Charchapatra

આંતરિક શાંતિ , વૈશ્વિક સંવાદિતા

ભારતના પ્રયાસ થકી યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 ડિસેમ્બરને વર્લ્ડ મેડીટેશન ડે અર્થાત્ વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે કે જે આપણા દેશ માટે ગૌરવની બાબત છે. 21 મી સદીમાં માણસ સતત તણાવ કે ચિંતામાં જીવી રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ માનસિક શાંતિ મેળવવા માટે અહીંતહીં ભટકે છે. સાધુ સંતોના શરણે પણ જાય છે છતાં એને માનસિક શાંતિ મળતી નથી. ધ્યાન ધરવા માટે માણસે સંસાર છોડીને હિમાલય પર જવાની બિલકુલ જરૂર નથી. કોઈ પણ પ્રકારે મનને કેન્દ્રિત કરવાની કે માનસિક એકાગ્રતાની ક્રિયાને ધ્યાન કહેવાય છે.

સવારે વહેલાં ઊઠીને પ્રત્યેક માણસ ધ્યાન કે મેડીટેશન કરે તો તેના અનેક લાભો એને  ચોક્કસપણે મળી શકે છે. આજકાલ આપણે અનેક અનિશ્ચિતતાઓ અને સમસ્યાઓ વચ્ચે જીવન જીવી રહ્યાં છીએ. પરિણામે દરેક મનુષ્યને તણાવનું પ્રમાણ વધતું જાય છે. માણસ ઊઠે ત્યાંથી અનેક પ્રોબ્લેમ્સ એને ઘેરી વળે છે. પરિણામે હતાશા કે નિરાશા અનુભવે છે ત્યારે ધ્યાન થકી મનુષ્ય માનસિક શાંતિ મેળવી શકે છે.

પરિણામે માણસની  નિરાશા કે હતાશા આશામાં પરિવર્તિત થાય છે. આજે તો પરિસ્થિતિ એવી છે કે ટીનેજરને પણ ડિપ્રેશનની સમસ્યા સતાવે છે. પરીક્ષાનું ટેન્શન કે પછી સ્માર્ટ મોબાઈલનો વપરાશ કરવાનો સમય ઘટાડી દેવામાં આવે તો પણ એ  તણાવમાં આવી જાય છે. આ સંજોગમાં મેડીટેશન કે ધ્યાન ટીનેજરની સમસ્યાને હલ કરવામાં સહાયભૂત થાય છે. ગૌરી ભાકે જણાવે છે કે ધ્યાન થકી મન શાંત થાય છે અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પણ તમે ખુશ રહી શકો છો. વિશ્વ ધ્યાન દિવસે આપ સૌને જીવનમાં તણાવ ઘટાડવા માટે દરરોજ ધ્યાન કરવાની અપીલ કરું છું.
નવસારી           – ડો. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top