સંસદના શિયાળુ સત્રમાંથી ‘એક દેશ એક ચૂંટણી’ અથવા ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી સામે આવી છે કે આવતીકાલે એટલે કે મંગળવાર 17 ડિસેમ્બર 2024ના રોજ નીચલા ગૃહ લોકસભામાં વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલ આ બિલ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે વન નેશન વન ઈલેક્શન મોદી સરકારના સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી વચનોમાંથી એક છે.
લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણી
દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટેનું બંધારણ સંશોધન બિલ મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જો પીટીઆઈના સૂત્રોનું માનીએ તો તેને બંને ગૃહોની સંયુક્ત સમિતિને મોકલવામાં આવી શકે છે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી કેવી રીતે હાથ ધરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલને 16 ડિસેમ્બરના રોજ ગૃહના કામકાજના એજન્ડા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. જો કે હવે તેને હવે મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ મોદી સરકારે સાંસદોને બિલની નકલો વહેંચી છે જેથી તેઓ તેનો અભ્યાસ કરી શકે. તમને જણાવી દઈએ કે સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યું છે. તેથી વન નેશન વન ઇલેક્શન સંબંધિત આ બિલ રજૂ કરવા માટે સરકાર પાસે માત્ર 4 દિવસ બાકી છે.
ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ સહિત વિવિધ વિપક્ષી પાર્ટીઓએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિરોધ પક્ષો દલીલ કરે છે કે આ નિયમ દેશના સંઘીય માળખાને વિક્ષેપિત કરી શકે છે, પ્રાદેશિક પક્ષોને નબળા બનાવી શકે છે અને કેન્દ્રમાં સત્તા કેન્દ્રિત કરી શકે છે. બીજી તરફ શાસક પક્ષનું કહેવું છે કે વન નેશન વન ઇલેક્શનનું પગલું ખર્ચ-અસરકારક અને ગવર્નન્સ-ફ્રેન્ડલી હશે અને તે સમયની જરૂરિયાત છે.