નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આજે મંગળવારે બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ માટે સમર્થનની બેગ લઈને સંસદમાં પહોંચ્યા હતા. એક દિવસ પહેલા ગઈકાલે સોમવારે પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈનનું સમર્થન કરતી બેગ લઈને સંસદમાં ગયા હતા. જેનો ભાજપે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે પ્રિયંકા અને કોંગ્રેસને બાંગ્લાદેશના હિન્દુઓનું દર્દ દેખાતું નથી. ત્યારે આજે પ્રિયંકાની બેગ પર લખેલું છે – ‘બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ સાથે ઊભા રહો.’
આ અગાઉ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે એક હેન્ડબેગ લઈને સંસદ પહોંચ્યા હતા, જેના પર પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે સમર્થન અને એકતા દર્શાવતા “પેલેસ્ટાઈન” લખેલું હતું. પ્રિયંકા ગાંધી સંસદમાં જે બેગ લઈને ગયા હતા તેના પર “પેલેસ્ટાઈન” લખેલું હતું અને તરબૂચ જેવા પેલેસ્ટિનિયન પ્રતીકો પણ હતા, જે પેલેસ્ટિનિયન એકતાનું પ્રતીક માનવામાં આવે છે. તરબૂચ પેલેસ્ટિનિયન સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. કાપેલા તરબૂચની તસવીર અને ઈમોજીનો ઉપયોગ ઘણીવાર પેલેસ્ટાઈનના લોકો સાથે એકતા દર્શાવવા માટે થાય છે.
આ અગાઉ જૂનમાં પ્રિયંકા ગાંધીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ટીકા કરી હતી અને ગાઝામાં ઈઝરાયેલ સરકારની કાર્યવાહીને “નરસંહાર” ગણાવી હતી.
સંબિત પાત્રાએ વિરોધ કર્યો
પ્રિયંકા ગાંધીની પેલેસ્ટાઈન બેગ મામલે ભાજપના નેતા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે ગાંધી પરિવાર હંમેશા તુષ્ટિકરણની બેગ લઈને ફરતો રહ્યો છે. ચૂંટણીમાં તેમની હારનું કારણ પણ તુષ્ટિકરણની બેગ જ છે. તાજેતરમાં, નવી દિલ્હીમાં પેલેસ્ટાઈન દૂતાવાસના ચાર્જ ડી અફેર્સ, અબેદ એલરાઝેગ અબુ જાઝર, પ્રિયંકા ગાંધીને મળ્યા અને તેમને તાજેતરની વાયનાડ ચૂંટણીની જીત બદલ અભિનંદન આપ્યા હતા.