Comments

બાઈડેન જતાં જતાં મધ્ય પૂર્વમાં શાંતિ બહાલ કરાવી શકશે?

એક સમાચાર મુજબ અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જેક સૂલીવાન અને સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની બ્લિન્કેન છેલ્લે છેલ્લે ગાઝાપટ્ટીમાં યુદ્ધવિરામ થાય અને ઇઝરાયલનો નરસંહાર બંધ થાય તે માટે પ્રયત્નશીલ છે. આ દિશામાં કતાર દ્વારા મધ્યસ્થી ફરીથી ચાલુ કરવામાં આવી છે, જેની સાથે બીજા દેશો પણ જોડાયા છે. બૉમ્બમારો અટકે તેમજ બંને પક્ષે કેદ કરાયેલા યુદ્ધકેદીઓ એકબીજાને પરત સોંપાય તે મુદ્દે અત્યારે સતત કામગીરી ચાલી રહી છે.

આ સમાચારથી પહેલો પ્રશ્ન એ થાય કે બાઇડેનને જતાં જતાં આમ કરવાનું કેમ સૂઝ્યું હશે? પરિસ્થિતિમાં એવો કયો બદલાવ આવ્યો છે કે આ પ્રકારની ચર્ચાઓ આગળ વધે? અને આ પ્રકારનો યુદ્ધવિરામ તેમજ યુદ્ધસૈન્યોની વાપસી શક્ય છે? નેગોસિએટર્સને મંત્રણાના ટેબલ સુધી ખેંચી લાવવામાં કયાં પરિબળો કારણભૂત છે? અને આ પ્રકારની મંત્રણાઓ કોઈ પરિણામ લાવી શકાશે? એથી પણ વધુ અગત્યનો પ્રશ્ન એ છે કે, બાઇડેનને મોડા મોડા પણ આવું કેમ સૂઝ્યું?

આ અંગે વધુ વિચારીએ તો એક તર્ક એવો મળે છે કે, થોડા સમય પહેલાં ઇઝરાયલે હિઝબુલ્લા સાથે શાંતિકરાર કર્યો. હવે એ કદાચ ગાઝા માટે પણ શાંતિકરાર માટે તૈયાર થયું છે અને પોતાના મેન્ટર અમેરિકાને કામે લગાડ્યું તે પાછળનું કારણ એ પણ છે કે, ગાઝામાં ફસાયેલા ઇઝરાયલના બંધકોને મુક્ત કરાવવા માટેની લાગણી અને માગણી ઇઝરાયલમાં તીવ્ર થતી જાય છે. એનો તાપ એટલો વધી રહ્યો છે કે, ઘરઆંગણે નેતન્યાહુ માટે પરિસ્થિતિ વધારે ને વધારે મુશ્કેલ બની રહી છે.

આ કરારમાં ઇઝરાયલ તેમજ ગાઝા (હમાસ) બંનેના યુદ્ધકેદીઓ એકબીજાને પરત કરવાની પણ દરખાસ્ત છે અને આ કારણથી ઇઝરાયલે બાઇડેન એડમિનિસ્ટ્રેશન ઉપર દબાણ આપ્યું હોય તે શક્ય જણાય છે. આ ચર્ચાઓમાં કતારની સાથે સાથે ઇજિપ્ત પણ ભાગ લઈ રહ્યું છે. યુદ્ધકેદીઓને છોડાવવામાં જે વિલંબ થઈ રહ્યો છે તેને કારણે ઇઝરાયલમાં આંતરિક રીતે નેતન્યાહુ સામે વિરોધ થઈ રહ્યો છે. વિરોધ કરી રહેલા ઇઝરાયલી નાગરિકોએ તેમના વડા પ્રધાનને નવું નામ આપ્યું છે: ‘મિસ્ટર સેક્રીફાઇસ’. તેમનો સ્પષ્ટ આક્ષેપ છે કે, એક યા બીજી રીતે પોતાનાં હિતો જાળવી રાખવા માટે નેતન્યાહુ શાંતિમંત્રણાઓ સફળ થવા દેતા નથી અને પોતાના દેશના આ બંધકોને અંગત સ્વાર્થ માટે અથવા પોતાના અહંકારને સંતોષવા બલિ ચઢાવી દેવા માગે છે. નેતન્યાહુની સ૨કા૨ ગાઝામાં યુદ્ધને સમાપ્ત કરવા માટે ઘરઆંગણે ભયંકર દબાણ અને વિરોધનો સામનો કરી રહી છે. ઇઝરાયલ જે પ્રકારે નરસંહાર કરી રહ્યું છે તે સામે વિશ્વભરમાં પણ વિરોધ અને ઘૃણા વધતાં ચાલ્યાં છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ પણ ઇઝરાયલને આમાંથી પાછા વળવા માટે એક કરતાં વધુ વાર કહ્યું છે અને ઠરાવ પણ પસાર કર્યો છે.

અનેક વખત આ પ્રકારની શાંતિવાર્તાને તોડી નાખવા માટે દેખીતી રીતે ઇઝરાયલ જવાબદાર હોય એવો અભિપ્રાય ઊભો થયો છે ત્યારે આપણે એ વાસ્તવિકતા ભૂલવી ન જોઈએ કે અમેરિકાની મરજી વિરુદ્ધ ઇઝરાયલનું ગજું નથી કે એ ચૂં કે ચાં કરી શકે. નરસંહાર ગાઝામાં હોય, લેબેનોનમાં હોય કે હવે સિરિયામાં, જ્યાં સુધી ઇઝરાયલની પાછળ અમેરિકા ઊભું છે ત્યાં સુધી ઇઝરાયલને કોઈ બીક નથી.

સિવાય કે જતાં જતાં બાઇડેનને ઇતિહાસમાં પોતાનું નામ લખાવવું હોય તો હિઝબુલ્લાની માફક ગાઝામાં પણ યુદ્ધવિરામ થઈ જશે, નહીં તો બાઇડેન સળગતું લાકડું ઘાસની ગંજી ઉપર બેઠેલા તોફાની વાંદરા ટ્રમ્પને પકડાવીને જશે, જેના માટે કોઈ પણ ભવિષ્યવાણી શક્ય નથી. ટ્રમ્પ એક જ કારણસર આ સંધિ કરાવી શકે અને તે બાઇડેનને ભૂંડો દેખાડવા માટે. ખેર, ડેમોક્રેટિક પાર્ટી આ ચૂંટણી બાઇડેનની નિર્માલ્યતાને કારણે હાર્યું છે એટલે ઇતિહાસ તો એને ભૂંડો ચિતરવાનો જ છે. કદાચ ટ્રમ્પ એમાં નિમિત્ત બને તો નવાઈ નહીં.
ડૉ. જયનારાયણ વ્યાસ            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top