ઘવાયેલા યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો
પ્રતિનિધિ વડોદરા તા.31
સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશનના ગેટ પાસેથી રાત્રીના સમયે રિક્ષા ચાલક ઉભો હોય સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીએસઆઇએ બીભત્સ ગાળો આપ્યા બાદ ઢોર માર્યો હતો. ત્યારબાદ તેને પોલીસ મથકના રૂમમાં લઇ ગયા બાદ પટ્ટાથી ફટકાર્યો હતો. જેથી ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
થોડા મહિના અગાઉ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પાસે આમલેટની લારી ચલાવતા યુવકને બેફામ રીતે માર માર્યો હતો અને કાર સાથે રોડ પર ઘસેડ્યો હતો. જેમાં તેને ગંભીર ઇજો પહોંચતા ખાનગી હોસ્પિટલના ખસેડાયો હતો. જેમાં ઉચ્ચ અધિકારી દ્વારા ત્રણ સામે ગુનો નોંધી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ફરીવાર સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી પી ખુમાન દ્વારા રિક્ષા ચાલકનો ઢોર માર માર્યો હોવાનો બનાવ બન્યો છે. જેમાં એવી વિગત છે કે મૂળ ગોરવા વિસ્તારના અને હાલમાં તાંદલજા વિસ્તામાં મકાન ભાડે રાખે રહેતા મોસીન સબ્બીર શેખ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવક સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશનના ગેટ નંબર 1 પાસે રિક્ષા રાખી ઉભો હતો. તે દરમિયાન રાત્રીના એક વાગ્યાના અરસામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી પી ખુમાન ત્યાં ધસી આવ્યા હતા અને ખાખીનો રોફ મારીને રિક્ષા ચાલકને બીભત્સ ગાળો આપીને ત્યાં માર માર્યો હતો. ત્યારબાદ યુવકને રિક્ષા સાથે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એક રૂમમાં બેલ્ટથી ઢોર માર માર્યો હતો. યુવકની રિક્ષા પણ ડિટેન કરી લીધી હતી. યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે યુવક દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ શરૂ કરાઇ છે. પીએસઆઇએ ખુમાને જણાવ્યું હતું કે હાલમાં અછોડા તુટવાનો તથા છેડતીના બનાવો વધુ બનતા હોય છે. જેથી અમે તપાસ કરવા જતા રિક્ષા ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા તેને પકડ્યો હતો.