Business

બેસ્ટ ગીફ્ટ

અઠવાડિયા પછી સ્મિતાનો ૫૧ મો બર્થ ડે હતો. સ્મિતા બજારમાં ગઈ હતી ત્યારે ઘરમાં ત્રણ બાળકો સિયા, રિયા અને યોહાન ભેગા થયા અને પપ્પા રોહન અને દાદા પાસે ગયાં અને કહ્યું, આપણે સરપ્રાઈઝ પાર્ટી રાખીએ.દાદાએ કહ્યું,  ‘૨૦૦ સગાં વ્હાલાંઓને  બોલાવીને જમણવાર રાખીએ, મોટો જલસો કરીએ.રોહને કહ્યું, ‘ના, ના, સ્મિતાને થોડા નજીકનાં સ્વજનો અને મિત્રો સાથે જન્મદિન ઉજવવો વધારે ગમશે. આપણે ૨૫ -૩૦ નજીકનાં માણસોને લઈને રિસોર્ટમાં જઈએ.બે દિવસ ઉજવણી કરીશું.’ યોહાન બોલ્યો, ‘આપણે ફેમીલી ટ્રીપ પર જઈએ ત્યાં મમ્મીને સરપ્રાઈઝ આપીશું.

સિયા અને રિયાએ કહ્યું, ‘આપણે મમ્મીને તેને ગમતી ૫૧ બેસ્ટ વસ્તુઓ ગીફ્ટ આપીએ.’ દાદી કયારનાં આ બધી વાતો સાંભળી રહ્યાં હતાં.તેઓ મોટેથી હસ્યાં એટલે બધાંએ તેમની સામે જોયું. દાદાએ પૂછ્યું, ‘આમાં હસવા જેવું શું છે?’ દાદી બોલ્યાં, ‘મને તમારી વાતો સાંભળીને હસવું આવ્યું. તમે આખો દિવસ મને અને સ્મિતા વહુને આખો દિવસ પૈસા બચાવવાની સલાહ આપો છો અને જરા વધારે ખર્ચો થાય તો ગુસ્સે થાવ છો અને આજે ૨૦૦ માણસના જમણવારનો ખર્ચો કરવા તૈયાર થયા છો. વાહ, શું વાત છે.’  પછી દાદી પોતાના દીકરા રોહન પાસે જઈને બોલ્યા, ‘તું રોજ તો સ્મિતા પર તારી પસંદ થોપતો હોય છે અને અત્યારે પણ રિસોર્ટમાં જવું સ્મિતાની નહીં તારી પસંદ છે.તેં ક્યારેય તેની પસંદગીને મહત્ત્વ આપ્યું નથી.તેની ઈચ્છાની પરવા કરી નથી.’

પછી દાદી યોહાન, સિયા અને રિયા તરફ વળ્યાં અને તેમને કહ્યું, ‘તમે રોજ મમ્મીનું કેટલું અપમાન કરો છો.મમ્મી તને ખબર ન પડે,મમ્મી તું ચૂપ રહે વગેરે વગેરે. રોજ મમ્મીનું ડગલે ને પગલે અપમાન કરો છો, ઓર્ડર છોડો છો અને આજે તેને સરપ્રાઈસ અને ગીફ્ટ આપવા નીકળ્યા છો.’ દાદીની વાત એકદમ સાચી હતી એટલે બધા ચૂપ થઇ ગયાં, નીચું જોઈ ગયાં. દાદાએ ધીમેથી પૂછ્યું, ‘તો શું કરીએ?’ દાદીએ કહ્યું, ‘કોઇ પણ સરપ્રાઈઝ કે મોંઘી ગીફ્ટસ કરતાં વધુ મૂલ્યવાન છે વિશ્વાસ, પ્રેમ ,પરવા, આદર,સ્નેહ અને ઈજ્જત. તમે આ બધું આપો.’ રોહન બોલ્યો, ‘એટલે કઈ રીતે?’ દાદી બોલ્યાં, ‘સ્મિતા પોતાના જન્મદિને પણ આપણને ભાવતું જમવાનું બનાવે છે.આ વર્ષે હું તેને ભાવતું જમવાનું બનાવીશ.સ્મિતા જયારે તમને અને મને પગે લાગશે ત્યારે તમે જે જમણવારના જલસામાં પૈસા વાપરવાના હતા તે બધા જ સ્મિતાના હાથમાં આપજો અને કહેજો કે તને ગમે તે રીતે ખર્ચ કરજે.

જો જો, તે એક પણ પૈસો વેડફશે નહિ.’ દાદાએ કહ્યું, ‘ભલે એમ કરીશું.’ પછી દાદીએ પોતાના દીકરા રોહનને કહ્યું, ‘તું તારી પસંદ હંમેશા સ્મિતા પર થોપે છે અને તે પ્રેમથી સ્વીકારી લે છે.તો હવેથી તું એની પસંદ પ્રમાણે જીવવાનું શરૂ કર.તેને ગમતી હોટલમાં ડીનર પર લઇ જા, તેને ગમતી ચોકલેટ, કેક ઓર્ડર કર,તેને ગમતું શર્ટ પહેર.વાતો નાની નાની છે પણ મોંઘી ગીફ્ટ કરતાં મહત્ત્વની છે અને પછી દાદીએ બાળકોને કહ્યું, ‘તમે તમારી મમ્મીનું અપમાન કરવાનું આજથી જ હંમેશા માટે બંધ કરો. તેને ઓર્ડર ન કરો,તેને રીસ્પેક્ટ આપો.  આ જ બધી ગીફ્ટસ કરતાં વધુ મહત્ત્વનું છે.’ દાદીએ બધાને સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top