મહિલા સહિતના લોકોને વિશ્વાસમાં લઇ તાંત્રીક વીધીનો ઢોંગ કરી ડબ્બામાં મુકાવેલા રૂપીયા ડબલ કે દસ ગણા થઇ જશે તેમ કહી નજર ચુકવી રૂપીયા કાઢી લઇ ઠગાઇના ગુનાઓ કરતી ગેંગના 6 સાગરિતોને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા નવલખી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ લોકો પાસેથી પડાવી લીધેલા રૂપિયા વહેંચવા માટે ભેગા થયા હતા ત્યારે પોલીસે રેડ કરી હતી. પોલીસે રોકડ, સોનાની ચેઈન 1, મોબાઈલ 9 સહિત રૂપિયા 8.57 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
તાજેતરમાં વડોદરા શહેરમાં લોકોને વિશ્વાસમાં લઇ છેલ્લા સાડા ત્રણ માસમાં આરોપીઓએ તેઓના રાજુ, અશોક, અરવિંદ, મહારાજ, મહેશ જેવા ખોટા નામો જણાવ્યા હતા. ત્યારબાદ તાંત્રીક વિધીનો ઢોંગ કરી ડબ્બામાં મુકેલ રૂપીયા ડબલ તેમજ દસ ગણા થઇ જશે તેમ જણાવી ડબ્બો નહીં ખોલવા જણાવ્યું હતું. રાવપુરા, દંતેશ્વર તથા બાપોર વિસ્તારમાં રહેતી મહિલાઓને આ ટોળકીએ સિક્કા પર વિધિ કરી આપી પાંચથી દસ ગણા રૂપિયા કરી આપવાના બહાને 6.50 લાખ પડાવી લીધા હતા. ટોળકીએ એક ડબ્બો તાળું મારીને આપ્યો હતો જેમાં બે થી ત્રણ મહિના બાદ આ ડબ્બો ખોલશો તો તેમાંથી રૂપિયા નીકળશે એવું કહ્યું હતું. પરંતુ આ ટોળકીના કોઈ શખ્સનો ફોન કે રૂબરૂ પણ મળવા માટે આવ્યા ન હોય મહિલાઓએ જાતે ડબ્બાનો લોક ખોલી ચેક કરતા તેમાંથી માત્ર બે થી ત્રણ નાળિયેર જ નીકળ્યા હતા. આ ઠગાઇ અંગેના ગુનાઓની શહેરના રાવપુરા, કપુરાઈ, વાડી, મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ઠગાઇના ગુનાઓ કરનાર આરોપીઓની સીસીટીવી, ટેકનીકલ અને હ્યુમન સોર્સના આધારે સતત આ ટોળકીની શોધખોળ કરી રહી હતી. આ ગુનાઓ કરતી ગેંગ નવલખી મેદાન ખાતે રૂપીયાનો ભાગ પાડવા માટે ભેગા થયા હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવલખી મેદાન ખાતે રેડ કરી હતી ત્યારે સ્થળ પર હાજર 6 શખસો ટુ વ્હીલર વાહનો પર બેસી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્રાઈમ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પ્યારેસાબ ઉર્ફે પ્યારો ઉર્ફે ભુરો જીવા રાઠોડ (રહે.ભોજ ગામ તા.પાદરા જી.વડોદરા), કાળુભાઇ ઉર્ફે અશોકભાઇ ફતેસિંગ સોલંકી (રહે.તાંદલજા વડોદરા), ઇરફાન મુસ્તુફા દિવાન (રહે. તાંદલજા), ફીરોજ ફતેસિંગ સોલંકી (રહે. ભોજ ગામ તા.પાદરા) , મકબુલશા અબ્દુલશા દિવાન (રહે. ગડબોરીયાદ ગામ, તા.નસવાડી જી.છોટાઉદેપુર) તથા અનવર કરીમ ગરાસીયા (રહે.નવાપુરા કુંભારવાડા ડભોઇ તા.ડભોઈ જી.વડોદરા) ઝડપી પાડ્યા હતા. તેઓની ઝડતી કરતા રોકડ રૂપિયા 8.75 લાખ, સોનાની ચેઈન 1, મોબાઈલ 9 સહિત રૂપિયા 8.57 લાખનો મુદામાલ મળી આવતા કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓએ અલગ-અલગ ટીમમાં વડોદરા શહેરના રાવપુરા,કપુરાઈ, મકરપુરા, વાડી તેમજ વડોદરા ગ્રામ્યના મંજુસર અને છોટાઉદેપુરના બોડેલી પોલીસ સ્ટેશન હદમાં કરેલ ઠગાઇના ગુનાઓનો ભેદ ઉકેલાતા તમામ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામા આવી છે. આ ઠગાઈના ગુના કરતી પકડાયેલા આરોપીઓ ઉપરાંત બીજા સામેલ ચાર શખ્સો,ઉપયોગ કરેલ તેમજ બાકી રહેલ મુદ્દામાલ તેમજ ઠગાઇના ભોગ બનેલ નાગરીકોને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.