કોંગ્રેસ શાસનના દિવસો મેં નજીકથી જોયા છે. એ લાયસન્સ પરમીટ રાજના દિવસો હતા. એમાં કેટલાક ઉદ્યોગપતિઓને મદદ કરવામાં આવતી હતી અને કેટલાંક ઉદ્યોગગૃહો સત્તાના દલાલોને રોકતા. અનેક રાજકારણી જે તે ઉદ્યોગપતિના દલાલ તરીકે કામ કરતા અને કેટલાક દલાલો ખાદી પહેરીને રાજકારણી બની જતા. રાજ્યસભાની મૂળ કલ્પના દેશને માર્ગદર્શન આપી શકે એવા અનુભવી વડીલો માટેના સભાગૃહ તરીકે કરવામાં આવી હતી, પણ તેમાં દલાલો પ્રવેશ મેળવતા થઈ ગયા હતા.
તેઓ પાવર કોરીડોરમાં લોબિંગ કરે, સંસદસભ્ય તરીકેની વગનો ઉપયોગ કરીને પોતાના ક્લાયન્ટ ઉદ્યોગપતિ માટે સત્તાવાર દસ્તાવેજો એકઠા કરે, અધિકારીઓને ફોડે ખરીદે અને પોતાના ક્લાયન્ટના હિતો માટે કે ક્લાયન્ટના પ્રતિસ્પર્ધીનું અહિત થાય એવી અનુકૂળતા પેદા કરે,સંસદમાં ક્લાયન્ટને અનુકૂળ આવે એવા સવાલો પૂછે અને ખાનગી બિલ કે ઠરાવ રજૂ કરીને ચર્ચાને ચોક્કસ દિશામાં લઈ જાય. એ સમયે અડધી રાતે નોટિફિકેશન નીકળતાં જેમાં ચોક્કસ ઉદ્યોગપતિને ફાયદો થાય એ રીતે આયાત-નિકાસની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા હોય. ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ઉદ્યોગ અને મોટા ઉદ્યોગની યાદીમાં ઘાલમેલ કરવામાં આવતી હતી. એ બધું જ યાદ છે અને એ જોઇને ચીડ ચડતી એ પણ યાદ છે.
પાછલે બારણે આ બધું ચાલતું હતું ત્યારે આગલે બારણે ભોળી પ્રજાને રાજી રાખવા માટે સમાજવાદના આદર્શોની વાત કરવામાં આવતી હતી. ગરીબી હટાવવાની વાત થતી હતી. સત્તામાં ભાગીદારીની અને સામાજિક ન્યાયની વાત થતી હતી. અમેરિકા અને પૂંજીપતિઓનો ડર બતાવવામાં આવતો. અતીતને યાદ કરીને પ્રજાને પોરસાવવાની ત્યારે જરૂર નહોતી પડતી કારણ કે પ્રજા ભવિષ્ય તરફ નજર રાખીને જીવતી હતી. સપનાં જોતી હતી.
એ પછી બીજો યુગ શરૂ થયો જેમાં દલાલોની જરૂર નહોતી પડતી, પણ નેતાને દલાલ બનાવીને ચોક્કસ મંત્રાલયમાં ગોઠવવામાં આવતા હતા. પહેલાં ઉદ્યોગ અને વાણિજ્ય ખાતાંનું મહત્ત્વ હતું, પણ આ નવા યુગમાં ટેલિકોમ્યુનિકેશન, કૃષિ, ખનિજ સંપત્તિ, ટ્રાન્સપોર્ટ, પોર્ટ, મહેસુલ ઉમેરાયાં. ઉમેરાયાં નહીં, વાણિજ્ય અને ઉદ્યોગની જગ્યા લીધી એમ કહો તો પણ ચાલે. અર્થતંત્રમાં સુધારા કરવામાં આવ્યા હતા.
સરકારી નિયંત્રણો ઘટાડવામાં આવ્યાં, વિદેશી કંપનીઓ સાથે હરીફાઈ કરવી પડે એમ હતી. હવે નવી સ્થિતિમાં શાસકોની કૃપાદૃષ્ટિ ખરીદીને વિશેષ સુવિધા મેળવીને વેપારધંધા દ્વારા પુષ્કળ માત્રામાં કમાવું મુશ્કેલ બનવા લાગ્યું. તેમણે પોતાને અનુકૂળ આવે એવા પ્રધાનોને ચાવીરૂપ ખાતામાં ગોઠવીને સરકારી સંસાધનો પર કબજો કરવાનું શરૂ કર્યું. મોબાઈલ સ્પેક્ટ્રમ, કોલસો, વીજળી, પોર્ટ, કૃષિજમીન, એરપોર્ટ, પાણી, જંગલ, ખાણ બધું જ. હવે મધરાતે નોટિફિકેશન કઢાવીને વેપારધંધો કરવાની જફામાં ક્યાં પડવું, ઉપાડો સરકારી માલ મફતના ભાવમાં. સરકારની ગમે એટલી કૃપાદૃષ્ટિ હોય, ધંધામાં હરીફાઈ કરવી પડે, માર્કેટમાં ટકવું પડે અને કદાચ નુકસાન પણ થાય. આના કરતાં બારોબાર દેશની સંપત્તિ જ હડપી લેવામાં ફાયદો જ ફાયદો.
પહેલા યુગની લૂંટ કરતાં બીજા યુગની લૂંટ વધારે ઉઘાડી હતી એટલે મેનેજમેન્ટ પણ જબરું કરવું પડે એમ હતું. આના ભાગરૂપે સૌથી પહેલાં નેરેટીવ કન્ટ્રોલ કરો અને તેના માટે મિડિયા પર કબજો કરો. દલાલોને શા માટે રોકવા સંસદસભ્યો ખરીદો, સંસદસભ્યોની શી જરૂર છે, પ્રધાનોને જ ખરીદો, પ્રધાનોને શા માટે ખરીદવા ચાવીરૂપ મંત્રાલય જ ખરીદી લો એ જ રાહે પત્રકારોને શા માટે ખરીદવા તંત્રીઓને ખરીદો, તંત્રીઓને શા માટે ખરીદવા માલિકોને ખરીદો, માલિકોને શા માટે ખરીદવા આખેઆખા મિડિયા હાઉસોને ખરીદો અને ઉપરથી પોતાનાં મિડિયા શરૂ કરો. તોતિંગ પગાર અને સુવિધા આપશો તો ૯૯ ટકા પત્રકાર ચલિત થઈ જશે. અંતે સરકારી લૂંટમાંથી થતા નફામાં નુકસાન છે, ક્યાં ઘરના પૈસા કાઢવાના છે.
પહેલા યુગમાં સમાજવાદ અને સામાજિક ન્યાયની વાત કરવામાં આવતી હતી તો આ બીજા યુગમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદની કરવામાં આવે છે. કહેવાતા ગૌરવશાળી અતીતની વાત કરવામાં આવે છે. વિશ્વગુરુ હોવાનાં બણગાં ફૂંકવામાં આવે છે. જગતમાં ભારતના ડંકા વાગી રહ્યા છે એમ કહેવામાં આવે છે. દસ-વીસ વરસમાં ભારત આર્થિક અને લશ્કરી રીતે મહાસત્તા બની જશે એમ કહેવામાં આવે છે. જે લોકો વેચાતાં નથી અને આંખ ખોલવાનું કામ કરે છે તેમની પાસેથી બોલવાના પ્લેટફોર્મ છીનવી લેવામાં આવે છે. ન રહે બાંસ ન બજે બાંસુરી. આને કન્ટ્રોલ્ડ નેરેટિવ કહેવામાં આવે છે. પ્રજા દેશપ્રેમ અને મહાનતાના નશામાં ધૂણતી રહેવી જોઈએ.
એ પછી આવે છે ન્યાયતંત્ર. કોઈ વળી જોઈ જાય કે પાછલે બારણેથી લૂંટ ચાલી રહી છે તો ફરિયાદ કરવા કોની પાસે જશે? જવાબ છે; ન્યાયતંત્ર. ન્યાયતંત્રને બે રીતે મારો. એક કેસની સંખ્યા સામે જજોની સંખ્યા ઓછી રાખો એટલે ન્યાયતંત્ર કેસોના ભરાવાના બોજા હેઠળ દબાઈ જશે. દાયકાઓ સુધી ચુકાદો જ ન આવે તો ન્યાય કોણ કરશે? સજા કોણ કરશે? લૂંટનો માલ પાછો કોણ અપાવશે? અને બીજો માર્ગ છે અનુકૂળ જજોની ભરતી કરો. તેઓ ક્લાયન્ટને અનુકૂળ આવે એવા ચુકાદા આપીને, પ્રતિકૂળ ચુકાદા નહીં આપીને, કેસને ટલ્લે ચડાવીને, ગોળગોળ ભાષામાં શીર્ષાસન કરીને અને સ્પેશ્યલ લીવ પીટીશનના માર્ગે ક્લાયન્ટની તરફેણમાં ઘડિયા ચુકાદા આપીને મદદ કરે છે અને આ સ્થિતિમાં ચોર ચોરની બૂમો પાડનારા આખરે જશે ક્યાં? નથી મિડિયામાં કોઈ સાંભળનાર કે નથી અદાલતમાં કોઈ સાંભળનાર.
અને ન્યાયતંત્ર પછી આવે છે શૈક્ષણિક સંસ્થાઓ. વિચારવાની ક્ષમતા નહીં ધરાવનારી, શંકા નહીં કરનારી, પ્રશ્ન નહીં પૂછનારી અને અતીતમાં રાચનારી કમજોર દિમાગવાળી પ્રજા તૈયાર કરો. આપણે મહાન પછી દુનિયા તરફ નજર નાખવાની જરૂર જ શું છે. જે દુનિયામાં છે એ બધું જ મારામાં (એટલે કે હિન્દુમાં) છે અને જે મારામાં નથી એ દુનિયામાં નથી. આઈઆઈટીમાંથી આવા બુદ્ધિબહાદુરો નીકળવા જોઈએ. આ માટે શિક્ષણ સંસ્થાઓ કબજે કરવામાં આવી રહી છે.
આ બધું થોડા દાયકાઓ મેનેજ કરવું પડે એમ છે. ત્યાં સુધીમાં ભણેલા ગણેલા બુદ્ધિશાળીઓ દુનિયા છોડીને જતા રહ્યા હશે અને બુદ્ધિબહાદુરોની નવી પેઢી અસ્તિત્વમાં આવી ગઈ હશે. એ પછી મેનેજ કરવાની જહેમત નહીં લેવી પડે કારણ કે દેશભક્ત બુદ્ધિબહાદુરો મેનેજ્ડ થઈને જ શાળા કોલેજોમાંથી બહાર આવશે. તો દેશ પર રાજ કોણ કરે છે? શાસકો કે કુબેરપતિઓ? અને આવી સ્થિતિ જગત આખામાં ધીરેધીરે પેદા થઈ રહી છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.