Charchapatra

શું છે મોક્ષ? કોને મળે?

સનાતન ધર્મમાં અગત્યનો શબ્દ છે પણ શું છે મોક્ષ? કોને મળે? ક્યારે, કેવી રીતે અને ક્યાં મળે? શું સાચે જે-જે વ્યક્તિઓ જુદા જુદા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે એમને મળે? શું સંસાર છોડીને હિમાલય જતા રહે એને મળે? શું ધ્યાન, તપસ્યા કરનાર ને મળે કે સામાન્ય માણસને મળે? શાસ્ત્ર મુજબ જોઈએ તો કોઈનું ખોટું ન કરવું, કોઈની સાથે દગો ન કરવો, જ્યાં માન સન્માન હણાય ત્યાં ન જવું, સત્ય બોલવું, સત્યનો સાથ આપવો, સત્ય માટે પોતાના સગા સબંધી ની સામે પણ અવાજ ઉઠાવવો,પોતાનું નિયત કર્મ પ્રમાણિકતા થી કરવું, અન્યાય સામે ક્યારેય ન ઝૂકવું,બોલેલું પાળવું અને આવા તો બીજા કઈ કેટલાય સુવાક્યો વાંચવા મળી જાય ધર્મ ગ્રંથોમાં. જો આ બધી વાતો ને સાચી માનવામાં આવે તો સૌથી વધુ આ બધી જ વાતોનું પાલન સૌથી વધુ એક સામાન્ય માણસ જ કરે છે.

બાકી જે પણ લોકો સફળ થાય છે તેમણે જીવનમાં કોઈ ને કોઈ બાબતમાં સમાધાન,કે અન્યાય સામે  ઝૂકીને કે કાવાદાવા કરીને કે કોઈક ને નુકશાન પોહંચાડીને કે અન્યાય થતો હોય ત્યાં ચૂપ રહીને,પોતાના જ શત્રુ સાથે હાથ મિલાવીને,પોતાના મિત્ર ને દગો આપીને જ સફળતા મેળવી છે. જેટલા પણ સફળ વ્યક્તિઓ જે પણ ક્ષેત્રના હોય તેમણે ચોક્કસ જીવનમાં સફળતા માટે સંઘર્ષ કર્યો જ હશે અને એ સંઘર્ષમાં ફક્ત સારી જ વાતો લોકોની સામે આવી છે પણ દરેક સફળ વ્યક્તિઓ ને જીવનમાં ઓછામાં ઓછું એકવાર કે પછી એકથી વધુ વખત શાસ્ત્રોમાં લખેલી વાતો થી વિરૂદ્ધ કાર્ય કરવું પડ્યું હસે. સવાલ કોણે શું કર્યું એ નથી,શું કામ કર્યું તે છે.આથી કદાચ જો આ બધી વાતોને માનવામાં આવે તો મોક્ષ પ્રાપ્તિ ના સૌથી વધુ યોગ સામાન્ય માણસ માટે છે.
સુરત     – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top