સુરત: છેલ્લા બે-અઢી વર્ષથી ચાલી રહેલી હીરાની મંદી હવે વધુ ઘેરી બની છે. સુરતમાં રત્નકલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે. દિવાળી બાદ હજુ પણ ઘણા કારખાના શરૂ થયા નથી. આવા કપરા સંજોગોમાં રત્નકલાકારો આપઘાત કરી રહ્યા હોવાનો વધુ એક કેસ નોંધાયો છે. આર્થિક તંગીથી કંટાળીને ઉધના વિસ્તારમાં રહેતા રત્નકલાકારે તાપી નદીમાં કુદીને આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.
ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગરમાં માં દિપક ઠાકોર પરિવાર સાથે રહેતો હતો. છેલ્લા પાંચ વર્ષથી તે રત્નકલાકાર તરિકે કામ કરતો હતો. જો કે, હીરાની મંદીમાં તેને દિવાળી બાદ કામ મળતું નહોતું. રોજ કામ શોધવા જતો પરંતુ સફળતા મળતી નહોતી. જેથી ઘરેથી કામ શોધવા જતો હોવાનું કહીને બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. બાદમાં શોધખોળ કરતાં તેનો મૃતદેહ મળ્યો હતો. હાલ તેના મૃતદેહને પીએમ માટે મૂકી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના સંબંધીએ કહ્યું કે, અનિકેત ભૂપત ઠાકુર દિવાળી સુધી હીરામાં કામ કરતો હતો. દિવાળી બાદ વેકેશન બાદ શોધવા છતાં નોકરી મળતી નહોતી. જેથી આ પગલું ભર્યું છે. ભાડાના મકાનમાં રહેતા હતાં. પરિવારમાં બહેન અને માતા પિતા હતાં. ઘરેથી નોકરી શોધવા જવાનું કહીને નીકળી ગયો હતો. અમે તપાસ કરી તો બાઈક મળી અને ત્યારબાદ બ્રિજ નીચેથી મૃતદેહ મળ્યો હતો. મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે.
સુરતના કારખાનેદારોએ હીરાની ઘંટી ભંગારમાં વેચવા માંડી
છેલ્લાં બે-અઢી વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. છેલ્લાં છ મહિનાથી વેપારી, દલાલો, કારખાનેદારો જાહેરમાં બોલતા થયા કે મંદી છે અને હવે તો હદ થઈ છે. કામકાજના અભાવે બંધ પડી રહેલી હીરાની ઘંટીઓ કારખાનેદારોએ ભંગારમાં વેચવા મુકી દીધી છે. કરોડોના હીરા ચમકાવતી ઘંટીઓને ભંગારમાં વેચવા મુકવી પડે તે મંદીનું ભયાનક ચિત્ર દર્શાવે છે.
સુરતના વરાછા, કતારગામ વિસ્તારના નાના કારખાનેદારોએ કામકાજના અભાવે કારખાના બંધ કરી દીધા છે. મંદીના વાદળો દૂર થાય તેવા કોઈ જ સંજોગો ન દેખાતા હવે બંધ કારખાનામાં પડેલી ઘંટીઓ ભંગારમાં વેચી કારખાનેદારો જેટલા મળે તેટલાં રૂપિયા રોકડા કરી રહ્યાં છે.
વરાછામાં મહાદેવ નગર, સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ પાસે ભંગારના મોટા મોટા અનેક ગોડાઉન આવેલા છે. આ ગોડાઉનમાં હીરાની ઘંટીનો સ્ક્રેપ જમા થયો છે. ભંગારના વેપારી અરવિંદ રાખસિયાએ કહ્યું કે હીરાની ઘંટી જૂની થાય ત્યારે કારખાનેદાર તે ઘંટી ભંગારમાં વેચી દેતા હોય છે. અમે વર્ષોથી હીરાની ઘંટી લે-વેચનું કામ કરીએ છીએ.
છેલ્લાં છ મહિનાથી હીરાની ઘંટી ખરીદનાર કોઈ ફરક્યું નથી. પણ રોજ કોઈને કોઈ ઘંટી લઈને વેચવા આવી જાય છે. અત્યારે 3500 હીરાની ઘંટીઓ ભંગારના ગોડાઉનમાં પડી છે. ભાડાના મકાનમાં ચાલતા હીરાના કારખાનાઓ બંધ થયા છે અને તેની ઘંટીઓ ભંગારમાં વેચાઈ રહી છે.