સુરત : છેલ્લા થોડા સમયથી ભાજપના જ નગર સેવકો દ્વારા વહીવટી તંત્રને નિશાન બનાવી પ્રજાના કામો નહીં થતા હોવાની ફરિયાદો જાહેરમાં થવા માંડી છે. શિસ્તબદ્ધ મનાતા ભાજપમાં જાણે વરસો બાદ શીસ્તનું કવચ તુટ્યુ હોય અને દબાયેલી સ્પ્રિંગ ઉછળી હોય તેવી સ્થિતિ દરેક ઝોનમાં જોવા મળી રહી છે.
ત્યારે વરાછા ઝોનમાં તાજેતરમાં ભાજપના જ નગરસેવકે કાર્યપાલક ઇજનેરની ઓફીસમાં જઇને વિડીયો વાયરલ કરી અધિકારીઓ શાસકોને પણ ભાજીમુળા સમજે છે તેવુ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી શાસકપક્ષને શરમજનક સ્થિતિમાં મુકયો હતો ત્યારે હવે ફરી એકવાર વરાછા ઝોન-એમાં આમ આદમી પાર્ટીમાંથી ચુંટાયેલા અને ભાજપમાં જોડાયેલા મહિલા કોર્પોરેટર સ્વાતિ કયાડા અને ડેપ્યુટી ઇઝનેર સાવન પટેલ વચ્ચે વરાછા ઝોન-એના નગરસેવકો અને અધિકારીઓ વચ્ચે સંકલન માટે બનાવાયેલા સોશિયલ મીડિયાના ગ્રૃપમાં શાબ્દિક યુદ્ધ અને તુ-તુ મૈ-મૈ થઇ જતા ફરી એકવાર ભાજપની કહેવાતી શિસ્તના લીરા ઉડ્યા હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગ્રુપમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ છે.
- હવે ભાજપ શિદ્ધબદ્ધ પક્ષ રહ્યો નથી, પાર્ટી પર પ્રમુખનો કમાન્ડ નહીં હોવાની સ્થિતિ
- મહિલા કોર્પોરેટર: ‘‘અમારા વિસ્તારની સોસાયટીનું કામ ન થતું હોય તો કહી દો’’
- ડેપ્યુટી ઇજનેર: ‘મારાથી નથી થતું, બદલી કરાવવી હોય તો કરાવી દો’’ (મેયર અને વિપક્ષ નેતા, ઝોનના વડાને ટેગ કરીને લખ્યું ‘માપમાં રહેવાનું જવાબ આપતા મને પણ આવડે છે)
જ્યારે વચ્ચે પડેલા અન્ય નગરસેવક ધમેન્દ્ર વાવલીયાએ પણ અધિકારીને આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો હતો. ઝોનમાં કામગીરી અંગે અધિકારીઓ અને કોર્પોરેટરો વચ્ચે સંકલન થાય તે માટે વોટ્સ એપ પર ગ્રુપ બનાવાયા છે. જેમાં વરાછા ઝોન-એ માં આવેલી ઘણી સોસાયટીઓમાં સ્વચ્છતા ડ્રેનેજ સહિતના અનેક પ્રશ્નો બાબતે કોર્પોરેટરોએ વોટ્સ ગ્રુપમાં ચર્ચા શરૂ કરી હતી. જે પછી તું-તું મે-મે માં તબદીલ થઈ હતી.
કોર્પોરેટરોએ અધિકારીને કામ ન થતા હોવાની ફરીયાદ કરી હતી ત્યારે અકળાયેલા અધિકારીએ પણ પોતાના પરના આક્ષેપો અને શાબ્દિક હુમલાઓથી અકળાઇને મેયર, વિપક્ષી નેતા, ઝોનના વડાને ટેગ કરીને લખ્યુ હતુ કે, ‘‘માપમાં વાત કરવાની’’ જવાબ આપતા મને પણ આવે છે.
આ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. કોર્પોરેટર સ્વાતિ ક્યાડાએ ગ્રુપમાં લખતાની સાથે જ ડેપ્યુટી ઇજનેર સાવંત પટેલે તેના સીધા શબ્દોમાં જવાબ આપી દેતા અધિકારીઓ નગરસેવકોથી કેટલી હદે કંટાળી ગયા છે અને પોતાની નોકરી પણ હોડમાં મુકી રહ્યા છે તેની પ્રતિતિ થઇ હતી.
નગરસેવક : અમારા વિસ્તારની ફરિયાદોનાં કામ પૂર્ણ થતાં નથી.
ડેપ્યુટી ઇજનેર સાવન પટેલ : ખોટી ફરિયાદ કરવી નહીં.
મહિલા કોર્પોરેટ : ર જો કામ ન થતું હોય તો ના કહી દો એટલે અમને ખબર પડે.
અધિકારી : અમારાથી કામ નથી થતું, બદલી કરાવી નાખો અથવા સસ્પેન્ડ કરાવી નાંખો.
મહિલા કોર્પોરેટર : તમે બદલી કરાવવા માટે આ કામ નથી કરતા.
અધિકારી : સારું કામ નથી કરતો તો મને બેસાડી દો. આખું વરાછા ખાલી કરી દો અને તમારા મનગમતા વ્યક્તિઓને ગોઠવી દો. હું પણ જોઉં કેવી રીતે વરાછા ઝોન એ ચાલે.
દબાયેલી સ્પ્રીગ ઉછળી : મોટા ભાગના ઝોનમાં ઘમાસાણ, સંગઠન લાચાર ?
વરાછા ઝોન-એ માં હાલ નગરસેવકો અને અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી વોર તો માત્ર ઉદાહરણ છે. મોટા ભાગના ઝોનમાં આવી સ્થિતિ છે. અને ભાજપના નગરસેવકો હવે સંગઠનમાં ફરિયાદ કરવાની પ્રણાલી કોરાણે મુકી સીધા જ અધિકારીઓ પર પ્રહાર કરતા થયા હોય વરસોથી શિસ્તના નામે દબાયેલા નગરસેવકોની સ્પ્રિંગ ચૂંટણીના એક વર્ષ પહેલા જ ઉછળવા માંડી હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. વરાછા ઝોનમાં થોડા દિવસ પહેલા ભાજપના ધર્મેશ ભાલાળાએ કાર્યપાલક ઇજનેરની ઓફીસમાંથી લાઇવ કરી અધિકારીઓ શાસકોને ગાંઠતા નથી, તેવુ પ્રસ્થાપિત કર્યું હતું.
તેથી શાસકો જાણે ભાજીમુળા હોય તેવું ચિત્ર ઉપસ્યુ હતું, એક સમયે પ્રવિણ નાયક અને પૂર્ણેશ મોદી પ્રમુખ હતા ત્યારે નગરસેવકો અધિકારીઓ તો શું અન્ય જગ્યાએ પણ કોઇ ફરિયાદ કે રજુઆત કરતા પહેલા શહેર સંગઠનની મંજુરી લઇ પાર્ટીની લાઇનદોરી મુજબ વર્તન કરતા હતા. જો કે હવે હવે આ સ્થિતિ હાથમાંથી ચાલી ગઇ હોય તેમ વરાછાના કીસ્સા બાદ રાંદેર ઝોનના એક વોર્ડના મહિલા કોર્પોરેટરે હું પણ બે ત્રણ અધિકારીઓને આમ આટીમાં લેવાની છું તેવો મેસેજ મુકયો હતો.
તો કતારગામ અને ઉધના ઝોનમાં ઘણા સમયથી ભાજપના નગરસેવકો અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં નગરસેવકો સુવિધા બાબતે રોષ વ્યક્ત કરતા ભાજપના જ પાયાના કાર્યકરોને એક યા બીજી રીતે દબાવવા કોશિષ કરી રહ્યા છે. ત્યારે શહેર સંગઠન લાચાર બનીને શિસ્તના લીરા ઉડવાની સ્થિતિ જોઇ રહ્યું હોય તેવી પ્રતિતિ થઇ રહી છે.
સરકાર નમાલી છે, નહીંતર….: ભાજપમાં આવેલા ધર્મેન્દ્ર વાવલીયા પણ વચ્ચે કૂદ્યા
વરાછા ઝોનના ગૃપમાં ડેપ્યુટી ઇજનેર અને પક્ષ પલ્ટુ કોર્પોરેટર વચ્ચે તુ-તુ મૈ મે ચાલી રહી હતી ત્યારે આપમાંથી ભાજપમાં આવેલા અને વારંવાર રીસાઇ જતા ધર્મેન્દ્ર વાવલીયાએ પણ વચ્ચે ઝંપલાવ્યુ હતુ અને ‘સરકાર નમાલી છે, એટલે બાકી તમારા જેવાને તો ઘરે બેસાડે અને જેલમાં પણ નાંખે… તેવી પોસ્ટ મુકીને સીધા ભાજપ શાસકોને નમાલા કહી દીધા હતા. જો કે સામે પક્ષે ડેપ્યુટી ઇજનેરે પણ કહી દીધુ હતું કે, સાહેબ ઘરે બેસાડી દો..