Columns

સાઈબર ઠગો દ્વારા ઠગાઈના નવા નવા નુસખાઓ શોધી કાઢવામાં આવ્યા છે

આપણી સરકાર બધાને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે પણ પ્રજામાં તે બાબતમાં પૂરતા શિક્ષણનો અભાવ હોવાથી લોકો કરોડો રૂપિયાની ઠગાઈનો ભોગ બની રહ્યાં છે. બીજી બાજુ સાઈબર ઠગો ટેકનોલોજીના ઉપયોગ બાબતમાં એટલા આગળ છે કે કોઈ પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને લૂંટવાના રસ્તાઓ તેઓ શોધી કાઢે છે. આવી કોઈ કુટિલ ટેકનોલોજી દ્વારા ઓનલાઈન પેમેન્ટ સ્વીકારનારા દુકાનદારો ઠગાઈનો ભોગ બની રહ્યા છે.

આ દુકાનદારોની નકલી પેમેન્ટ એપ દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે દુકાનદારોએ સાવચેત રહેવાની જરૂર છે. આ એપ્સ વાસ્તવિક પેમેન્ટ એપ્સની ચોક્કસ રીતે નકલ કરે છે, જેનો યુઝર ઈન્ટરફેસ, દેખાવ અને સમગ્ર પ્રક્રિયા વાસ્તવિક પેમેન્ટ એપ્સ જેવી જ છે. સામાન્ય રીતે દુકાનદાર પોતાના કામમાં મગ્ન હોય છે અને પેમેન્ટ મળ્યું તેવા વોઈસ મેસેજ દ્વારા તે ખાતરી કરી લેતો હોય છે કે તેના ખાતામાં પેમેન્ટ આવી ગયું છે. તેને પોતાનો મોબાઈલ ફોન ખોલીને મેસેજ કન્ફર્મ કરવાની ફુરસદ હોતી નથી. આ ફ્રોડ એપ્લિકેશનો ચૂકવણી કરવામાં આવી હોવાનો ખોટો સંકેત આપવા માટે ચૂકવણી પ્રાપ્ત થઈ ગઈ હોવાનો બનાવટી અવાજ પણ કરે છે. એટલું જ નહીં, આ નકલી એપ્સ મોબાઈલમાં નકલી પેમેન્ટની માહિતી પણ બતાવી શકે છે, જે પહેલી નજરમાં અસલી જેવી જ લાગે છે. દુકાનદાર તેના પર ભરોસો મૂકીને છેતરાય છે.

કેટલાક સાઈબર ઠગો દ્વારા Phone Pe નામની એપનો ઉપયોગ કરતાં દુકાનદારોને ઠગવા માટે તેના અવાજની નકલ કરતી મોબાઈલ એપ વિકસાવી કાઢી છે. તેમાં ગ્રાહક દ્વારા કોઈ પણ પેમેન્ટ કર્યું ન હોવા છતાં ગ્રાહકના મોબાઈલમાં વોઈસ મેસેજ વાગે છે કે આટલા રૂપિયાનું પેમેન્ટ મળી ગયું છે. આ કૌભાંડની જાણ થતાં Phone Pe ના સાયબર સેફ્ટી એક્સપર્ટ્સે નકલી પેમેન્ટ એપ સ્કેમ્સથી બચવા માટે દુકાનદારોને કેટલીક મહત્ત્વપૂર્ણ ટીપ્સ આપી છે. દુકાનદારોએ તેમના ધંધાને સુરક્ષિત રાખવા માટે સાવચેત રહેવું જોઈએ. તેઓએ તેમની પેમેન્ટ એપ અથવા બેંક એકાઉન્ટમાંથી દરેક વ્યવહારની વિગતોને સારી રીતે મેચ કરીને તપાસવી જોઈએ.

ઓનલાઈન શોપિંગની સવલત આપતી કંપની મિંત્રા (Myntra) પણ કરોડોની છેતરપિંડીનો શિકાર બની છે. જયપુરની એક ગેંગે કંપનીની રિફંડ સિસ્ટમનો લાભ લીધો હતો. માર્ચ અને જૂન વચ્ચે મિંત્રાને એકલા બેંગલુરુમાં ૧.૧ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. દેશભરમાં આ નુકસાન ૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. છેતરપિંડી કરનારાઓએ બ્રાન્ડેડ શૂઝ, કપડાં, બેગ, કોસ્મેટિક્સ, ઘડિયાળો અને ઘરેણાં જેવી મોંઘી વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી પછી, તેઓએ ફરિયાદો નોંધાવી કે માલ ઓછા જથ્થામાં મળ્યો છે, ખરાબ પ્રાપ્ત થયો છે અથવા બિલકુલ પ્રાપ્ત થયો નથી. આ પછી તેણે રિફંડની માંગણી કરી. Myntraની એપમાં જ ફરિયાદ નોંધાવવાની સુવિધાનો ગેરલાભ લઈને સાયબર ઠગોએ કંપની સાથે છેતરપિંડી કરી હતી.

મિંત્રાએ બેંગલુરુ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, કંપનીને અંદાજે ૫,૫૨૯ નકલી ઓર્ડર દ્વારા નુકસાન થયું હતું. આ ઓર્ડર્સ બેંગલુરુમાં અલગ અલગ સરનામે પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ બોગસ ફરિયાદોના આધારે રિફંડ ક્લેઇમ કરવામાં આવ્યું હતું. આ રિફંડ અલગ અલગ ઠગોનાં બેંક ખાતાંઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીને દેશભરમાં અંદાજે રૂ. ૫૦ કરોડનું નુકસાન થયું છે. બેંગલુરુ પોલીસે મિંત્રાને માત્ર શહેરમાં થયેલી ડિલિવરી સંબંધિત કેસોમાં જ ફરિયાદ દાખલ કરવાની સલાહ આપી હતી.

છેતરપિંડી કરનારાઓ Myntraની એપ અથવા પોર્ટલ દ્વારા જથ્થાબંધ ઓર્ડર આપતા હતા. ચુકવણી ઓનલાઈન અથવા કેશ-ઓન-ડિલિવરી દ્વારા કરવામાં આવી હતી. એક વાર તેઓને પાર્સલ મળ્યા બાદ તેઓ Myntraની એપ પર જ ફરિયાદ નોંધાવે છે. ક્યારેક ઓછા માલ મળવાની તો ક્યારેક નકલી કે ખોટો માલ મળવાની ફરિયાદો કરી હતી. ઘણી વખત એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે માલ મળ્યો નથી. ધારો કે કોઈએ ૧૦ જોડી બ્રાન્ડેડ શૂઝનો ઓર્ડર આપ્યો હોય તો પાર્સલ મળ્યા પછી તે ફરિયાદ કરશે કે તેને ફક્ત ૫ જોડી મળી છે.

બાકીની ૫ જોડી માટે તેઓ રિફંડ માગે છે. તેવી જ રીતે કપડાંની સાઈઝ કે કલર અંગે પણ ફરિયાદો કરવામાં આવી હતી અને રિફંડની માંગણી કરવામાં આવી હતી. જો કોઈએ ૧૦ જોડી બ્રાન્ડેડ શૂઝનો ઓર્ડર આપ્યો અને પાર્સલ મેળવ્યું, તો તેઓ માત્ર ૫ જોડી મળ્યા હોવાનો દાવો કરશે. પછી બાકીના ૫ માટે રિફંડ માગશે. આ છેતરપિંડી પાછળ રાજસ્થાનના જયપુરની એક ગેંગનો હાથ છે. મોટા ભાગના નકલી ઓર્ડર જયપુરથી જ આપવામાં આવ્યા હતા. ડિલિવરીનું સરનામું બેંગલુરુ અને અન્ય મોટાં શહેરોમાં આપવામાં આવ્યું હતું. આ રીતે કેટલીક કંપનીઓ દ્વારા ગ્રાહકોની સુવિધા માટે બનાવેલા ઉદાર નિયમો ઓનલાઈન શોપિંગની સવલત આપતી કંપનીઓ માટે મુશ્કેલીરૂપ બની ગયા છે.

રાજસ્થાનમાં ઓનલાઈન ટ્રેડિંગના નામે ૫૦૦ ટકા નફો કમાવાનું વચન આપીને ફરિયાદીને આશરે રૂ. ૯.૪૦ લાખની છેતરપિંડી કરવાના કેસમાં ગુજરાતના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઠગાઈની મોડસ ઓપરેન્ડી મુજબ આરોપી એક કંપની બનાવે છે અને બેંક ખાતું ખોલાવે છે અને પછી કમિશન પર સાયબર ફ્રોડ દ્વારા પૈસા મેળવે છે. રાજસ્થાનના પીપલકી માનપુર ગામના રહેવાસી માનસિંહે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો કે તે ફેસબુક પર એક જાહેરાત જોઈ રહ્યો હતો, જેમાં સંપત્તિ રહસ્ય યોજના હેઠળ ૫૦૦ ટકા આવકના નામે એક જાહેરાત આવી રહી હતી. માનસિંહને LIKPIPO EA નામની એપ પર એકાઉન્ટ બનાવવાનું કહેવામાં આવ્યું હતું.

ત્યાર બાદ તેને એપ પર ટ્રેડિંગ માટે પૈસા જમા કરવા માટે એકાઉન્ટ નંબર પણ જણાવવામાં આવ્યો હતો. તેણે તેના બેન્ક ખાતાંઓમાં ૮ વખત કુલ રૂ. ૯.૪૦ લાખ જમા કરાવ્યા હતા. માનસિંહ ઠગાઈનો શિકાર બન્યા પછી તેણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેની સાથેની ઠગાઈનું વર્ણન કર્યું હતું. પોલીસે સ્પેશ્યલ ટીમ બનાવી ટેક્નિકલ આધારો પર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. છેતરપિંડી કરનારની ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ગુજરાતના જામનગરથી ધરપકડ કરવામાં આવી હતી. આ જ કેસમાં અગાઉ પણ એક આરોપી પવન નાયકની રાજસ્થાનના ગંગાનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે.

સાયબર ઠગોએ બિહારના પૂર્વ સિંઘભૂમ જિલ્લાના મૌભંદર વિસ્તારમાં એક નિવૃત્ત કર્મચારીની ડિજિટલી ધરપકડ કરીને તેની સાથે ૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. સાયબર ઠગની દાદાગીરીથી ગભરાઈ ગયેલા વૃદ્ધે એફડી તોડી નાખીને પૈસા ટ્રાન્સફર કરવા માટેના ચેકના ફોર્મ પર સહી કરી બેંકને આપી દીધી હતી, પરંતુ આ દરમિયાન બેંક મેનેજરને શંકા ગઈ હતી, જેના કારણે વૃદ્ધ વ્યક્તિ છેતરપિંડીનો શિકાર બનતાં બચી ગઈ હતી. વૃદ્ધ પીડિતાએ જણાવ્યું કે ૧૬ ડિસેમ્બરની સવારે તેને તેના મોબાઈલ પર એક મહિલાનો વિડિયો કોલ આવ્યો.

મહિલાએ કહ્યું કે હું મુંબઈ CBI પોલીસ સ્ટેશનથી ACP ફોન કરું છું. તમારા ફોન પરથી એક મહિલાને ખોટો મેસેજ મોકલવામાં આવ્યો છે. અન્ય કોઈએ સાયબર છેતરપિંડી કરીને તમારા બેંક ખાતાંમાં પૈસા મોકલ્યા છે. આ ગુના માટે તમારી ધરપકડ થઈ શકે છે. તેથી, તમારે ઉક્ત રકમ પરત કરવી જોઈએ. મહિલાએ કહ્યું કે તમે તાત્કાલિક તમારા ખાતાંમાંથી પૈસા ટ્રાન્સફર કરી લો. જ્યારે વૃદ્ધે બેંકમાં જઈને રકમ ટ્રાન્સફર કરવા માટે ચેક આપ્યો, ત્યારે બેંક મેનેજરને ગંધ આવી ગઈ કે કંઈક ખોટું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેણે બેંક મેનેજરને માત્ર એટલું જ કહ્યું હતું કે તે મુશ્કેલીમાં છે. આ પછી બેંક મેનેજરે ડહાપણ બતાવીને પેમેન્ટ અટકાવી દીધું હતું.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top