Dakshin Gujarat

કીમની બેન્કમાં મની હાઈસ્ટ: દીવાલમાં બાકોરું પાડી ચોરો લાખો રૂપિયા ચોરી ગયા

હથોડા: પાલોદ પોલીસ ચોકીની પડખે કીમ રોડ પર આવેલી યુનિયન બેન્કને રાત્રે તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ તેમજ લાખો રૂપિયાના સોનાના દાગીના મળી 57 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ જતાં સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

  • પાલોદ પોલીસ ચોકી પાસે આવેલી યુનિયન બેંકમાં તસ્કરો લોકર તોડી રોકડા-દાગીના લઈ ફરાર
  • પોલીસ પેટ્રોલિંગ સામે ઊઠ્યા સવાલ, જિલ્લા પોલીસ કાફલો દોડતો થયો

ઘટનાની વિગત એવી છે કે, કીમ ચાર રસ્તા ખાતે આવેલી યુનિયન બેન્કની પાલોદ શાખામાં ગત રાત્રે તસ્કરોએ બેંકની પાછળના ભાગે દીવાલમાં મોટું બાકોરું પાડીને બેંકમાં ઘૂસ્યા હતા અને બેંકમાં આવેલા ગ્રાહકોના પાંચથી છ જેટલા લોકર તોડીને નવ લાખ રોકડા અને 45 તોલા જેટલું સોનાના દાગીના મળી આશરે 57 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

ચોરીની ઘટનાને પગલે વિસ્તારની પ્રજામાં ભયનો માહોલ છવાઈ જવા સાથે જ નજીકમાં આવેલી પાલોદ પોલીસની નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઊડી ગયા હતા. આ બનાવ અંગે જાણ થતાં જ પાલોદ કોસંબા સુરત જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસમાં જોતરાયો હતો. પરંતુ આ લખાય છે ત્યાં સુધી પોલીસને ચોરો સુધી પહોંચવાની કોઈ મુખ્ય કડી મળી નથી.

સુમસામ વિસ્તારની બેંકમાં નાઈટ સિક્યુરિટી ગાર્ડ જ નથી
હથોડા: સુમસામ વિસ્તારમાં આવેલી બેંકમાં ગ્રાહકોના લાખો રૂપિયા અને દર દાગીના લોકરમાં મૂકવામાં આવ્યા છે. પરંતુ રાત પડતાં જ વોચમેન કે સિક્યુરિટી ગાર્ડની જરૂરિયાત હોવા છતાં બેંકમાં સિક્યુરિટી ગાર્ડ કે વોચમેનનો અભાવ હોવાથી ઠંડા કલેજે તસ્કરો બેંકને નિશાન બનાવી ગયા હતા.

ગ્રાહકો પણ બેંક પર દોડી આવ્યા
હથોડા: પાલોદ શાખાની યુનિયન બેન્કમાં ચોરી થયાની જાણ થતાં જ ગ્રાહકો તેમજ લોકર માલિકો બેંક ખાતે ધસી ગયા હતા અને પોતાનો લોકર સલામત છે કે કેમ તેની ચકાસણી કરવા માટે ચિંતાતુર બની બેંકની સામે ઊભા હતા. પરંતુ બેંકમાં પોલીસ તપાસ ચાલુ હોવાથી કલાકોના કલાકો સુધી ગ્રાહકોએ પોતાના લોકર બાબતે જપના કરવી પડી હતી.

Most Popular

To Top