SURAT

કાચના માંજા પર પણ પ્રતિબંધઃ હાઈકોર્ટે કહ્યું, પતંગના દોરા પર કાચ ચઢાવનારાઓ સામે..

અમદાવાદઃ ધારદાર, ખતરનાક, જીવેલણ ચાઈનીઝ દોરા પર તો પહેલાથી જ પ્રતિબંધ હતો પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટે કાચથી બનતા માંજા પર પણ પ્રતિબંધ મુકયો છે, જેના લીધે ઉતરાયણમાં પેચ લડાવી પતંગ કેવી રીતે કાપીશું તેની ચિંતા પતંગ રસિયાઓમાં ઉભી થઈ છે.

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યમાં વિવિધ ઠેકાણે પતંગ અને દોરીનું વેચાણ થઈ રહ્યું છે. દરમિયાન આજે 10 જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સ્પષ્ટતા કરાઈ છે. હાઈકોર્ટ અનુસાર રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરા પર જ નહીં પરંતુ કાચના પાઉડર ચડાવીને બનાવતા માંજાના વેચાણ પર પણ પ્રતિબંધ છે.

હાઈકોર્ટે કહ્યું કે, કોટન દોરી જે ગ્લાસ કોટિંગ (કાચના પાઉડરથી રંગેલી દોરી) કરેલી હોય તેના ઉત્પાદન, વેચાણ, ખરીદ અને વપરાશ પર પ્રતિબંધ છે. હાઈકોર્ટે આ મામલે કાર્યવાહી કરવા સરકારને નિર્દેશ કર્યો છે. તેથી હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીના ઉત્પાદક, વેપારીઓ સામે કાર્યવાહી કરી શકે છે.

ગયા વર્ષે 13 હજાર પક્ષી ઘાયલ થયા હતા
આ મામલે અગાઉ તા. 8 જાન્યુઆરીએ ચીફ જ્જ સુનિતા અગ્રવાલ અને જ્જ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી, તેમાં અરજદારના વકીલ ભુનેશ રૂપેરાએ કહ્યું હતું કે, ઘાતક માંજાથી માણસોની સાથો સાથ પક્ષીઓ પણ ઘાયલ થાય છે. ગયા વર્ષે ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યમાં 13 હજારથી વધુ પક્ષીના કાતિલ માંજાથી કપાઈ જવાના લીધે મોત થયા હતા.

રાજ્ય સરકાર કામગીરીનો રિપોર્ટ કોર્ટને સોંપશે
સરકારી વકીલે કહ્યું કે, ઉત્તરાયણ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કરાતી કામગીરીનો એક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાશે. સરકારે ચાઈનીઝ નાયલોન દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મુક્યો છે. 24 ડિસેમ્બર 2024ના રોજ ગૃહ વિભાગે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. પોલીસ, મનપા સહિતના સરકારી વિભાગોને કસૂરવારો સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.

અરજદારના વકીલે કહ્યું, પ્રતિબંધ નકામો
અરજદારના વકીલે કહ્યું કે, પોલીસ કાતિલ માંજાનું ઉત્પાદન કરનાર ઉત્પાદકો સામે કોઈ પગલાં લેતી નથી. ચાઈનીઝ દોરીની એક ફિરકી પકડાય ત્યારે ફરિયાદ નોંધે છે. ઉત્પાદક સામે કોઈ પગલાં લેવાતા નથી. તેથી પ્રતિબંધનો હેતુ સિદ્ધ થઈ રહ્યો નથી. કોર્ટે કહ્યું ઉત્પાદક સામે પગલાં ન લેવાય તો પ્રતિબંધ કોઈ કામનો નથી. ઉત્પાદકો સામે કાર્યવાહી થવી જોઈએ.

Most Popular

To Top