નવી દિલ્હી: શેરબજારમાં આજે તા. 19 ડિસેમ્બરના રોજ ભારે કડાકો નોંધાયો છે. સેન્સેક્સ પ્રારંભિક વેપારમાં લગભગ 1000 પોઈન્ટ તૂટીને 79,242.65 અંક પર પહોંચી ગયું હતું. નિફ્ટી પણ 1 ટકા તુટીને 24,000ની નીચે પહોંચી ગયું હતું.
શેરબજારમાં કડાકાના પગલે આજે રોકાણકારોને લગભગ 3.76 લાખ કરોડનું નુકસાન થયું છે.
આજે લગભગ તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ પણ રેડ ઝોનમાં દેખાઈ રહ્યાં છે. સૌથી વધુ ઘટાડો આઈટી, ઓટો અને બેન્કિંગ શેરોમાં જોવા મળ્યો છે. આ શેર્સના ઈન્ડેક્સ 2 ટકા ઘટ્યા છે. માત્ર નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ આજે ગ્રીન ઝોનમાં છે.
શેરબજાર તૂટવાના મુખ્ય ચાર કારણો..
ફેડરલ રિઝર્વનું આક્રમક વલણ
અમેરિકી ફેડરલ રિઝર્વે મોંઘવારીનો અંદાજને વધાર્યો છે. 2025માં વ્યાજ દરોમાં અપેક્ષા કરતા ઓછા ઘટાડાના સંકેત આપે છે. જોકે, ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજ દરોમાં 0.25 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. આવતા વર્ષે ધીમા દરમાં ઘટાડો થવાની અપેક્ષાએ બજારને હચમચાવી દીધું. તેના લીધે શેર બજારમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી.
શેરબજાર અગાઉ 2025 દરમિયાન વ્યાજ દરોમાં 3થી 4 ટકા ઘટાડાની અપેક્ષા રાખતું હતું પરંતુ તેનાબદલે ફેડરલ રિઝર્વે માત્ર 0.50 ટકાનો કાપ દર્શાવ્યો છે.
એફઆઈઆઈનું વેચાણ
વિદેશી રોકાણકારોએ ફરી એકવાર ભારતીય શેરબજારમાં વેચવાલી તેજ કરી છે. છેલ્લાં 3 દિવસમાં તેણે ભારતીય શેરબજારમાંથી લગભગ 8 હજાર કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આનાથી બજારમાં ફરી ભય વધી ગયો છે કે એફપીઆઈએસ ઓક્ટોબરની જેમ શેરબજારમાં તેમનો હિસ્સો વેચી શકે છે. ઓક્ટોબરમાં તેણે લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં એફઆઈઆઈએ ભારતીય શેરબજારમાં 2.94 લાખ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું છે.
ડોલર સામે ભારતીયો રૂપિયો તળિયે પહોંચ્યો
વિદેશી ચલણ બજારમાં ભારતીય રૂપિયા પર સ્પષ્ટ દબાણ જોવા મળ્યું છે. ભારતીય રૂપિયાનું મૂલ્ય એક અમેરિકન ડોલર સામે 85ને પાર કરી ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો લગભગ 2 ટકા ઘટ્યો છે. નવેમ્બરમાં વેપાર ખાધમાં વધારો થવાને કારણે આર્થિક સેન્ટિમેન્ટ પણ કથળી છે.
ડોલર ઈન્ડેક્સ અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો
ડોલર ઈન્ડેક્સ વિશ્વની 6 મોટી કંપનીઓમાં શેરો સામે ડોલરનું મુલ્ય માપે છે. યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ ડોલર ઈન્ડેક્સ 2 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. હાલમાં ડોલર ઈન્ડેક્સ 0.05 ટકા વધીને 108.086 પર હતો. નવેમ્બર 2022 પછી આ તેનું સર્વોચ્ચ સ્તર છે.