બારડોલી: બારડોલીમાં ચાર વર્ષ અગાઉ ગાંધી રોડ પર આવેલી ગેરેજમાં કામ કરતાં મિકેનિકે પોલીસની સરકારી ગાડી સાથે પોલીસની ટોપી પહેરી ફોટો પાડ્યા હતા. જે વોટ્સએપ સ્ટેટસ પર મૂકતા પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બારડોલી ટાઉન પોલીસને જાણવા મળ્યું હતું કે, સોહેલ અસલમ કુરેશી (રહે., કુબા પાર્ક, બારડોલી) નામનો એક ઈસમ પોતે રાજ્યસેવક કે પોલીસ ન હોવા છતાં તેનો ગણવેશ પહેરી સરકારી વાહન સાથે ફોટો પાડી વોટ્સએપ સ્ટેટસ પર મૂક્યા છે. જે માહિતીના આધારે પોલીસે તપાસ શરૂ કરતાં પોલીસે કુબા પાર્ક ખાતેથી ઈસમની અટકાયત કરી હતી અને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે ગાંધી રોડ પર આવેલ સ્ટાર કાર ડેકોરેટરની દુકાનમાં કામ કરે છે અને ચારેક વર્ષ પહેલા સરકારી બોલેરો ગાડી વાયરિંગના કામ માટે આવી હતી.
એ સમયે પોલીસની ગાડી સાથે ફોટા પાડ્યા હતા. ગાડીમાં પોલીસની ટોપી પણ પડેલી હોય તે પહેરીને પણ ફોટો પાડ્યા હતા. જે મોબાઇલ ફોનમાં ઘણા સમય બાદ મળી આવતાં સ્ટેટસમાં મૂક્યા હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે તેની સામે રાજ્ય સેવક ન હોવા છતાં તેના જેવો પોશાક પહેરી ફોટો પાડી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે બીએનએસની કલમ 205 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.