Entertainment

કિયારાનો સફળતાનો કિનારો દૂર કેમ?

કિયારા અડવાણી ‘ખોવાયાં છે’ ની જાહેરાતમાં હજુ આવી નથી પણ આવે તો તે માની લેવામાં વાંધો નથી. 2024માં તેની એક પણ ફિલ્મ રજૂ નથી થઇ અને 2023માં પણ એક ‘સત્ય પ્રેમ કી કથા’ રજૂ થયેલી. હમણાં ભુલભુલૈયા-3’ આવી ત્યારે લોકોને તે યાદ પણ નહોતી આવી બાકી ‘ભુલભુલૈયા-2’માં તેની ભૂમિકા હતી. કાર્તિક આર્યન ‘ભુલભુલૈયા-3’માં જળવાયેલો રહ્યો અને કિયારા બાદ થઇ ગઇ. કિયારાને શું લગ્ન કરવા નડી ગયા છે? તેણે તેનાથી ઓછા જાણીતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે અને ઉતાવળે કર્યા છે એવું ઘણાં માને છે. કારકિર્દી ચડી રહી હોય ત્યારે લગ્ન ન કરવા જોઈએ પણ તેનાથી રહેવાયું નહીં.
કિયારા એક ખૂબ સારી સ્ક્રિન પ્રેઝન્સ ધરાવતી બ્યુટીફુલ અભિનેત્રી છે. તેની પાસે ઘણી અપેક્ષા રખાતી આવી છે અને તે યોગ્ય છે એવું લાગશે પણ તે સ્વયં આ માટે યોજનાબદ્ધ રીતે આગળ વધતી હોય તેમ લાગતું નથી. હમણાં દીપિકા પાદુકોણ પ્રથમ સંતાનના કારણે મેટરનીટી લિવ પર છે અને આલિયા મોટા પ્રોડકશનમાં રોકાયેલી છે ત્યારે અત્યારે કિયારા માટે સારી તક કહેવાય. લોહા ગરમ હે, હથૌડા માર દો-ની સ્થિતિ કહેવાય પણ તે આવા વ્યૂહો પર કામ કરી શકી નથી. તેણે મહત્ત્વાકાંક્ષી બની આગળ વધવું જોઈએ. ‘કબીર સીંઘ’, ‘ગુડ ન્યુઝ’, ‘શેરશાહ’, ‘ભુલભુલૈયા-2ની સફળતા પર રાજી રહી સંતોષ માને તે તો ચાલશે નહીં. તેની પાસે થોડી સારી ફિલ્મો છે પણ તે સારી ત્યારે કહેવાશે જ્યારે રજૂ થશે અને સફળ થશે. સંભવિતતાના આધારે તેને સ્ટાર ન ગણી શકાશે. અત્યારે તે પણ તાપસી પન્નુની જેમ જાણે પાછળ પડી ગયા જેવું લાગે છે.
કિયારા પાસે ફરહાન અખ્તરની ‘ડોન 3: ધ ફાઈનલ ચેપ્ટર’ છે જેમાં તે રણવીર સીંઘ સાથે આવી રહી છે. ‘વૉર-2’માં તો ઋતિક રોશન અને એન. ટી. રામારાવ જુનિયર છે. કિયારા સ્ટારડમ તરફ આગળ વધી રહ્યાના આ સંકેત છે પણ સારા સ્ટાર્સને બેનર મળવું પૂરતું ન ગણાય. તેણે પોતાની રીતે પણ યોજના બનાવવી પડશે. તેણે ગેમ ચેન્જર’ પુરવાર થવું જોઈએ અને તે નામની ફિલ્મ રામચરણ સાથે આવી પણ રહી છે. એસ. શંકર દિગ્દર્શિત એ ફિલ્મ 10મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. 2025ની શરૂઆત જો ધૂમધડાકે કરશે તો કિયારા માટે દિવસો બદલાશે, બાકી તેની પાસે તો ‘ટોક્સિક’પણ છે જે સાઉથની છે, ‘ધ રાની સાબ’ પણ છે જેમાં તે પ્રભાસ અને સંજય દત્ત સાથે છે. એ ફિલ્મ 10મી એપ્રિલે આવશે.
બાકી સંજય લીલા ભણશાળી સાથેની ફિલ્મનું તો નક્કી નથી. ભણશાળી તો નદીના વહેણની નીચે તરતા માણસ છે એટલે ખબર જ ન પડે કે કયાં નીકળશે પણ કિયારાએ હવે 2025 માટે વધારે એક્ટિવ થવું પડશે. જો તે સ્ક્રિન પર છવાઈ જશે તો તેના માટે પૂરતી તકો છે. •

Most Popular

To Top