ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ કાફલા સાથે આરોપીઓને લઇ જવાયાં, સીસીટીવી કેમેરાનું ડીવીઆર તેમજ અકબરે સંતાડેલું ચાકુ પણ કબજે કરાયું
પ્રતિનિધિ વડોદરા તા.8
કાસમઆલા ગેંગના ધરપકડ કરાયેલા 9 આરોપીઓ પૈકી મુખ્ય સુત્રધાર સહિતના ચાર જણાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોલીસ કાફલા સાથે લઇને કાસમઆલા કબ્રસ્તાનના તેમના નિવાસ્થાને પહોંચી હતી. જેમાં આરોપીઓના ઘરમાં ઝડતી તપાસ કરી હતી અને મકાનની માલિકી સહિતના ડોક્યુમેન્ટસ ચકાસ્યા હતા. ઉપરાંત સીસીટીવી કેમેરાનું ડીવીઆર તથા એક ચાકુ પણ કબજે કરાયું હતું.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા યુવકને માથાભારે અને ગુનાઇત ભુતકાળ ધરાવતા હુસેન સુન્ની, અકબર સુન્ની,સિકંદર સુન્ની તથા મહંમદ અલમાએ રસ્તામાં રોકીને ખંડણી માગી લુંટ ચલાવી હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. પરંતુ પોલીસની તપાસમાં આ ત્રણ આરોપી પૈકી હુસેન સુન્નીએ 9 જેટલા સાગરીતો બનાવીને કાસમઆલા ગેંગ ઉભી કરી હોવાની સ્ફોટક વિગતો જાણવા મળી હતી. જેમાં પોલીસે સિક્રેટ ઓપરેશન હાથ ધરીને ગેંગના 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને એક જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ ઝડપાયેલા પાંચ આરોપીના 12 દિવસ તથા ટ્રાન્સફર વોરંટ સહિતના ચાર આરોપી મળીને 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ હુસેન સુન્ની,સિકંદર સન્ની, અકબર તથા મહમદ અલીમાને લઇને પોલીસ બંદોબસ્ત સાથે તેમના નિવાસસ્થાન કાસમઆલાના કબ્રસ્તાન ખાતે પહોંચી ગઇ હુસેન સુન્ની સહિતના આરોપીઓના ઘરોમાં ઝડતી તપાસ કરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ મકાનની માલિકી સહિતના વિવિધ ડોક્યુમેન્ટસની ચકાસણી કરાઇ હતી. ઉપરાંત આરોપીઓ તેમના વિસ્તારમાં આવતા લોકો પર નજર રાખવા માટે છુપાવેલા સીસીટીવી કેમેરાના કમાન્ડ રુમની પણ વિઝિટ કરવા સાથે સીસીટીવી કેમેરાનું ડિવિઆર તથા ચાકુ તપાસ માટે કબજે કરવામાં આવ્યું છે. આ ડિવિઆર જોઇ લીધા બાદ પર તેમને સોંપી દેવામાં આવશે તેવું એસીપી ક્રાઇમ એચએરાઠોડે જણાવ્યું હતું.