Charchapatra

કબૂતરોને ચણ – પુણ્ય કે

શહેરના અનેક વિસ્તારોમાં કબૂતરોનાં ટોળાં જોવા મળી રહ્યાં છે. પાલમાં તો એવા એક વિસ્તારને કબૂતર ચાર રસ્તા તરીકે ઓળખાય છે. કેટલાંક કબૂતરપ્રેમી, જીવદયાપ્રેમીઓ નાનાં બાળકો સાથે આ કબૂતરોને ચણ નાંખી પુણ્ય કમાવાની તક ઝડપી લે છે. આમ તો સારી વાત કહેવાય. પરંતુ અજાણ્યે તેઓ તેમના માટે અને બીજા લોકો માટે જીવલેણ રોગને નોતરે છે.  કબૂતર જયારે ઊડે છે ત્યારે તે પાંખ ફફડાવે છે. તેમાંથી પ્રોટીન નીકળે છે જે હવામાં તરતાં રહે છે. આ પ્રોટીન કેટલાક દિવસો સુધી હવામાં તરે છે જે શ્વાસ મારફતે ફેફસાંમાં જાય છે. આ ઉપરાંત કબૂતરનું ચરક પડ્યું રહે છે. જેની પર માણસો ચાલે કે વાહનો એના પરથી પસાર થાય ત્યારે એક્દમ વધારે માત્રામાં પ્રોટીન નીકળે છે જે શ્વાસમાં જાય છે. જેને કારણે ફેફસાં જકડાઈ જાય છે અને ઘટ્ટતા વધતી જાય છે અને તે મહિનાઓ અને વર્ષો સુધી વિકસતી રહે છે.

અંતે ફેફસાં કામ કરવાનું બંધ કરી દે છે. જેને હાઈપરસેન્સિટિવિટી ન્યુમોનિટીસ કહે છે. જો પ્રારંભમાં જ આ રોગનું નિદાન અને સારવાર ન થાય તો જીવલેણ અને અસાધ્ય બની જાય છે. ભારતમાં, મોટે ભાગે જીવલેણ અને લગભગ અસાધ્ય ફેફસાંનો આ રોગ હાઈપરસેન્સિટિવિટી ન્યુમોનિટીસ એ કબૂતરના ચરકના સંપર્કને કારણે થાય છે. પૂણે (મહારાષ્ટ્ર)માં વહીવટી તંત્રે ક્બૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકયાના સમાચાર થોડા સમય પહેલાં આવ્યા હતા. સુરત તો સ્વચ્છતા નં. 1 હોય, વહીવટી તંત્રે કબૂતરો દ્વારા ફેલાતી આવી ગંદકીનો ઉપાય વિચારવો રહ્યો. સામાન્ય નાગરિકે પણ જાગૃતિ દાખવી કબૂતરોને ચણ નાંખવાનો દુરાગ્રહ છોડી પોતાની તથા અન્યની સુખાકારી માટે વિચારવું જોઈએ.
સુરત     – મિતેશ પારેખ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

માન લો તો હાર; ઠાન લો તો જીત
આપણે જે માન્યતાઓ થકી જીવન જીવતાં હોઈએ છીએ તે મુજબ જીવનમાં ઘટનાઓ આકાર લેતી હોય છે. જે વ્યક્તિ હંમેશા પ્રતિકૂળ સંજોગો સમક્ષ ઘૂંટણ ટેકવી દે છે ,તેના માટે હાર નિશ્ચિત બની જાય છે અને જે વ્યક્તિ પ્રતિકૂળ સંજોગોને પડકાર સમજી તેમનો હિંમતપૂર્વક સામનો કરતો રહે છે તેના માટે જીતની ધજા સતત ફરકતી રહે છે. એટલે જ ,મનથી નિર્બળ વ્યક્તિ માટે જે હાર સાબિત થાય છે, તે જ મનથી પ્રબળ વ્યક્તિ માટે જીત સિદ્ધ થાય છે. એટલે જ, કહેવાય છે ને માન લો તો હાર; ઠાન લો તો જીત.    
સુરત     – દીપ્તિ ટેલર આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.                                                       

Most Popular

To Top