નવી દિલ્હી: શેરબજારમાં આજે તા. 18 ડિસેમ્બરે સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 502 પોઈન્ટ તૂટી બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ ઘટાડે બંધ થયું હતું. જેના લીધે આજે રોકાણકારોને આશરે 2.38 લાખ કરોડનું નુકસાન થયું હતું.
આજે બજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સ પણ અડધા ટકાથી વધુ તૂટ્યા હતા. એક્સપર્ટ અનુસાર રેસિપ્રોકલ ટેક્સ લાદવાની ટ્રમ્પની ધમકી, ફેડરલ રિઝર્વની અનિશ્ચિતતાઓથી ભરેલી પોલિસી અને એફઆઈઆઈએસની ઝડપી વેચવાલીએ રોકાણકારોના સેન્ટિમેન્ટને નબળાં કર્યા છે. રોકાણકારોનું સંપૂર્ણ ધ્યાન ફેડરલ રિઝર્વ બેન્કના ચેરમેન જેરોપ લોવેલના નિવેદન પર છે.
આજે કારોબારી દિવસના અંતે બીએસઈ સેન્સેક્સ 502.25 અંક અથવા 0.62 ટકા તૂટીને 80,182.20 પોઈન્ટ પર બંધ થયું હતું. જ્યારે એનએસઈ 137.15 પોઈન્ટ અથવા 0.56 ટકા તૂટી 24,198.85 પોઈન્ટ પર બંધ થયું છે.
રોકાણકારોના 2.38 લાખ કરોડ ડૂબ્યા
બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે 18 ડિસેમ્બરે ઘટીને 452.75 લાખ કરોડ થયું છે. જે પાછલા કારોબારી દિવસ એટલે કે મંગળવાર તા. 17 ડિસેમ્બરે 455.13 લાખ કરોડ હતું. આમ આજે માર્કેટ કેપમાં 2.38 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોના આજે2.38 લાખ કરોડ ડૂબી ગયા છે.
આ 5 શેર્સમાં તેજી દેખાઈ
બજારમાં ઘટાડા વચ્ચે બીએસઈમાં લિસ્ટેડ 8 કંપનીના શેર્સ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. ટાટા કન્સેલ્ટન્સી સર્વિસેઝ (ટીસીએસ) 0.71 ટકા ઊંચે ગયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર્સ 0.39 ટકા થી 0.67 ટકા વધ્યા હતા.
આ 5 શેર્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો
આજે ટાટા મોટર્સનો શેર સૌથી વધુ 2.75 ટકા ઘટી ટોપ લુઝર્સ રહ્યો હતો. તે ઉપરાંત પાવર ગ્રિડ, એનટીપીસી, અદાણી પોટર્સ અને જેએસડબ્લ્યુ સ્ટીલના શેરમાં 1.61 ટકાથી 2.42 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આજે 2554 શેર્સમાં ઘટાડો નોંધાયો
આજનો દિવસ 2554કંપની માટે ખરાબ રહ્યો હતો. આ કંપનીઓના શેર્સ આજે રેડ ઝોનમાં બંધ થયા હતા. કુલ 4099 શેર્સ પૈકી 1449 શેર્સ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. જ્યારે 2554 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 96 શેર્સ કોઈ પણ ઉતાર ચઢાવ વિના સપાટ બંધ થયા હતા. આ ઉપરાંત 246 શેર્સ માટે આજનો દિવસ પાછલા 52 સપ્તાહમાં રેકોર્ડ હાઈ રહ્યો હતો. 38 શેર્સમાં પાછલા 52 વીકનું તળિયું દેખાયું હતું.