કોઇ વાંચતું નથી એવી ફરિયાદ સંભળાઇ રહી છે. પરંતુ શું કરીએ તો લોકો વાંચતાં થાય એ અંગે સ્વ. મહેન્દ્ર મેઘાણી, નવસારીની શ્રી સયાજીવૈભવ લાયબ્રેરી વાંચે ગુજરાત અભિયાન સિવાય કોઇ પ્રયત્નો શોધ્યા જડતા નથી. ચાલો મળીએ, 73 વરસના, પડોશી રાજય મહારાષ્ટ્રના નાશિક રહેતા ભીમાબાઇ જોંધલને જેઓ માત્ર મરાઠી છ ધોરણ પાસ છે. પણ તેમની સૂઝ ગજબની છે. ભીમાબાઇએ નાશિક હાઇ વે પર ચાની લારી ખોલી. ત્યાં ગ્રાહકો માટે છાપું મંગાવતાં. એ પછી ખાવાનું બનાવવા લાગ્યાં. આજે રીલેકસ કોર્નર નામે એ હોટલ તેઓ ચલાવી રહ્યાં છે. પરંતુ આ ચીલાચાલુ હોટલ નથી. કારણ અહીં તમારા ઓર્ડરની વાનગીઓ સાથે પુસ્તકો પણ સુલભ કરવામાં આવી રહ્યાં છે. ભીમાબાઇએ હોટલ શરૂ કરી ત્યારે જોયું તો ગ્રાહક આવી પોતાની મનપસંદ વાનગીનો ઓર્ડર આપી આપસમાં વાત કરવાને બદલે મોબાઇલમાં ડૂબી જતો. એ જોઇ ભીમાબાઇ દુ:ખી થતાં. પુસ્તકો વાંચવાથી જિંદગી સુધરે છે.
પરિણામે પોતાનો ગ્રાહક ઓર્ડર આપી તે વાનગી બની આવે ત્યાં સુધીનો પોતાનો નવરાશનો સમય પુસ્તક સાથે વિતાવે તે માટે દરેક ટેબલ પર બે પુસ્તક રહે તેવી રેક બનાવી તેમાં સારાં બે પુસ્તકો મૂકયાં. પુસ્તકોવાળી માજીની હોટલ તરીકે તે હાલ પ્રસિધ્ધિ પામી છે. વળી હોટલની દિવાલો પર કવિતા તથા નાશિકની સાંસ્કૃતિક ઓળખ આપતાં ચિત્રો છે. હોટલના આંગણામાં અક્ષરબાગ બનાવ્યો છે. જયાં દરેક વૃક્ષ એક મરાઠી સાહિત્યકારને સમર્પિત છે. શરૂ થયેલ આ સફર સાંજે આઠ હજાર પુસ્તકો સુધી પહોંચી છે. અભિનંદન ભીમાબાઇ.
વ્યારા – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.