National

જયપુરમાં ભયાનક અકસ્માત: LPG ટ્રક સાથે બીજી ટ્રક અથડાઈ, બ્લાસ્ટ સાથે આગ ફેલાઈ, 8ના મોત

જયપુર: જયપુરમાં થયેલા ભયાનક અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે એલપીજી ટ્રક યુ-ટર્ન લઈ રહી છે. આ દરમિયાન પાછળથી એક ટ્રક આવે છે, જે એલપીજી ટ્રકને ટક્કર મારે છે. અથડામણને કારણે એલપીજી ટ્રકની નોઝલ ફાટી જાય છે અને ગેસ લીક ​​થવા લાગે છે. ગેસ લીક ​​થયાની થોડીક સેકન્ડ બાદ તે વિસ્ફોટ થાય છે અને ચારે તરફ આગ ફેલાય જાય છે.

રાજસ્થાનના જયપુરમાં આજે તા. 20 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં એક ટ્રક બીજી એલપીજી ટ્રક સાથે અથડાઈ હતી. આ અથડામણ બાદ એલપીજી ટ્રકમાં આગ લાગી અને જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ નજીકમાં પાર્ક કરેલી 40 જેટલી ગાડીઓમાં પણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે 5 લોકોના ઘટનાસ્થળે જ દાઝી ગયા હતા.

આ અકસ્માતમાં 40થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમાંથી 3ના સારવાર દરમિયાન મોત થયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. 35થી વધુ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી 50 ટકાથી વધુ એવા છે જેમનું શરીર અકસ્માતમાં 50 ટકાથી વધુ દાઝી ગયું છે. તેથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

અકસ્માતમાં સામેલ વાહનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને જયપુરની સવાઈ માન સિંહ (SMS) હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રીથી લઈને દેશના ગૃહમંત્રી સુધીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

આ અકસ્માત વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શક્યો હોત. કારણ કે જ્યાં આ અકસ્માત થયો તેની નજીક એક સ્કૂલ હતી. અકસ્માત બાદ નજીકના રોડને સલામતીના કારણોસર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસરે દુર્ઘટના વિશે વાત કરતા કહ્યું કે હોસ્પિટલમાં વધુ બેડ લગાવવામાં આવી રહ્યા છે, જેથી તમામ ઘાયલોને સારવાર મળી શકે. 35 ઘાયલોમાંથી 50 ટકા ઓછામાં ઓછા 50 ટકા દાઝી ગયા છે.

Most Popular

To Top