આપણા દેશમાં જો કોઈ ગરીબ ખેડૂત તેની દસ લાખ રૂપિયાની લોન ભરપાઈ ન કરી શકે તો તેના ખેતરનું લિલામ કરવામાં આવે છે, પણ જો કોઈ ઉદ્યોગપતિ ૧૦૦ કરોડ રૂપિયાની લોન ભરપાઈ ન કરી શકે તો તે રૂપિયા માંડી વાળવામાં આવે છે. જો કોઈ મધ્યમ વર્ગનો માણસ બેન્કમાંથી ૧૦ લાખ રૂપિયાની લોન લઈને ભરપાઈ ન કરી શકે તો તેના પર કેસ કરવામાં આવે છે અને તેને કોર્ટનાં ચક્કર કાપવાં પડે છે, પણ જો કોઈ ધનવાન ઉદ્યોગપતિ ૧૦૦ કરોડ રૂપિયાની લોન લઈને ભરપાઈ ન કરી શકે તો બેન્કના ઓફિસરો તેની ઓફિસ પર ચક્કર મારે છે અને તેને લોનની રકમ ભરપાઈ કરવા કરગરે છે.
જો તે પૂરી રકમ ભરવા તૈયાર ન થાય તો અડધી કે તેથી પણ ઓછી રકમ લઈને માંડવાળ કરવામાં આવે છે, જેને હેરકટ કે હજામત કહેવામાં આવે છે. તાજેતરમાં સંસદમાં નાણાં રાજ્ય મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે નરેન્દ્ર મોદી સરકારે તેનાં ૧૦ વર્ષના શાસનમાં કુલ ૧૬ લાખ કરોડ રૂપિયાની રકમ માંડી વાળી છે. ભાજપના નેતાઓ જેમની ટીકા કરતાં થાકતાં નહોતાં તે ડો. મન મોહન સિંહની સરકારે તેનાં ૧૦ વર્ષના શાસન કાળમાં માત્ર ૨ લાખ કરોડ રૂપિયાની રકમ જ માંડી વાળી હતી તો પણ તેને ભ્રષ્ટ ગણાવાઈ હતી.
વર્ષ ૨૦૦૮માં જ્યારે યુપીએ સરકારે કિસાનોની ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની લોન માફ કરી ત્યારે વિપક્ષો દ્વારા તેની જોરદાર ટીકા કરવામાં આવી હતી, પણ હવે ભાજપના મોરચાની સરકાર દ્વારા શ્રીમંત ઉદ્યોગપતિઓની ૧૬.૧૧ લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે, ત્યારે વિપક્ષો પણ ભેદી મૌન ધારણ કરીને બેસી ગયા છે. દસ વર્ષમાં ગાયબ થયેલા રૂ. ૧૬.૧૧ લાખ કરોડની સરખામણી શિક્ષણ માટે કેન્દ્ર સરકારના બજેટ સાથે પણ કરી શકીએ, જ્યાં કુલ ખર્ચ આના કરતાં ૪૦% ઓછો હતો અને આરોગ્ય માટે તે અડધા કરતાં પણ ઓછો હતો. સરકાર દ્વારા જ્યારે બેન્કોની મોટી લોન માફ કરવામાં આવે છે ત્યારે નુકસાન સરકારી તિજોરીને નથી થતું પણ બેન્કની બેલેન્સ શીટને થાય છે. આ રીતે મોટી લોન માંડી વાળવાને કારણે બેન્કોનો નફો ઘટી જાય છે. આ રીતે લોનની માંડવાળ કરતાં પહેલાં શેર હોલ્ડરોને પૂછવામાં જ આવતું નથી.
પબ્લિક સેક્ટરની બેન્કો દ્વારા લાખો કરોડ રૂપિયાની લોન જ્યારે માંડી વાળવામાં આવે છે, ત્યારે તે રકમ બેન્કના નફામાંથી વસૂલ કરવામાં આવે છે. આ રીતે થયેલી ખોટને ભરપાઈ કરવા માટે બેન્કો દ્વારા બચત ખાતાંમાં વ્યાજના દરો ઘટાડવામાં આવે છે, જેનો ભોગ કરોડો નાના ખાતેદારો બને છે. તદુપરાંત બેન્કો દ્વારા વિવિધ સેવાઓ માટે સૂક્ષ્મ ચાર્જ વસૂલ કરવામાં આવે છે, જે સેવાઓ અગાઉ મફતમાં મળતી હતી. દાખલા તરીકે અગાઉ સેવિંગ બેન્કમાં ચેક બુક મફતમાં મળતી હતી; હવે તેનો પણ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. જો કોઈ ખાતાધારક મિનિમમ બેલેન્સ રાખવામાં નિષ્ફળ જાય તો તેણે તેનો પણ દંડ ભરવો પડે છે. કેટલીક બેન્કો દ્વારા તો હવે પાસબુક છાપી આપવાનો પણ ચાર્જ લેવામાં આવે છે. મુઠ્ઠીભર શ્રીમંત ઉદ્યોગપતિઓ બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી જાય તેની સજા બચત ખાતાંના મધ્યમ વર્ગીય લોકોને કરાય છે.
આ રીતે લોન રાઈટ-ઓફ કરવી એ તમામ કાયદેસર બેંકિંગ પ્રેક્ટિસનો એક ભાગ છે, તો શા માટે આપણે તેના વિશે આટલી ચિંતા કરી રહ્યાં છીએ? ભારતની નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) રમતની વિશાળતાને સમજવા માટે, આપણે તેની તુલના બેંકના નુકસાનનાં વૈશ્વિક ધોરણો સાથે કરવાની જરૂર છે. બેન્કિંગમાં કુલ એડવાન્સિસ અને ગ્રોસ એનપીએની ટકાવારીને નુકસાન કહેવામાં આવે છે.
આ ટકાવારી દર્શાવે છે કે કુલ બેંક લોનમાંથી કેટલા ટકા લોન ખરાબ થઈ શકે છે અને તેને NPA તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. IMF એ પારદર્શક અર્થતંત્રોની વ્યાખ્યા કરી છે, જ્યાં કુલ બેંક લોનના ૦.૫% થી ૨% વચ્ચે બેડ લોનનો હિસ્સો હોય છે. આ ટકાવારી ઘણાં અણધાર્યાં કારણોસર અનિવાર્ય લાગે છે.IMF દ્વારા વિવિધ દેશોના ઉપલબ્ધ બેંક પ્રદર્શન રેકોર્ડ (જે પાંચથી સાત વર્ષ જૂનાથી લઈને પંદર વર્ષથી વધુ જૂના છે) ના આધારે બનાવેલા સંકલનમાં દક્ષિણ કોરિયા, સ્કેન્ડિનેવિયન રાષ્ટ્રો અને કેનેડા ૦.૩% ની નીચે બેડ લોન દર્શાવે છે. એટલે કે, તેમની બેડ લોનની થોડી ટકાવારી ખરાબ થઈ છે.
સ્વિટ્ઝર્લેન્ડ, યુએસએ, ઑસ્ટ્રેલિયા અને હોંગકોંગમાં એનપીએ ૧.૦% થી નીચે છે, જ્યારે જર્મની અને જાપાનમાં ૧.૨૫% પર હતો. મોટા ભાગના યુરોપિયન દેશો ૨% થી નીચે હતા, પણ ઈટાલી ૨.૮ %ના શરમજનક સ્તર પર હતું, જ્યારે ચીનમાં ૧.૬૬%, મલેશિયા ૧.૭૨%, ઈન્ડોનેશિયા ૨.૧૫%, વિયેતનામ ૨.૩૨%, બ્રાઝિલ ૨.૬૪% અને થાઈલેન્ડમાં ૨.૮૪% હતા. આ ગેલેરીની નીચે ભારત લગભગ ૫% સાથે આફ્રિકાનાં બિમાર અર્થતંત્રોની હરોળમાં બિરાજમાન થાય છે. આ ગણતરી ૨૦૦૫થી ૨૦૨૨ વચ્ચેની છે. જો આપણે ૨૦૧૪થી ૨૦૨૪ની ગણતરી કરીએ તો ભારતમાં બેડ લોનની ટકાવારી લગભગ ૭.૮૫% પર પહોંચી ગઈ છે, જેને દુનિયાની સૌથી બીમાર સિસ્ટમ કહી શકાય તેમ છે.
નરેન્દ્ર મોદીના શાસનનાં આઠમા વર્ષ પછી, જેમ જેમ બિલાડી કોથળીમાંથી બહાર નીકળી રહી હતી તેમ NPAનું પ્રમાણ ઘટવા લાગ્યું હતું. આ બાબતમાં સંસદમાં અસંખ્ય આક્ષેપો અને વિસ્ફોટો થયા હતા અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય અને રોકાણ એજન્સીઓએ પણ શરમજનક પ્રશ્નો ઊભા કર્યા હતા. વળી કોઈ પણ રીતે ૨૦૨૨ સુધીમાં, જેમને બેન્કોને લૂંટવી હતી તેઓ પહેલેથી જ લૂંટીને ચાલ્યા ગયા હતા. તેમણે લંડન અને અન્ય સ્થળોએ મોંઘી હવેલીઓ ખરીદી લીધી હતી.
નાણાં રાજ્ય મંત્રીના નિવેદનમાં જણાવાયું છે કે ગ્રોસ એનપીએ ૨૦૧૭-૧૮માં રૂ. ૧૦.૩૫ લાખ કરોડની ઊંચી સપાટીથી ઘટીને ૨૦૨૩-૨૪માં રૂ. ૪.૭૫ લાખ કરોડ પર આવી ગઈ છે. જો આપણે મોદીના શાસનના પ્રથમ આઠ વર્ષથી પ્રથમ દસમાં જઈએ તો કુલ NPA ૭૨ લાખ કરોડની અકલ્પનીય ઊંચી સપાટીએ પહોંચે છે, જે કુલ આપવામાં આવેલી લોનના ૬.૫૩% છે. વિશ્વનો કોઈ પણ પ્રતિષ્ઠિત દેશ ભારતના આ રેકોર્ડની બરોબરી કરી શકે તેમ નથી. આ NPA અને રાઈટ-ઓફના સિંહફાળા માટે જવાબદાર છેતરપિંડી અને કોર્પોરેટ નુકસાન છે. કોર્પોરેટ સેક્ટરને લીધે આ કુલ રાઇટ-ઓફના રૂ. ૧૬.૧૧ લાખ કરોડમાંથી રૂ. ૯.૨૫ લાખ કરોડનો હિસ્સો ધરાવે છે. બેંક અધિકારીઓને રાજકારણીઓને લોન મેળવવામાં મદદ કરવા બદલ પુરસ્કાર આપવામાં આવે છે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસીએશનના ડેટાએ ખુલાસો કર્યો છે કે કેવી રીતે જાહેર ક્ષેત્રની બેંકોને અદાણી દ્વારા કબજે કર્યા બાદ નાણાંકીય રીતે તણાવગ્રસ્ત દસ કંપનીઓ પાસેથી તેમના રૂ. ૬૨,૦૦૦ કરોડ રૂપિયાના દાવા સામે રૂ. ૧૬,૦૦૦ કરોડમાં પતાવટ કરવામાં આવી હતી. આ કેસમાં બેંકોએ તેમના લેણાંના ૭૪% ગુમાવ્યા હતા. વેદાંતના અનિલ અગ્રવાલે તેના રૂ. ૪૬,૦૦૦ કરોડના બોજમાંથી માત્ર ૬% ચૂકવીને વિડિયોકોનને કેવી રીતે ખરીદ્યું અને એબીજી શિપયાર્ડને તેના રૂ. ૨૨,૮૦૦ કરોડના દેવાના ૫% પર કેવી રીતે કબજે કરવામાં આવ્યું તે ખૂબ જાણીતી વાત છે.
અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર ૫૩ બેંકોનું રૂ. ૪૯,૦૦૦ કરોડનું દેવું હતું, પરંતુ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે માત્ર રૂ. ૪૫૫ કરોડમાં પતાવટ કરી, જે કુલ દેવાંના માત્ર ૦.૯૨% છે. આ રીતે અનિલ અંબાણી દેવાંમુક્ત થઈ ગયા છે. ભારતમાં ૨૦૨૩-૨૪માં બેંક એડવાન્સ માટેના કામચલાઉ ડેટા મુજબ કુલ રૂ. ૧૭૧ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે. આ આંકડામાં ૧% વધારો અથવા ઘટાડો થાય એટલે રૂ. ૧.૭૧ લાખ કરોડ રૂપિયા થાય છે, જે ઘણાં રાજ્યોના વાર્ષિક બજેટ કરતાં પણ વધુ છે. હકીકત એ છે કે જે ભ્રષ્ટ શાસક વર્ગે બાંગ્લાદેશ અને માલદીવને લોહીલુહાણ કર્યા છે તે સમજાવે છે કે શા માટે તેમનો એનપીએ-ટુ-એડવાન્સ રેશિયો ખતરનાક ૯% ની આસપાસ નૃત્ય કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.