Charchapatra

રોજગારી સામે મફત વાયદાની રાજનીતિ

આપણા દેશમાં લગભગ દર પાંચ કે છ મહિનામાં કોઈ પણ રાજ્યમાં ચૂંટણી આવતી રહે છે. ચૂંટણીમાં દરેક પક્ષો  મફતમાં અનાજ કે માસિક રોકડ રકમ કે સરકારી નોકરી જેવા પ્રલોભન આપવાની જાહેરાત કરતા હોય છે. ચૂંટણી જીત્યા પછી જો જીતનારા પક્ષ પ્રજાને આપેલાં વચનોનું પાલન કરે તો તે રૂપિયા કે નોકરી  લાવશે કયાંથી? જાતજાતના ટેક્સ ભરીને  પ્રજા બેવડ વળી ગઇ છે તેમાં જો ચૂંટણી જીત્યા પછી જે પક્ષ સત્તા પર આવશે તે પ્રજાને આપેલાં વચનોનું પાલન કેવી રીતે કરી શકશે?

પ્રજા હાલ એટલા બધા ટેકસો ભરે છે કે ઘરતંત્ર કેમ ચલાવવું તે યક્ષપ્રશ્ન ઊભો થયો છે તેથી પ્રજા હવે નવા વધુ ટેક્સો ભરી શકવાની સ્થિતિમાં નથી તે જાણીને ચૂંટણી લડનાર પક્ષોએ ખોટાં  વચનો આપવાં ન જોઈએ. ખોટાં વચનો આપનાર પક્ષને ચૂંટણી પંચે ગુનેગાર ગણી તેમની સામે કાનૂની કાર્યવાહી  કરવી જોઈએ. હાલ કેન્દ્ર સરકાર લોકોને રોજગાર ન આપી શકતાં લાચારીથી  80 કરોડ લોકોને મફતમાં અનાજ આપે છે અને તેનો બોજ ટેક્સ ધ્વારા પ્રજાએ ચૂકવવો પડે છે. જો આમ જ ચાલશે તો થોડા સમય પછી ટેક્સ ભરનારાઓ પણ આર્થિક સંકડામણ અનુભવશે અને પછી તેવાં લોકોને મજબૂરીથી મફત અનાજ મેળવવા લાઇનમાં ઊભાં રહેવું પડશે.
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મણિપુર અને મગરના આંસુ
મણિપુર છેલ્લા લગભગ ૨૦ મહિનાથી દાવાનળમાં ભડકે બળી રહ્યું છે. આદિવાસીઓને બે ધર્મના વાડામાં ધકેલી દઈને એક બીજાને કોઈ ખાસ સુઆયોજિત મકસદથી તથા ધાર્મિક જેહાદ જેવાના ભોગને લઈને માનવીય મૂલ્યોનો સતત ધ્વંસ અવિરતપણે થઈ રહ્યો છે. આરએસએસ દ્વારા મગરના આંસુ વારે તહેવારે ઠલવાય છે પણ તે દેખાડવા જેવા છે એની અસર કોઈ પર પડતી નથી. કેન્દ્ર તથા રાજ્ય સરકાર બંનેની દાનત સામાજિક કે ધાર્મિક કરતાં વિશેષ એવી આર્થિક વધારે છે. કુદરતી વિસ્તારના ખનિજ તથા ઘણા કિંમતી દ્રવ્યોને લીધે બે સમુદાયને લડાવી આખા વિસ્તારને સ્થળાંતર કરાવી કોઈ ખાસ કારણસર એનો કબ્જો માત્ર અને  માત્ર આર્થિક લાભ હેતુ હેઠળ જલાવાઈ રહ્યો હોય તેવું ભાસે છે.

આવા સંજોગોમાં રાજ્ય સરકારની ભૂમિકાનો સાથે સાથે હવે તો સર્વોચ્ચ અદાલતના કોઈ નિર્દેશ સુલેહ કે શાંતિ માટે દેખાતા નથી. બધા ઘોર નિદ્રામાં હોવા માટે કોઈ ખાસ કારણ હોવું જોઈએ અને તે કદાચ પ્રદેશનું વ્યાપારીકરણ સિવાય કોઈ બીજો સંકેત દેખાતો નથી. આમ જુઓ તો આખો દેશ બે અલગ દિશામાં વહેંચાઈ ગયો છે. એક તરફ અદાણી જૂથની તરફેણવાળાને બીજી તરફ એની વિરુદ્ધવાળા એ બંને જૂથો હવે દેશપ્રેમી અને દેશદ્રોહી તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. આવી માનસિક અવસ્થા હવે તો સંસદ, સડક તથા પ્રચાર માધ્યમમાં સ્થાપિત કરાઈ રહી છે અને આમ જુઓ તો સર્વોચ્ચ અદાલત પણ ઘોર નિદ્રા માણી રહી છે.
મુંબઈ    – શિવદત્ત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top