Comments

નાગરિકી નિસ્બતનું નોખું ઉદાહરણ

વોટ્સએપ પર ‘અમૃત આહાર મહોત્સવ’નું પોસ્ટર જોયું જે ૧૧થી ૧૩ જાન્યુઆરીના રોજ ભાવનગર ખાતે યોજાવાનું છે. પહેલા લાગ્યું કે ઓર્ગેનિક ફૂડના નામે ઘણું બધું થઇ રહ્યુ છે એવું જ કાંઇક હશે. પણ એવું નથી. આ ફૂડ ફેસ્ટીવલ જરા નોખો છે. એના આયોજકો ખેડૂતો પોતે છે. “મારી વાડી-ખેતરને મારે ઝેર નથી આપવું, તેમજ મારા ખેતરમાં ઉગેલા શાક અને ધાનથી પેટ ભરતા માણસોને પણ મારે ઝેર નથી આપવું” – આ તેમનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે. તેમણે તેમના કામનો વ્યાપ માત્ર પ્રાકૃતિક ખેતી પુરતો માર્યાદિત નથી રાખ્યો પણ એની આજુબાજુ એક સિસ્ટમ ઉભી કરી નાગરિકી નિસ્બતનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

આ જુથનો ઈતિહાસ ખુબ રસપ્રદ છે. વાત શરુ થઇ હતી ૨૦૦૮માં, જયારે યુ.એસ–ભારત વચ્ચે થયેલા અણુ કરાર અંતર્ગત ૬૦૦૦ મેગાવોટ્સનું એક અણુ વીજમથક બનાવવા માટે ભાવનગર જીલ્લાના મીઠીવીરડી અને આજુબાજુના ગામોની પસંદગી થઇ હતી. વર્ષમાં ત્રણ પાક લઇ શકાય અને લીલીછમ વાડીઓથી શોભતી ફળદ્રુપ જમીન પર અણુમથક આવે તો સ્વાભાવિક રીતે એ ઉજ્જડ બને. એટલે જમીન બચાવવાના નિસ્બતથી લોક આંદોલનના પાયા નખાયાં. પર્યાવરણ સુરક્ષા સમિતિ નામક સ્વૈચ્છિક સંસ્થાની મદદથી મીઠીવીરડી અને જસપરા ગામના લોકોએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં આ યોજના વિરુદ્ધ અરજી દાખલ કરી. દસ વર્ષના લોક સંઘર્ષનો ૨૦૧૭માં અંત આવ્યો જ્યારે સરકારે સૂચિત અણુ ઉર્જા યોજના પડતી મુકવાનું જાહેર કર્યું.

લોક આંદોલનની જીત થઇ, અણુ યોજના ગઈ અને ખેતરો બચી ગયાં. પણ, પછી શું? જમીનને ઝેરી બનાવવા માટે માત્ર અણુ મથક એકલુ તો જવાબદાર નથી. રસાયણનાં બેફામ ઉપયોગને કારણે પણ જમીનમાં ઝેર ફેલાઈ રહ્યું છે, જે જમીનની સાથે માણસ અને સમગ્ર જીવ સૃષ્ટિને વિનાશ ભણી દોરી રહ્યું છે. પાછલા ચાર દાયકાથી પર્યાવરણીય કટોકટી ઉભી થઈ છે એ આપણે જોઈ જ રહ્યા છીએ. અણુમથક વિરોધી લોક આંદોલનને કારણે આ સભાનતા લોકોમાં આવી, ધીમે ધીમે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું શરુ કર્યું. શરૂઆતમાં રસાયણથી ટેવાયેલી જમીન ઓછી ઊપજ આપતી અને બજારમાં ભાવ પણ ઓછો મળતો કારણ કે લોકોને વિશ્વાસ બેસતો ના હતો. પણ ધીમે ધીમે બજાર વિસ્તરતું ગયું અને યોગ્ય ભાવ પણ મળવા લાગ્યો. મીઠીવીરડી અને એની આજુબાજુના ગામોમાં પ્રાકૃતિક ખેતીનો વિચાર ધીમે પણ મક્કમ રીતે ફેલાઈ રહ્યો છે.

૨૦૧૫માં માત્ર બે ગામના પાંચ ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી શરુ કરી હતી. આજે ૧૨ ગામના સિત્તેરથી વધુ ખેડૂતો આ દિશામાં વળ્યા છે. શરૂઆતમાં ભાવનગરના ફૂટપાથ પર બેસીને મહીને પચ્ચીસેક કિલો શાકભાજી વેચતા ખેડૂતો આજે મહિનાનું સરેરાશ ૭૦૦ થી ૧૨૦૦ કિલો શાક ભાવનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સુધી વેચે છે. મોટાભાગનું વેચાણ કોઈ વચેટીયા વિના ગ્રાહકને સીધું વેચાય છે. ખેડૂતને બજાર ભાવ સીધો મળે છે એટલે પ્રાકૃતિક ખેતી કરવું તેમને પોસાય છે. ઉત્તરોત્તર તેમના જીવન ધોરણમાં સુધારો થતો દેખાય છે એટલે પ્રાકૃતિક ખેતી માત્ર મોટા ખેડૂતોનો ઈજારો નથી એ વાત નો સ્વીકાર આ વિસ્તારના લોકોમાં આવ્યો છે.

‘‘પ્રાકૃતિક ખેતી જુથ (મીઠીવીરડી વિસ્તાર)’’ના ખેડૂતોનું કામ માત્ર શાકભાજી ઉગાડી અને વેચવા પુરતું મર્યાદિત નથી. તેઓ ઝેર મુકત આહાર, પ્રદુષણ મુક્ત હવા/પાણી મેળવવાનો જન્મસિદ્ધ અધિકાર પરત મેળવવા માટે જન જાગૃતિનું કામ કરે છે. જેના ભાગ રૂપે ૭ વર્ષથી ‘અમૃત આહાર મહોત્સવ’નું આયોજન થાય છે. સૌને સાત્વિક ફૂડ ઉપલબ્ધ થાય એવા પ્રયાસોનાં ભાગરૂપે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે જરૂરી નિદર્શન અને તાલીમ આપવાનું તેમજ લોકોમાં પણ આ બાબતે જાગૃતિ આવે એ હેતુથી મીઠીવીરડી જૂથ અભિયાન ચલાવી રહ્યું છે.

પર્યાવરણ સંરક્ષણના વિવિધ મુદ્દાઓ ‘પ્રાકૃતિક ખેતી જૂથ’ પોતાના અભિયાન સાથે વણતા ગયા છે. આ વખતે મેળામાં સુએજ ટ્રીટમેન્ટની સમસ્યાના ઉકેલના મુદ્દાને આવરી લેવામાં આવ્યો છે. દેશમાં સુએજ ટ્રીટમેન્ટની સ્થિતિ નિરાશાજનક છે. ભારતમાં પેદા થતા 63% સુએજ ટ્રીટમેન્ટ માટેની કોઈ વ્યવસ્થા જ નથી અને તેથી તેનો ટ્રીટમેન્ટ વિના જ નિકાલ કરવામાં આવે છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી અને એન્જિનિયરિંગનાં પ્રોફેસર ડૉ. ઉપેન્દ્રભાઈ ડી. પટેલે જી.પી.સી.બી.ના સહયોગથી બિનપરંપરાગત વિકેન્દ્રિત મલ્ટી-સ્ટેજ રિએક્ટર વાળી સુએજ ટ્રીટમેન્ટ સિસ્ટમ ઉભી કરી છે, જેના થકી ઘરમાંથી નીકળતા ગંદા પાણીને ચોખ્ખું કરી ખેતીના ઉપયોગ યોગ્ય બનાવી શકાય છે.

આ સિસ્ટમનું મોડેલ આ મેળામાં જનજાગૃતિ માટે મૂકવામાં આવશે. ‘પ્રાકૃતિક ખેતી જુથ (મીઠીવીરડી વિસ્તાર)’સાથે સંકળાયેલા ખેડૂતો જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની નાગરિક તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. આ જ તો ભારતના બંધારણની ૫૧ ક (જ) કલમ કહે છે. નાગરીકો થાકી થતા પ્રયત્નોમાં જ આશાનું કિરણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top