ગતિવાળા ચક્રને થંભાવવા પડે, ચાલુ હોય તેને રોકવા એટલે કે કોઈ પણ વાહન કે ચક્રો અથવા યંત્રોની ગતિ થંભાવી દેવા માટેની કળ એટલે બ્રેક. સમયાનુસાર બ્રેક મારવી જોઈએ. ક્યાં અને ક્યારે બ્રેક મારવી એ વિષે જાગ્રત રહેવું જોઈએ. દરેક કાર્ય વચ્ચે પણ બ્રેક લગાડવી સમજદારી છે. આજે વાત કરવી છે, વિચારોની બ્રેકની. માનવ મન ચંચળ છે, જે પળમાં જ ક્યાંનું ક્યાં પહોંચી જાય એ નક્કી નથી. કોઈ તણાવ હોય ત્યારે આપણે સૌ વિચારે ચઢી જઈએ છીએ. કેટલાક સંજોગોમાં તો આપણે ક્યાં છીએ એ ખ્યાલ પણ રહેતો નથી. વાહન હંકારતા હોય ત્યારે બાજુમાંથી વાહન પસાર થઈ જાય પછી જાગીએ એવું પણ બને. લખવાના, વાંચવા માટે વિચારતા હોઈએ અને કોઈ સંબંધી આવી જાય અથવા સ્વાસ્થ્ય નબળું લાગે તો વિચારને બ્રેક મારવી પડે છે. કોઈને સલાહસૂચન કરવા પહેલાં પણ વિચારને બ્રેક લગાવી, તેના પરિણામ વિશે જાણીએ તો સારું. સમય અને સંજોગોને આધિન વિચારોને બ્રેક મારવાથી મનને શાંતિ મળી શકે છે. જો કે આજનું કામ આજે જ કરવાથી સફળતાની શક્યતા વધી જાય છે. વિચારોની વધુ પડતી ગતિનું પ્રમાણભાન રાખવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવી શકાય છે.
નવસારી – કિશોર આર. ટંડેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભીખ આપવી જોઈએ?
ઈન્દોરમાં ભીખ આપવા પર દંડનો કાયદો અમલમાં આવી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ લગભગ બધાના જ મનમાં થાય કે શું ભિખારીઓને ભીખ આપવી જોઈએ? આમ તો માનવતાની દૃષ્ટિએ અને જેઓ દયા – દાન – ધર્મમાં માનતા હોય તેમનો જવાબ હા જ હોય. એવાંય કેટલાંક લોકો હોય છે જેમને પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં તકલીફ પડતી હોવા છતાં અડધામાંથી અડધો રોટલો આપવાની સદ્દવૃત્તિ હોવાથી તેઓ દયા દાન કરતા રહે છે. “ભિખારીઓનો દેશ” એવી ભારતની ઓળખ વિદેશીઓમાં એમ જ તો ઊભી ન થઈ હશે ને! કેટલાક ભિખારીઓ તો લોકોની ધાર્મિકતા, લાગણીની સાથે રમત રમીને, નફ્ફટાઈની હદ વટાવીને ત્રાસ પણ આપતા જોવા મળે છે.
સામાન્યતઃ અનિવાર્ય સંજોગો અને મજબૂરીવશ ભીખ માંગવાની શરૂઆત થતી હોય છે. પરંતુ આ જ કારણોસર ભીખ માંગનાર ખૂબ ઓછાં રહી જાય છે, જ્યારે ભીખને ધંધો બનાવનારની સંખ્યા વધુ બની જાય છે. અમુક જગ્યાએ ભીખ માંગવા માટેના ભાવ બોલાય છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટે ભાગે ભિખારીઓ મળેલી ભીખના પૈસાનો દારૂ, જુગાર અને અન્ય રીતે દુરુપયોગ કરે છે. પરોપજીવી બની જવાથી એમના સમય અને શક્તિનો ઉપયોગ બીજી અનેક બદીઓ સમાજમાં ઉત્પન્ન કરે છે. કેટલાક તો લાખોપતિ ભિખારી હોવાના દાખલા પણ સામે આવ્યા છે. એટલું જ નહીં પણ નાનાં બાળકોને અપંગ બનાવીને પણ ભીખનો ધંધો કરાવાય છે. આવા તો બીજાં અનેક દૂષણો અને મુશ્કેલીઓ ઊભાં થયેલાં જોવા મળે છે ત્યારે ઈન્દોરમાં જે કાયદો અમલમાં આવી રહ્યો છે તે યોગ્ય છે.
સુરત – મિતેશ પારેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.