Charchapatra

સ્ત્રી સશક્તિકરણ આવકાર્ય છે, સ્ત્રીની પરપીડનવૃતિ નિંદનીય છે

બેંગ્લોરના એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી, એ મુદ્દો હમણાં ચર્ચામાં છે. આવી ઘટનાઓ આધુનિક જમાનાની દેન છે.  જુના જમાનામાં કોઈ પતિએ પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોય એવું સાંભળ્યું, જાણ્યું નથી. પતિના ત્રાસથી પત્ની આત્મહત્યા કરે એ અત્યાર સુધી સ્વાભાવિક લાગતું પણ પત્નીના ત્રાસથી પતિ આત્મહત્યા કરે એ બદલાયેલા જમાનાની તાસીર છે. સ્ત્રી સ્વાતંત્ર્યનું અત્યારે જે બ્યુગલ ફૂંકાયું છે એ પણ આધુનિક જમાનાની દેન છે.

હજારો વર્ષથી દબાયેલી સ્ત્રી સ્વતંત્રતાની સ્પ્રિંગ હવે ઉછળીને બહાર આવી છે. અતુલ સુભાષની આત્મહત્યાનાં મૂળિયાં ક્યાંક આવી બાબતોમાં રહેલાં છે. આજકાલ તો એવું પણ બને છે કે કોઈ સ્ત્રી અને પુરુષ પરસ્પરની સંમતિથી “સહવાસ” માણે અને અમુક સમય પછી એ સહવાસમાંથી સ્વાર્થ સિદ્ધ ન થાય તો એ “બળાત્કાર”માં પરિવર્તિત થઈ જતો હોય છે. એ સાચું કે સ્ત્રીઓએ ભૂતકાળમાં વેઠેલાં દુઃખ, દર્દ, પીડા અને ત્રાસને કારણે સ્ત્રીઓને વધુ કાયદાકીય રક્ષાકવચ મળે એ વાજબી પણ છે અને સ્ત્રીઓ એના માટે હકદાર પણ છે,  પરંતુ એ રક્ષાકવચ જ્યારે બીજાના માટે રંજાડનું શસ્ત્ર બની જાય એ ઉચિત નથી.

આપણે ત્યાં લગ્નના બંધનથી બંધાવું જેટલું સરળ છે એટલું છુટાછેડા લઈને છુટાં પડવું સરળ નથી. ક્યાંક તો પતિ-પત્નીને ઝટ છુટાં પડવું હોય તો ત્યાં પણ કાયદો “આડે” આવતો હોય છે.  પતિએ પત્નીને ભરણપોષણ ચૂકવ્યું એવા સમાચાર વાંચવા સાંભળવામાં આવશે પણ પત્નીએ પતિને ભરણપોષણ ચૂકવ્યું હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. કાયદો હંમેશા માણસના રક્ષક તરીકે હોવો જોઈએ પરંતુ એ જ કાયદો જ્યારે ભક્ષકની ભૂમિકામાં આવી જાય ત્યારે આત્મહત્યા જેવી ઘટનાઓ બનતી હોય છે.
સુરત     – પ્રેમ સુમેસરા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top