અમેરિકાના ઈમિગ્રેશનના કાયદા ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’માં જેઓ અમેરિકામાં કાયમ રહેવાની ઈચ્છા ધરાવતા હોય અને એ માટે જેમને ‘ઈમિગ્રન્ટ વિઝા’ મેળવવાની જરૂરિયાત રહે એ ઈમિગ્રન્ટ વિઝા કઈ કઈ રીતે મેળવી શકાય એ દર્શાવવામાં આવ્યું છે. આમાં ‘ઈમિજિયેટ રિલેટિવ’ કેટેગરી હેઠળ, ચાર જુદી જુદી ‘ફેમિલી સ્પોન્સર્ડ’ તેમ જ ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ’ કેટેગરી હેઠળ, 10 લાખ 50 હજાર અથવા 8 લાખ ડોલરનું રોકાણ કરતાં એ ‘EB-5 પ્રોગ્રામ’ હેઠળ, ‘ડાઈવર્સિટી વિઝા લોટરી’ હેઠળ, ‘અસાયલમ’ યા ‘રેફ્યુજી’ સ્ટેટસ હેઠળ, અમેરિકાની ‘મિલિટરી’માં જોડાતાં જે લાભો પ્રાપ્ત થાય એની હેઠળ, અવરનવર અમેરિકાની સરકાર ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને જે માફી આપે છે ‘એમનેસ્ટી’ હેઠળ, આમ જુદી જુદી રીતે અમેરિકામાં કાયમ રહેવા માટેના ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની લાયકાતો આ કાયદામાં જણાવવામાં આવી છે.
આ જ રીતે જેઓ અમેરિકામાં કાયમ રહેવાની ઈચ્છા ધરાવતાx ન હોય પણ ટૂંક સમય માટે, એક દિવસથી માંડીને થોડાં વર્ષો સુધી અમેરિકામાં કોઈ ખાસ કારણસર પ્રવેશવા અને રહેવા ઈચ્છતા હોય એમના માટે તેઓ જે જે પ્રકારનાં કાર્યો માટે અમેરિકામાં પ્રવેશવા ઈચ્છતાં હોય એને લગતા ‘નોન-ઈમિગ્રન્ટ’ વિઝા ઘડવામાં આવ્યા છે. જેમ કે વેપારી તરીકે વ્યાપારનાં કામ અર્થે અમેરિકામાં પ્રવેશવું હોય તો ‘B-1’ વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે. પ્રવાસી તરીકે અમેરિકામાં જવું હોય તો ‘B-2’ વિઝા મેળવવા પડે છે.
ભણવા જવું હોય તો ‘F-1’ યા ‘M-1’ વિઝા મેળવવા પડે છે. નોકરી કરવા જવું હોય તો ‘H-1 B’ વિઝા મેળવવા પડે છે. બિઝનેસની શાખા ખોલીને ત્યાં બિઝનેસ કરવો હોય તો આંતરકંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટે ઘડવામાં આવેલ ‘L-1’ વિઝાની જરૂરત પડે છે.
આ મુજબ જ જેઓ પ્રોફેસર છે, શિક્ષકો છે, સંશોધનકારો છે, સ્કોલર એટલે કે વિદ્વાન છે, પોતાના દેશની સંસ્કૃતિનો ફેલાવો કરવા જેઓ ઈન્ટરનેશનલ વિઝિટરો છે, પરદેશી મેડિકલ ગ્રેજ્યુએટો છે એટલે કે ડૉક્ટરો છે, આવી આવી વ્યક્તિઓને અમેરિકામાં જો વધુ તાલીમાર્થે અને એ માટે પ્રેક્ટિકલ અનુભવ મેળવવા માટે, નોકરી યા કામ કરવા માટે અમેરિકામાં જવું હોય તો એમના માટે ખાસ પ્રકારના નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના ‘J-1’ વિઝા આ કાયદા હેઠળ ઘડવામાં આવ્યા છે. અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’ની કલમ 101(A)(15)(J) હેઠળ ‘એક્સચેન્જ વિઝિટરો’ માટેના ‘J-1’ વિઝા ખાસ ઘડવામાં આવ્યા છે. આ માટે એમને જે સંસ્થા, હોસ્પિટલ, કોલેજ યા શાળા આમંત્રણ આપતી હોય એમણે એમના માટે ‘સર્ટિફિકેટ ઓફ ઈલિજિબિલિટી’ એટલે કે લાયકાતોનું સર્ટિફિકેટ આપવાનું રહે છે.
‘J-1’ વિઝા આપતી વખતે અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું અનેક ‘J-1’ વિઝાધારકોના વિઝા આપતાં એવી શરત મૂકે છે કે એમને અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપવામાં આવ્યો હોય એ સમય પૂરો થતાં એમણે સ્વદેશ પાછા ફરીને અમેરિકામાં જે શિક્ષણ મેળવ્યું હોય, જે તાલીમ પામ્યા હોય, અનુભવ મેળવ્યો હોય, એનો લાભ બે વર્ષ સુધી એમના પોતાના દેશને આપવાનો. એ બે વર્ષ સુધી તેઓ અમેરિકામાં ફરી પાછા કોઈ પણ પ્રકારના નોન-ઈમિગ્રન્ટ યા ઈમિગ્રન્ટ વિઝા ઉપર પ્રવેશી નથી શકતા. આ શરતને ‘ટુ યર હોમ રેસિડેન્સી રિક્વાયર્મેન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.
આ કારણસર અનેક ભારતીયો, જેઓ અમેરિકામાં ‘J-1’ વિઝા ઉપર કાર્ય કરી રહ્યા હોય એમને ફરજિયાત એમનો ‘J-1’ વિઝાનો સમય પૂરો થતાં ભારત પાછા આવવું પડતું હતું. તેઓ ‘H-1B’ વિઝા મેળવીને ‘J-1’ વિઝાનો સમય પૂરો થાય ત્યાર બાદ અમેરિકામાં કામ કરી નહોતા શકતા. અમેરિકન સિટિઝન જોડે લગ્ન કર્યાં હોય અને એમના લાભ માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય, એ અપ્રુવ પણ થઈ ગયું હોય તો પણ તેઓ એમનું નોન-ઈમિગ્રન્ટ ‘J-1’ સ્ટેટસ એડ્જસ્ટ કરીને ઈમિગ્રન્ટ સ્ટેટસ મેળવી નહોતા શકતા. ટૂંકમાં એમણે એમનો ‘J-1’ વિઝાનો સમય પૂરો થાય એટલે સ્વદેશ, અમેરિકા બહાર બીજા કોઈ દેશમાં નહીં પણ પોતાના દેશમાં જઈને ત્યાં બે વર્ષ કામ કરવાનું રહેતું હતું.
આ નિયમના કારણે અનેકોને પારાવાર હાડમારી પડતી હતી. આથી અનેક ‘J-1’ વિઝાધારકો પોતાની સરકારને તેમ જ અમેરિકાની સરકારને કારણો દર્શાવીને એમને આ બે વર્ષના સ્વદેશમાં રહી આવવાના નિયમમાંથી છૂટ આપવી એવી અરજી કરતા હતા. આ નિયમ પાછળનું કારણ એ હતું કે વિઝાધારકોનો જે ખર્ચો અમેરિકામાં ટ્રેનિંગ લેવાનો થતો હતો એમાંનો અડધો ખર્ચો અમેરિકાની સરકાર અને અડધો એમના પોતાની દેશની સરકાર ભોગવે છે. ભારત સરકારે તો થોડા સમય પહેલાં એવું ઠરાવ્યું હતું કે જે કોઈ ભારતીય ડૉક્ટર, અમેરિકામાં ‘J-1’ વિઝા ઉપર તાલીમ લેવા ગયા હોય અને પછી બે વર્ષ પાછા ભારતમાં કાર્ય કરવા આવવાનો જે નિયમ હોય એમાંથી મુક્તિ માગતા હોય એમને મુક્તિ આપવી નહીં.
અચાનક 9મી ડિસેમ્બર, 2024ના દિવસે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે એવું જાહેર કર્યું કે વિશ્વના 34 દેશની વ્યક્તિઓ, જેમાં ભારતના નાગરિકોનો પણ સમાવેશ થાય છે એમને આ બે વર્ષ સ્વદેશમાં પાછા જઈને કામ કરવાનો નિયમ લાગુ નહીં પડે.
જેઓ ઈમિગ્રન્ટોનો વિરોધ કરી રહ્યા છે, એ અમેરિકાના બીજી વાર પ્રમુખ બનનાર, ડોનાલ્ડ ટ્રમ્પ ‘J-1’ વિઝાધારકોને આ જે છૂટ આપી છે એ કબૂલ, મંજૂર રાખશે? –
- ડો. સુધીર શાહ (એડવોકેટ)