Sports

ICC રેન્કિંગમાં મોટો ફેરફારઃ વિરાટ-રોહિત-રાહુલને નુકસાન, પંતનો મોટો જમ્પ, બાવુમાએ રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ICC દ્વારા નવી રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. આ વખતે પણ રેટિંગ અને રેન્કિંગમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે ભારતીય ટીમનો સ્ટાર વિકેટ કીપર રિષભ પંત ફરી એકવાર ટોપ 10માં પાછો ફર્યો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં તેણે તોફાની ઇનિંગ્સ રમી હતી, જેનો તેને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાએ ઈતિહાસ રચ્યો હતો.

ભારતના સિનિયર ખેલાડીઓને નુકસાન
ટેસ્ટ બોલર્સના રેન્કિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણા 93 માં નંબર પર પહોંચી ગયો છે. તેને 42 નંબરની છલાંગ લગાવી છે. તેણે સિડની ટેસ્ટમાં 6 વિકેટ લીધી હતી. કે.એલ. રાહુલને 11 નંબરનું નુકસાન થયું છે. ટોપ 50 માંથી આઉટ થયો છે. તે 52માં ક્રમ પર પહોંચ્યો છે.

વિરાટ અને રોહિતને પણ નુકસાન થયો છે. કોહલી 3 ક્રમ નીચે ઉતરી 27માં નંબર પર પહોંચ્યો છે. રોહિતને 2 પોઈન્ટનું નુકસાન થયું છે. તે 42માં ક્રમે પહોંચ્યો છે. ગિલ 3 પોઈન્ટ નીચે ઉતરી 23માં ક્રમે પહોંચ્યો છે. જોકે, બુમરાહની બાદશાહત કાયમ રહી છે. તે નંબર 1 બોલરનો ક્રમ જાળવી રાખ્યો છે.

જો રૂટ હજુ પણ નંબર વન ટેસ્ટ બેટ્સમેન, ટોપ 5માં કોઈ ફેરફાર નથી
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 5માં કોઈ ફેરફાર થયો નથી પરંતુ ત્યાર પછીના ક્રમોમાં જોરદાર ફેરફાર જોવા મળ્યો છે. ઈંગ્લેન્ડના જો રૂટ હજુ પણ નંબર વનના સ્થાન પર પોતાની પકડ જાળવી રાખી છે. તેનું રેટિંગ હાલમાં 895 છે. ઈંગ્લેન્ડનો હેરી બ્રુક પણ બીજા સ્થાને છે. તેનું રેટિંગ 876 છે. ન્યુઝીલેન્ડના કેન વિલિયમસનની વાત કરીએ તો તે 867 રેટિંગ સાથે ત્રીજા નંબર પર છે. ભારતની યશસ્વી જયસ્વાલ હજુ પણ 847 રેટિંગ સાથે ચોથા સ્થાને છે. જ્યારે ટ્રેવિસ હેડ 5માં નંબર પર છે. તેનું રેટિંગ 772 છે. તેનો અર્થ એ કે અહીં ટોપ 5 માં કોઈ ફેરફાર દેખાતા નથી.

ટેમ્બા બાવુમાએ લાંબી છલાંગ લગાવી
દરમિયાન દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાએ ક્વોન્ટમ લીપ લીધો છે. તેણે આ વખતે રેન્કિંગમાં 3 સ્થાનનો ઉછાળો મેળવ્યો છે. તે હવે 769ના રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર પહોંચવામાં સફળ રહ્યો છે. આ તેમનું સર્વકાલીન ઉચ્ચ રેન્કિંગ અને રેટિંગ પણ છે. તેના માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ટેમ્બા બાવુમાની કપ્તાનીમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને સતત બે ટેસ્ટ મેચમાં હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

રિષભ પંતને ફાયદો, સ્ટીવ સ્મિથને નુકસાન
આ દરમિયાન શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસની વાત કરીએ તો તેણે પણ એક સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે 759 રેટિંગ સાથે 7મા નંબરે પહોંચી ગયો છે. જોકે, સ્ટીવ સ્મિથને મામૂલી નુકસાન થયું છે. તે હવે એક સ્થાન નીચે 8મા નંબર પર આવી ગયો છે. તેનું રેટિંગ 746 છે. ભારતના ઋષભ પંતે ફરી એકવાર ટોપ 10માં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ વખતે તેને ત્રણ સ્થાનનો જમ્પ મળ્યો છે. તે 739ના રેટિંગ સાથે 9મા નંબરે પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડની ડેરીલ મિશેલ 725 રેટિંગ સાથે 10માં નંબર પર યથાવત છે.

Most Popular

To Top