Editorial

યુગાન્ડામાં ડીંગા ડીંગા વાયરસમાં દર્દી નાચવા લાગે છે જે હવે તબીબો માટે નવો પડકાર

કોઇ વ્યક્તિ કામ કરતી હોય કે પછી ઘરે સોફા પર બેસીને ટીવી જોતી હોય કે પછી બેડ પર આરામ કરતી હોય કોઇ બુક વાંચતી હોય તેમ કરતાં અચાનક જ નાચવા લાગે તો ભારતમાં એવું કહેવામાં આવે છે કે છટકી ગયું છે. આ વાત આમતો કાલ્પનિક છે પરંતુ આફ્રિકાના યુગાન્ડામાં આવું અનેક લોકો સાથે થઇ રહ્યું છે અને તે કોઇ ગાંડપણ નથી પરંતુ બિમારી છે. ડીંગા ડીંગા નામના વાયરસના કારણે આમ થઇ રહ્યું છે. જો કે, આ વાયરસ એટલો ઘાતક નથી પરંતુ દર્દીની જે હરકત હોય છે તેણે તમામ તબીબો અને વૈજ્ઞાનિકોને હાલમાં તો અચરજમાં મુકી દીધા છે.

આફ્રિકન દેશ યુગાન્ડામાં 300થી વધુ લોકો ડિંગા-ડિંગા વાઇરસથી સંક્રમિત થયા છે, જેમાં મોટા ભાગની મહિલાઓ અને છોકરીઓ છે. આ રહસ્યમય રોગની સૌથી વધુ અસર યુગાન્ડાના બુંદીબાગ્યો જિલ્લામાં જોવા મળી છે. ન્યૂઝ એજન્સી મોનિટરના જણાવ્યા અનુસાર, જ્યારે દર્દી આ વાઇરસથી સંક્રમિત થાય છે ત્યારે તેના શરીરમાં તીવ્ર કંપન શરૂ થાય છે. આ ધ્રુજારી એટલી તીવ્ર હોય છે કે એવું લાગે છે કે દર્દી ડાન્સ કરી રહ્યો છે. જો ચેપ ગંભીર હોય તો દર્દીને લકવો પણ થઈ શકે છે. બુંદીબાગ્યો જિલ્લા આરોગ્ય અધિકારી કિયિતા ક્રિસ્ટોફરના જણાવ્યા અનુસાર, આ વાઇરસ પહેલીવાર 2023માં જોવા મળ્યો હતો.

ત્યારથી યુગાન્ડાની સરકાર તેની તપાસ કરી રહી છે. યુગાન્ડાના સ્વાસ્થ્ય વિભાગે હજુ સુધી ડિંગા-ડિંગા વાઇરસના કારણે મૃત્યુ અંગે કોઈ માહિતી આપી નથી. વિભાગે લોકોને સમયસર દવાઓ લેવાની સલાહ આપી છે. જે લોકોને ચેપ લાગ્યો છે તેમને બુંદીબાગીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, અત્યારસુધી આ બીમારીને રોકવા માટે કોઈ રસી નથી. આરોગ્ય અધિકારી કિયિતાના જણાવ્યા અનુસાર, સંક્રમિત લોકોને એન્ટીબાયોટિક્સ આપીને સારવાર આપવામાં આવી રહી છે.

આમાંથી સાજા થવામાં લગભગ એક સપ્તાહનો સમય લાગી રહ્યો છે. કિયિતાએ હર્બલ દવાઓને વાઇરસની સારવારમાં બિનઅસરકારક ગણાવી છે અને લોકોને પરીક્ષણ અને સારવાર માટે હોસ્પિટલમાં આવવા કહ્યું છે. કિયિતાએ કહ્યું, આ રોગથી બચવા માટે આરોગ્ય વિભાગે લોકોને સ્વચ્છ રહેવાની સલાહ આપી છે. તેમને કોઈપણ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ડો. કિયિતાએ કહ્યું હતું કે બુંદીબુગ્યો સિવાય અન્ય કોઈ જિલ્લામાં વાઇરસનો કોઈ કેસ જોવા મળ્યો નથી. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમને અનેક શંકાસ્પદ લોકોના સેમ્પલ મોકલ્યાં છે. આ સેમ્પલોની તપાસ હજુ બાકી છે. આ રોગની તુલના ફ્રાન્સમાં 1518માં ફેલાયેલી ‘ડાન્સિંગ પ્લેગ’ સાથે કરવામાં આવી રહી છે. લોકો આ રોગથી સંક્રમિત થઈ ગયા અને ઘણા દિવસો સુધી ધ્રૂજતા હતા.

સતત ધ્રુજારીને કારણે ઘણી વખત લોકો થાકને કારણે મૃત્યુ પણ પામ્યા હતા. યુગાન્ડામાં ફેલાતા આ રોગને હજુ સુધી વૈજ્ઞાનિક નામ આપ્યું નથી. ન્યૂઝ એજન્સી મોનિટર અનુસાર, ત્યાંના લોકો આ વાઇરસને સામાન્ય ભાષામાં ‘ડિંગા-ડિંગા’ કહે છે, જેનો અર્થ થાય છે ‘નૃત્યની જેમ મજબૂત ધ્રુજારી’. વાઇરસમાંથી સાજા થયેલા 18 વર્ષના દર્દી પેશન્સ કટુસીમે ન્યૂઝ એજન્સી મોનિટરને જણાવ્યું હતું કે લકવાગ્રસ્ત હોવા છતાં તેનું શરીર અનિયંત્રિત રીતે ધ્રૂજતું રહ્યું. તેણે પહેલા નબળાઈ અનુભવી અને બાદમાં લકવો થઈ ગયો. તેણે કહ્યું હતું કે જ્યારે પણ હું ચાલવાનો પ્રયત્ન કરતો ત્યારે મારું શરીર અનિયંત્રિત રીતે ધ્રૂજવા લાગે છે.

મને નબળાઈ અને લકવાગ્રસ્ત લાગ્યું. જ્યારે પણ મેં ચાલવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારું શરીર અનિયંત્રિત રીતે ધ્રૂજવા લાગ્યું. તો બીજી તરફ બીજી તરફ કોંગો (ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો)માં વધુ એક રહસ્યમય રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે કોંગોમાં અત્યારસુધીમાં 143 લોકોનાં મોત થયાં છે, જેમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે. કોંગોના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વાઇરસના દર્દીઓમાં તાવ, માથાનો દુખાવો, ઉધરસ અને મલેરિયા જેવાં ગંભીર ફ્લૂ જેવાં લક્ષણો જોવા મળે છે.

Most Popular

To Top