કોટાનાં કોચિંગ સેન્ટરો માટેનો વાલીઓનો અને વિદ્યાર્થીઓનો ક્રેઝ કેમ ઘટી રહ્યો છે? – Gujaratmitra Daily Newspaper

Columns

કોટાનાં કોચિંગ સેન્ટરો માટેનો વાલીઓનો અને વિદ્યાર્થીઓનો ક્રેઝ કેમ ઘટી રહ્યો છે?

છેલ્લા બે દાયકામાં ૧૦ લાખની વસ્તી ધરાવતા કોટા શહેરમાં ઘણા વિસ્તારો હોસ્ટેલમાં ફેરવાઈ ગયા હતા. એન્જિનિયરિંગ અને મેડિકલ કોર્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દરેક જગ્યાએ જોવા મળે છે, પરંતુ હવે કોટાની ચમક ધીરે ધીરે ઓસરી રહી છે. અબજો રૂપિયાનો કોટા કોચિંગ ઉદ્યોગ હવે છેલ્લાં ડચકાં ભરી રહ્યો છે. જે છાત્રાલયો પહેલાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિથી ધમધમતાં હતાં, હવે તેમના રૂમને તાળાં લાગી ગયાં છે અને બારીઓ સૂની પડી છે. તેનાથી માત્ર હોસ્ટેલ ઉદ્યોગ જ નહીં પરંતુ શહેરનાં બાકીનાં લોકોને પણ અસર થઈ છે. જ્યારે કોટાની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે ત્યારે તેની અસર કોટાની અર્થવ્યવસ્થા પર પણ પડશે. સવાલ એ છે કે IIT અને NEET કોચિંગના નામ પર લોકોના મગજમાં જેનું નામ સૌથી પહેલાં આવે છે તે કોટામાં છેલ્લા મહિનાઓમાં આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ રહી છે?

૧૯૯૦ના દાયકામાં વી.કે. બંસલે કોટાના વિજ્ઞાનનગરથી બંસલ ક્લાસ શરૂ કર્યા હતા. કેટલાંક બાળકોને કોચિંગ આપીને શરૂ થયેલી આ પ્રક્રિયા ટૂંક સમયમાં એક મોટા ઉદ્યોગમાં પરિવર્તિત થઈ ગઈ. તે પછી, ઘણી કોચિંગ સંસ્થાઓએ કોટાને એન્જિનિયરિંગ અને તબીબી તૈયારી માટે તેમનું કેન્દ્ર બનાવ્યું અને ધીમે ધીમે આ શહેર કોચિંગ ઉદ્યોગમાં ફેરવાઈ ગયું. આખા ભારતમાં ખ્યાતિ ફેલાઈ ગઈ કે કોટામાં ભણે તેને નક્કી તબીબી કે ઇજનેરી કોલેજમાં પ્રવેશ મળી જશે. આ ખ્યાતિનો લાભ લઈને કોટામાં મોટી સંખ્યામાં કોચિંગ ક્લાસો ખૂલી ગયા.

આ ક્લાસની ફી ન પરવડે તો લોકો લોન લઈને કે ખેડૂતો પોતાની જમીનો ગિરવે મૂકીને પણ બાળકોને ભણવા માટે કોટા મોકલવા લાગ્યાં. કોટાનો આ ઉદ્યોગ વર્ષેદહાડે અબજો રૂપિયાની કમાણી કરવા લાગ્યો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી અનુસાર વર્ષ ૨૦૨૪માં લગભગ ૨૩ લાખ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી હતી અને લગભગ ૧૨ લાખ વિદ્યાર્થીઓએ JEEની પરીક્ષા આપી હતી. કોટા હોસ્ટેલ એસોસીએશનના પ્રમુખ નવીન મિત્તલનું કહેવું છે કે છેલ્લા બે દાયકામાં આ પહેલી વાર છે કે જ્યારે કોટા આવતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૫ થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે.

ઇકોર્સના સ્થાપક અને કોટા કોચિંગ ઉદ્યોગમાં બે દાયકાથી કામ કરનાર ડૉ. સોમવીર તાયલ કહે છે કે કોરોના પછી એટલાં બધાં વિદ્યાર્થીઓ કોટા આવ્યાં કે જેની કોટાએ ક્યારેય અપેક્ષા નહોતી કરી, પરંતુ ધીમે ધીમે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. આ વર્ષે સ્થિતિ એવી છે કે માત્ર ૧ કે ૧.૨૫ લાખ વિદ્યાર્થીઓ જ ભણવા માટે કોટા આવ્યાં છે. કોટામાં કોચિંગ માટે આવતાં વિદ્યાર્થીઓ માટે દરેક જગ્યાએ હોસ્ટેલ દેખાય છે. દક્ષિણ કોટાનું વિજ્ઞાનનગર, મહાવીરનગર, ઈન્દિરા કોલોની, રાજીવ નગર, તલવંડી અને ઉત્તર કોટાનું કોરલ સિટી વિદ્યાર્થીઓના ગઢ છે.

પરંતુ હવે આ વિસ્તારોમાં હોસ્ટેલ કે ઘરની બહાર દરેક જગ્યાએ ‘ભાડે આપવું છે’ લખેલું જોવા મળે છે. ઘણી ઇમારતોની અંદરના ઓરડાઓ પર તાળાંઓ લટકેલાં છે, જે બહારથી ચમકે છે, જ્યારે કેટલાંક છાત્રાલયો ઓછાં ભાડાને કારણે લોકોએ બંધ કરી દીધાં છે. નવીન મિત્તલ કહે છે કે લગભગ ૩૦ ટકા બાળકોની અછતને કારણે અમારો ઉદ્યોગ રૂ. ૬,૦૦૦ કરોડથી ઘટીને રૂ. ૩,૦૦૦ કરોડ પર આવી ગયો છે. વિજ્ઞાનનગરમાં મેસની સાથે હોસ્ટેલ ચલાવતા સંદીપ જૈન કહે છે કે આ કોટાનો સૌથી જૂનો કોચિંગ વિસ્તાર છે. અહીંથી જ બંસલ સરે કોચિંગ શરૂ કર્યું હતું.

આવી જ હાલત કોટાના રહેવાસી દીપક કોહલીની છે. તેઓ છેલ્લાં ૨૫ વર્ષથી હોસ્ટેલ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તેઓ રાજીવનગરમાં ૫૦ રૂમની હોસ્ટેલ, વિજ્ઞાનનગરમાં ૨૦ રૂમની પેઇંગ ગેસ્ટની અને કોરલ સિટીમાં ૫૦ રૂમની હોસ્ટેલ ચલાવી રહ્યા છે. દીપક કોહલી કહે છે કે એક વર્ષ પહેલાં અમે રાજીવનગરમાં એક રૂમનું ભાડું ૧૫,૦૦૦ રૂપિયા લેતા હતા. આજે તે ઘટીને ૮,૦૦૦ રૂપિયા થઈ ગયું છે, જ્યારે વિજ્ઞાનનગરમાં પેઇંગ ગેસ્ટનું ભાડું જે ૫,૦૦૦ રૂપિયા હતું, તે ઘટીને રૂ. ૩,૦૦૦ થઈ ગયું છે. અમારી બધી હોસ્ટેલ અડધાથી વધુ ખાલી છે. કોરલ સિટીમાં હોસ્ટેલ ચલાવતા મુકુલ શર્મા પણ ચિંતિત જણાય છે. તેઓ ૨૦૦૯ થી હોસ્ટેલ ઉદ્યોગમાં છે અને અહીં ૭૫ રૂમની હોસ્ટેલ ચલાવી રહ્યા છે.

મુકુલ શર્મા કહે છે કે અમારી પાસે એક સારું સ્થાન હતું. એવી અપેક્ષા હતી કે હોસ્ટેલ સંપૂર્ણ રીતે કાર્યરત થશે પરંતુ હવે તેમાંથી અડધાથી વધુ જગ્યા ખાલી પડી છે. હોસ્ટેલ બનાવવાનો ખર્ચ લગભગ ૪ કરોડ રૂપિયા થયો હતો, જે મુજબ પ્રતિ મહિને ૪ લાખ રૂપિયા બચવા જોઈતા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે અમે ૧ લાખ રૂપિયા પણ મુશ્કેલીથી બચાવી શકતા નથી. કોટામાં ઓછાં વિદ્યાર્થીઓ આવતાં ભાડું પણ ઓછું થઈ ગયું છે. અમે એક બાળક પાસેથી સુવિધાઓ સાથે ૧૫,૦૦૦ રૂપિયા વસૂલતા હતા. હવે અમે માત્ર ૮,૦૦૦ રૂપિયા વસૂલ કરીએ છીએ, જ્યારે સમયની સાથે વસ્તુઓની કિંમત વધી રહી છે. લોન લઈને હોસ્ટેલો બાંધનારાઓ માટે હવે તો લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ બની રહ્યા છે.

એવાં ઘણાં કારણો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટા પાયે કોટાથી દૂર જઈ રહ્યા છે. કોટામાં વર્ષ ૨૦૨૩માં ૨૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૫ પછી આ પ્રથમ વખત હતો જ્યારે વિદ્યાર્થીઓએ આટલી મોટી સંખ્યામાં આ પ્રકારનું પગલું ભર્યું હતું. બિહારનો રહેવાસી આદિત્યકુમાર બે વર્ષ પહેલાં પોતાના વર્ગનાં ૧૦ બાળકો સાથે કોટા ગયો હતો. તેનો હેતુ આઈઆઈટીમાં એડમિશન મેળવવાનો હતો, પરંતુ હવે તે અને તેના તમામ મિત્રો પટના અથવા બિહારનાં અન્ય શહેરોમાં પરત ફર્યાં છે અને ત્યાં રહીને તૈયારી કરી રહ્યાં છે. 

આદિત્ય કહે છે કે ૨૦૨૪માં અમારાં બધાં બાળકો પાછાં આવ્યાં છે. આત્મહત્યાના સતત સમાચારો આવી રહ્યા છે, જેના કારણે અમે ચિંતિત રહેતાં હતાં. આ ઉપરાંત ટેસ્ટ પછી બાળકોની ત્યાં છટણી કરવામાં આવે છે અને નીચલા બેચ પર એટલું ધ્યાન આપવામાં આવતું નથી. કોટાથી તેમની સાથે પાછા ફરેલા બેગુસરાયના સાકેત કહે છે કે તમે જેની સાથે બેસીને ભોજન કરો છો, તેણે આત્મહત્યા કરી લીધી છે, એવી તમને ખબર પડશે તો આવી સ્થિતિમાં તમે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.

પટનામાં આ વિદ્યાર્થીઓને કોચિંગ આપી રહેલા ડૉ. કુમાર્યા મનોજ કહે છે કે ૧૯૯૦ના દાયકામાં બિહારનું વાતાવરણ ખરાબ હતું, જેના કારણે કોટાની ડિમાન્ડ વધી હતી. જે માતાપિતા તેમનાં બાળકો પર ૧ લાખ રૂપિયા ખર્ચી શકે છે તેઓ તેમનાં બાળકોને છેડતી અને અપહરણથી બચાવવા માટે તેમને કોટા મોકલતાં હતાં. હવે બિહારનું વાતાવરણ સારું છે. દેશની મોટી કોચિંગ સંસ્થાઓએ પટનામાં તેમનાં કેન્દ્રો ખોલ્યાં છે. તેથી, માતાપિતા તેમનાં બાળકોને કોટા મોકલવાને બદલે પટનામાં જ તેમનાં બાળકોને શિક્ષણ આપવાનું પસંદ કરી રહ્યાં છે.

કોટા પહોંચવામાં ૨૬ કલાકનો સમય લાગે છે, જ્યારે પટનામાં માતાપિતા બાળકોને એક-બે કલાકમાં મળી શકે છે. કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓ અને અભ્યાસના દબાણને ઘટાડવા માટે શિક્ષણ મંત્રાલયે તાજેતરમાં નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળ કોચિંગ સેન્ટર માટે માર્ગદર્શિકા જારી કરી છે. તેની મુખ્ય જોગવાઈઓમાંની એક એ છે કે હવે ૧૬ વર્ષથી નીચેનાં વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરોમાં પ્રવેશ લઈ શકશે નહીં. શહેરમાં એવી ઘણી સંસ્થાઓ છે જે પહેલા ધોરણ છઠ્ઠા ધોરણથી બાળકોને કોચિંગ આપતી હતી, પરંતુ હવે તેને બંધ કરી દેવામાં આવી છે. નવીન મિત્તલના જણાવ્યા અનુસાર આવાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ ૧૦ ટકા હતી. ઇકોર્સના સ્થાપક સોમવીર તાયલ માને છે કે કોટામાં બાળકોનું ઘટવું એ શહેર માટે સમસ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ અને શિક્ષણ ઉદ્યોગ માટે તે એક સારી વાત છે. કોટાનાં કોચિંગ સેન્ટરોમાં લાખો વિદ્યાર્થીઓ જે તાણમાંથી પસાર થતાં હતાં તેમાંથી તેમનો છૂટકારો થાય તે આનંદની વાત છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top