વેલ્વેટ 11,000 ફેબ્રિક હવે સુરતમાં બની શકશે. આ મશીનરી પર પ્રોડક્શન કોસ્ટ ફટકા લૂમ્સ અને એરજેટ કરતા સસ્તી આવે છે. 14 ફટકા લૂમ્સ મશીનરી જે પ્રોડક્શન આપે છે, એટલું પ્રોડક્શન આ એક જ મશીનરી આપે છે.
આ મશીન પર 52 નાં પનાનું 24 કલાકમાં 450 મીટર વેલ્વેટ કાપડ ઉતરે છે. ફટકા લુમમાં જ્યાં 4 કારીગર જોઈએ ત્યાં એક જ કારીગર આ મશીન પર કામ કરી શકે છે. પોલિએસ્ટર કાપડ થકી લહેંગા, બ્લાઉઝ, જેન્ટ્સ શેરવાની, પડદા, મંડપ ડેકોરેશન ફેબ્રિક અને હોમ ડેકોરેશન ફેબ્રિક તરીકે એનો ઉપયોગ થાય છે. અત્યારે સુરતમાં 5 ટકા વેલ્વેટ ફેબ્રિક બને છે 25 ટકા ઈમ્પોર્ટ થાય છે. સુરતમાં અત્યારે 8 મિલો જ આ ફેબ્રિક પર ડાઈંગ પ્રિન્ટિંગ વર્ક કરે છે.