સુરત: લંપટ રોમિયો જાહેરમાં છોકરીઓની છેડતી કરતા હોય છે. બદનામીના ડરથી છોકરીઓ કશું કરતી નથી. તેથી લંપટ ઈસમોની હિંમત વધે છે. જોકે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીઓની છેડતી કરવાનું રોમિયોને ભારે પડ્યું હતું. ત્રણ યુવતીઓએ ભેગી થઈ જાહેર રસ્તા પર લંપટને તમાચા ઝીંકી તેની શાન ઠેકાણે લાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
શહેરના કાપોદ્રા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી યુવતીઓને છેડતી કરવામાં આવતી હતી. જેથી આજે યુવતીઓએ લંપટ રોમિયોનો કોલર પકડી લીધો હતો. યુવતીઓએ જાહેરમાં જ યુવકને માર માર્યો હતો. મારતા મારતા લંપટને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈને પહોંચી હતી. યુવતીઓએ રોમિયોને પોલીસ હવાલે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના કાપોદ્રા વિસ્તારની યુવતીઓ જ્વેલરીની ઓફિસમાં નોકરી કરે છે. આ ત્રણેય યુવતીઓ રોજ નિયમિત સમય અનુસાર જ્વેલરીની ઓફિસ જતા હતા. છેલ્લાં ત્રણ દિવસથી એક રોમિયો યુવતીઓને છેડતો હતો. ત્રણ દિવસથી હેરાન થતી યુવતીઓએ આજે રોમિયોનો કોલરમાં જાહેરમાં પકડી લીધો. પછી તેને બરોબર મેથીપાક ચખાડ્યો હતો.
યુવતીઓએ આજે રેકી કરીને રોમિયોગીરી કરતાં યુવકને ઝડપી લીધો હતો. બાદમાં તેની પૂછપરછ કરી હતી. જો કે, યુવકે પોતાનો બચાવ કરતાં કહ્યું કે, હું તમને ઓળખતો નથી. બાદમાં યુવતીઓએ માર મારતા લોકો ભેગા થઈ ગયા હતાં. લોકોએ પણ હાથ સાફ કરી લીધા હતા. છેડતી કરનાર યુવકને ત્યારબાદ નજીકમાં જ આવેલા કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો.
યુવતીઓએ કહ્યું કે, અમે શનિવારે ઓફિસ જતા હતા ત્યારે આ લંપટે અભદ્ર ભાષામાં કોમેન્ટ કરી હતી. તે બીભત્સ હરકતો કરતો હતો. નરાધમ બાઈક લઈને બે થી ત્રણ વખત અમે જ્યાં ઊભા હતા ત્યાં યુ ટર્ન લઈને આવ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. તે દિવસે અમે એમને પકડવા માટે ગયા તો એ મેઇન રોડ પર ભાગી ગયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે અમે તેનો ચહેરો યાદ રાખ્યો હતો અને નક્કી કર્યું હતું કે ફરી દેખાય તો પકડી સબક શીખવાડીશું. આજે સવારે અમે ઓફિસ જતા હતા ત્યારે ફરી તે દેખાયો હતો. જેથી અમે તેને પૂછ્યું કે, શનિવારે કેમ ખોટું વર્તન કર્યું હતું. ત્યારે તેણે કહ્યું કે હું એ વ્યક્તિ નથી. મેં તમને ક્યારેય જોયા નથી. અમને નહીં ઓળખવાનો ઢોંગ તેણે કર્યો હતો. જેથી અમે અમારી ફેમિલીના સભ્યોને બોલાવ્યા હતા. તેની પૂછપરછ કરી પરંતુ તે કબૂલ કરતો નહોતો. તેથી અમે તેને માર મારી કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી વખત જાહેરમાં યુવતીઓની છેડતીની ઘટનાઓ બનતી હોય છે પરંતુ મોટાભાગે આ મામલાઓ દબાવી દેવામાં આવતા હોય છે ત્યારે આ યુવતીઓએ હિંમત કરી અને જાહેર રોડ પર જ તેની છેડતી કરનાર યુવકને ધોઈ નાખ્યો હતો અને પોલીસ મથકે પહોંચાડ્યો હતો. હાલ કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે.