Columns

સરખામણી ન કરો

ધોરણ દસના રિઝલ્ટનો દિવસ હતો.માત્ર વિદ્યાર્થીઓ જ નહિ તેમના માતા પિતા પણ સવારથી ચિંતામાં હતાં કે શું રીઝલ્ટ આવશે? સારા ટકા આવશે કે નહિ? આવશે તો ગમતી કોલેજમાં એડમિશન મળશે કે નહિ?હોશિયાર છોકરાને ધારેલા માર્ક આવશે કે નહિ તેનું ટેન્શન અને ભણવામાં નબળાં છોકરાંઓને પાસ થવાશે કે નહિ તેનું ટેન્શન.ચારે બાજુ ટેન્શનનો માહોલ હતો. રીઝલ્ટ આવ્યું અને જુદાં જુદાં દૃશ્યો સર્જાયાં.શાળામાં દર વર્ષે પ્રથમ આવતી છોકરી અનીષાને ૯૨ ટકા આવ્યા અને તે શાળામાં પહેલી નહિ પણ ત્રીજી આવી.૯૨% આવ્યા છતાં તે ખુશ ન હતી, રડી રહી હતી.

કારણ તે પહેલી આવી ન હતી. દર વર્ષે પાંચમો છઠ્ઠો આવતો પ્રિયાંશ ૯૪% સાથે શાળામાં પ્રથમ આવ્યો હતો.તેનો અને તેનાં માતા પિતાની ખુશીનો કોઈ પાર ન હતો. અમુક નાપાસ થવાનો ડર ધરાવતાં વિદ્યાર્થીઓ પાસ થઇ ગયાં હતાં અને ખુશીથી નાચી ઊઠ્યાં હતાં.અમુક વિદ્યાર્થીઓ બહુ ઓછા માર્ક આવ્યા તેને લીધે માતા પિતાના ગુસ્સાનો સામનો કરી રહ્યાં હતાં.અમુક વિદ્યાર્થીઓ ૮૦%/૮૫% આવવા છતાં નાખુશ હતા અને અમુક ૭૦%\૭૫% ટકામાં પણ ખુશ હતાં.

શાળાના પ્યુનના દીકરાને ૬૫% આવ્યા હતા પણ પ્યુન અને તેના ઘરના દીકરાને પ્રેમથી વધાવી રહ્યા હતા.કારણ તેમના ઘરમાં પહેલી વાર કોઈને ફર્સ્ટ ક્લાસ માર્ક્સ મળ્યા હતા. મેઘનાને ૮૭% માર્ક હતા છતાં તેની મમ્મી તેને ધમકાવી રહી હતી કે આટલા ટ્યુશન રાખ્યા છતાં તને ૯૦% કેમ ન આવ્યા…..૮૭% કંઈ ઓછા ન હતા..પણ ૯૦%માં ત્રણ ટકા ઓછા હતા તેનો મમ્મીને ગુસ્સો આવી રહ્યો હતો. 

શાળાના  પ્રિન્સિપાલે સરસ વાત કરી, ‘સૌ પ્રથમ પાસ થનાર મારા દરેક વિદ્યાર્થીને અભિનંદન અને નાપાસ થનાર વિદ્યાર્થીઓને ખાસ તાકીદ કે જીવન કિંમતી છે. કોઈ આડું અવળું ખોટું પગલું ભરતાં નહિ…શું ભૂલ થઈ તે જોઈ સુધાર કરજો અને આવતે વર્ષે પાસ થઇ જજો.શાળા તમારી સાથે જ છે અને હવે ખાસ વાત બધા વિદ્યાર્થીઓનાં માતા પિતા માટે.દરેક બાળક ખાસ છે.તમારા બાળકને જે માર્ક આવ્યા હોય તેનો સ્વીકાર કરજો તેની સરખામણી કોઈ અન્ય બાળક જોડે નહિ કરતા.બધાં વિદ્યાર્થીઓ સુરજ ચાંદ અને તારા સમાન છે. જેઓ પોતપોતાના સમય પર ચમકશે તે યાદ રાખજો.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top