અલ્હાબાદ: લંચ બોક્સમાં નોનવેજ ખોરાક લાવવાના આરોપમાં વિદ્યાર્થીઓને અલ્હાબાદની શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે હાઈકોર્ટે વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
અલ્હાબાદના અમરોહની એક શાળાના પ્રિન્સિપાલે ટિફિનમાં માંસાહારી ખોરાક લાવવા બદલ ત્રણ સગીર વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂક્યા હતા. ત્યાર બાદ બાળકોની માતાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે શાળાના આચાર્ય વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી હતી.
અરજીકર્તાએ આરોપ લગાવ્યો કે શાળાના આચાર્યએ બાળકોને શાળામાં માંસાહારી ખોરાક લાવવા સામે વાંધો ઉઠાવ્યો અને તેના બાળકોને અન્યાયી રીતે શાળામાંથી કાઢી મૂક્યા છે. આ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સિદ્ધાર્થ અને જસ્ટિસ એસસી શર્માની બેંચે આ મામલામાં પોતાનો ચુકાદો આપ્યો છે.
અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે અમરોહાના જિલ્લા મેજિસ્ટ્રેટને બે અઠવાડિયાની અંદર બાળકોને CBSE સાથે સંલગ્ન અન્ય કોઈપણ શાળામાં દાખલ કરવા અને કોર્ટ સમક્ષ અનુપાલનનું સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો. અરજદારના વકીલે દલીલ કરી હતી કે શાળાના આ પગલાથી બાળકોના શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન થયું છે.
17 ડિસેમ્બરે આપેલા પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે આગામી સુનાવણી 6 જાન્યુઆરી 2025ના રોજ થશે. કોર્ટે કહ્યું, જો જિલ્લા મેજિસ્ટ્રેટ, અમરોહા દ્વારા કોઈ એફિડેવિટ દાખલ કરવામાં નહીં આવે તો તેમણે આગામી તારીખે રૂબરૂ હાજર રહેવું પડશે.