મુંબઈઃ આજની ફાસ્ટલાઈફમાં પુરુષ અને સ્ત્રી બંનેમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે. આ સમસ્યા કુદરતી છે. વાળ ધોતી વખતે કે ઓઢતી વખતે વાળ ખરે છે, પરંતુ જ્યારે મોટા જથ્થામાં કોઈના વાળ ખરવા લાગે ત્યારે તે ચિંતાનો વિષય બની જાય છે.
તાજેતરમાં મહારાષ્ટ્રના બુલઢાણામાં વાળ ખરવાના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. અહીં અનેક ગામના લોકોના વાળ અચાનક મોટા જથ્થામાં ખરવા લાગ્યા છે. લોકોને ટાલ પડવા લાગી છે. સ્થિતિ એવી છે કે અધિકારીઓએ સંભવિત પ્રદૂષણના ટેસ્ટ માટે વોટર સપ્લાયની ટેસ્ટિંગ શરૂ કરવી પડી છે.
ગામમાં પાણીના સેમ્પલ લેવાયા
વાળ ખરવાના કેસો સામે આવ્યા બાદ મંગળવારે આરોગ્ય વિભાગની ટીમે ગામોમાં સરવે શરૂ કર્યો છે. શેગાંવના આરોગ્ય અધિકારી ડો. દિપાલી બહેકરે કહ્યું કે, સરવે દરમિયાન શેગાંવ તાલુકાના કલવાડ, બોંડગાંવ અને હિંગના ગામના 30 લોકોમાં વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યા જોવા મળી હતી. અસરગ્રસ્તોની સારવાર શરૂ કરાઈ છે.
સ્કીન કેયર સ્પેશ્યાલિસ્ટની સલાહ લેવાઈ
બહેકરે વધુમાં કહ્યું કે લક્ષણોના આધારે દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે. સ્કીન કેયર સ્પેશ્યાલિસ્ટની પણ સલાહ લેવાઈ રહી છે. જિલ્લા પરિષદના એક આરોગ્ય અધિકારીએ કહ્યું કે સંભવિત પ્રદૂષણની તપાસ કરવા માટે આ ગામમાં પાણીના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલાવામાં આવી રહ્યાં છે.