National

દિલ્હી હાઈકોર્ટથી પૂજા ખેડકરને મોટો ફટકો, આગોતરા જામીન આપવાનો ઈન્કાર

દિલ્હી હાઈકોર્ટે સોમવારે પૂર્વ IAS પ્રોબેશનર પૂજા ખેડકરને મોટો ઝટકો આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે પૂજાને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ભૂતપૂર્વ IAS પ્રોબેશનર વિરુદ્ધ સિવિલ સર્વિસ પરીક્ષામાં કથિત છેતરપિંડી અને OBC-વિકલાંગતા ક્વોટાનો ખોટી રીતે લાભ લેવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા પૂજા ખેડકર વિરુદ્ધ ગુનાહિત આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસે તેના પર સિવિલ સર્વિસ પરીક્ષામાં છેતરપિંડી કરવાનો અને OBC અને ડિસેબિલિટી ક્વોટાના લાભનો ગેરકાયદેસર દાવો કરવાનો આરોપ મૂક્યો છે.

જસ્ટિસ ચંદર ધારી સિંહની બેંચે 27 નવેમ્બર, 2024ના રોજ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. દરમિયાન કોર્ટે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ખેડકરને આપવામાં આવેલ વચગાળાનું રક્ષણ લંબાવ્યું છે. ખેડકરે એડવોકેટ બીના માધવન મારફત જણાવ્યું હતું કે તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે અને રજૂઆત કરી હતી કે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી નથી.

જો કે દિલ્હી પોલીસે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ સંજીવ ભંડારી દ્વારા કોર્ટને માહિતી આપી હતી કે તપાસ ચાલી રહી છે અને મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે કસ્ટોડિયલ પૂછપરછની જરૂર પડી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ષડયંત્રના કેટલાક પાસાઓ પણ સ્થાપિત થવાના બાકી છે.

પૂજાએ પુણેની શ્રીમતી કાશીબાઈ નવલે મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી. બાદમાં 2021માં UPSC CSE પરીક્ષા 841મા રેન્ક સાથે પાસ કરી. તાલીમ પછી તેમને આ વર્ષે જૂન 2024 માં પુણે કલેક્ટર ઓફિસમાં તેમની પ્રથમ નિમણૂક મળી. જો કે તેમની પ્રથમ નિમણૂકમાં તાલીમ દરમિયાન તેમની તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન તેમની બદલી કરવામાં આવી હતી. પૂજા પર ઓફિસમાં જોડાતા પહેલા જ ગેરવાજબી માંગણી કરવાનો આરોપ છે. આ અંગે કલેકટર કચેરીના અનેક અધિકારીઓએ કલેકટરને લેખિત ફરિયાદ કરી છે. જે બાદ પુણેના ડીએમ સુહાસ દીવસે મુખ્ય સચિવને ફરિયાદ કરી હતી.

પૂજા પર આરોપો

  • પૂજા ખેડકર પર આરોપ છે કે ટ્રેનિંગ પીરિયડ દરમિયાન તેણે ઓફિસમાં સરકારી આવાસ, સ્ટાફ, કાર અને અલગ કેબિનની માંગણી કરી હતી.
  • પોતાની અંગત ઓડી કાર પર લાલ-વાદળી લાઇટ અને મહારાષ્ટ્ર સરકારનો લોગો લગાવ્યો.
  • તેણે ચોરીના આરોપમાં ધરપકડ કરાયેલા ટ્રાન્સપોર્ટરને છોડવા માટે DCP રેન્કના અધિકારી પર દબાણ કર્યું.
  • IAS બનવા માટે તેણે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો અને UPSC ફોર્મમાં પોતાને OBC નોન-ક્રિમી લેયર તરીકે જાહેર કર્યો.
  • પૂજા અમીર પરિવારમાંથી છે. તે પોતે લગભગ 17 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.
  • પૂજાએ ડિસેબિલિટી કેટેગરી હેઠળ UPSC અરજી ફોર્મ ભર્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે 40 ટકા દૃષ્ટિહીન હતી અને કેટલીક માનસિક બીમારીથી પીડિત હતી. જો કે તે મેડિકલ દરમિયાન દર વખતે હાજરી આપતી ન હતી.
  • પૂજા પર એમબીબીએસ કોલેજમાં એડમિશન વખતે પણ ખોટા દસ્તાવેજો બનાવવાનો આરોપ છે.

Most Popular

To Top